પાલનપુરના યુવા ખેડૂતે તાઈવાન પપૈયાની સફળ ખેતી કરી, 4 એકરમાંથી 15 લાખની કમાણી થવાની આશા

  • મિત્રને ત્યાંથી તાઈવાન પપૈયાની ખેતી કરવાનો વિચાર આવ્યો હતો

પરંપરાગત ખેતી છોડીને ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના આકેડી ગામના એક યુવા ખેડૂતે પણ ખેતીમાં કંઈક નવું કરવાના ઈરાદે તાઈવાન પપૈયાની સફળ ખેતી કરી છે. તાઈવાન પપૈયાની કુલ 4 એકરમાં ખેતી કરનારા શૈલેષભાઈ ચૌધરીએ અઢી લાખ જેવો ખર્ચ કર્યો છે. પપૈયાના રોપા લાવવાથી લઈને કરેલા અન્ય ખર્ચના બદલે તેમને લગભગ 15 લાખથી વધુની કમાણી થવાની આશા છે. 16થી 18 મહિનાની આ ખેતીમાં એક જ વાર ખેડ અને રોપાનો ખર્ચ આવતો હોય છે.

પરંપરાગત ખેતી છોડી બાગાયત તરફ વળ્યા

પાલનપુર તાલુકાના આકેડી ગામના યુવા ખેડૂત શૈલેષભાઈ ચૌધરી અગાઉ પરંપરાગત ખેતી કરતા હતા. પરંતુ મિત્રને ત્યાં તાઈવાન પપૈયાની બાગાયતી ખેતી જોઇને પોતાના ખેતરમાં તાઇવાન પપૈયા વાવવાનો વિચાર આવ્યો હતો. જેથી ચાર એકર જમીનમાં તેમણે 4500 પપૈયાના રોપા લાવીને ખેતીની શરૂઆત કરી હતી. જેમાં તેમને અઢી લાખ રૂપિયાનો કુલ ખર્ચ થયો હતો.

16થી 18 માસની ખેતી

શૈલેષભાઈ ચૌધરીએ ખેતરમાં પપૈયાના રોપાનું વાવેતર કરી સારી એવી માવજત કરી હતી. જોકે શૈલેષભાઈ ચૌધરીને વાઇરસના કારણે તકલીફ પડી હતી.પરંતુ માર્કેટમાં ભાવ સારા હોવાના કારણે તમને સારો એવો ફાયદો થયો હતો. બાગાયતી ખેતીમાં સામાન્ય ખેતી કરતા આવક સારી રહે છે. પપૈયાની ખેતીનો પાક 16થી 18 માસનો હોય છે. જેથી એક જ વાર ખેડ અને બિયારણનો ખર્ચ થાય છે. જ્યારે સામાન્ય ખેતીમાં તે ખર્ચ વધી જાય છે.

પાણીની જરૂર વધુ પડે છે

યુવા ખેડૂત શૈલેષભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અગાઉ જમીનમાં રાયડો, ઘઉં જેવા પાકોની ખેતી કરતા હતા. ધીરે ધીરે ટેક્નોલોજી વધી એના કારણે મગફળી બટાકા જેવું વાવેતર કરવા લાગ્યા હતાં. મિત્રોને ત્યાં પપૈયાનું વાવેતર મેં જોયેલું. જે મને ગમ્યું હતું. કારણ કે ખેતી સિવાય બીજો ધંધો કરવો હોય અને જો પપૈયા વેવેલા હોય તો તમને સમય મળે છે. સીઝન લાંબી ચાલતી હોવાથી પપૈયાનો વિચાર આ વર્ષથી જ કર્યો હતો. જેમાં મને અન્ય ખેતી પાકો કરતાં સારું એવું વળતર મળી રહ્યું છે. પપૈયાની ખેતીમાં પાણીની ખૂબ જ જરૂર પડે છે.

16થી 18 મહિનાની આ ખેતીમાં એક જ વાર ખેડ અને રોપાનો ખર્ચ આવતો હોય છે

ઓછા ખર્ચે વધુ વળતર

શૈલેષભાઈ ચૌધરીએ વધુમા જણાવ્યું હતું કે, મગફળી, બટાકા વાવવાથી વારંવાર ખેડનો ખર્ચો લાગતો હોય છે. ખાતર, બિયારણ પણ મોંઘા હોય છે. પપૈયાની ખેતી લાંબા સમય સુધી ચાલતી હોય એટલે ખાતર પણ ઓછું વાપરવાનું હોય છે. જેથી ખર્ચો ઓછો થાય છે. સારા ભાવ છે. આ વખતે મને બીજા પાકોની જગ્યાએ પપૈયાનું વાવેતર નફાકારક સાબિત થયું છે. 4500 જેટલા પપૈયાના છોડ વાવવામાં અઢી લાખ સુધીનો ખર્ચો થયો છે. પપૈયાના છોડથી લઈને ખાતર, બિયારણ સુધીનો સીઝન પુરા થવા પર છે. ત્યારે 15 લાખની કમાણી થશે. વાઈરસ ન નડ્યો હોત તો 20 લાખની પણ આવક થઈ શકી હોત. જેથી ખેડૂતોને પપૈયાની ખેતી લાભની ખેતી સાબિત થઈ શકે છે.

મિત્રને ત્યાંથી તાઈવાન પપૈયાની ખેતી કરવાનો વિચાર આવ્યો હતો