લખવાની પ્રેક્ટિસ છૂટતા ધો.10-12ના વિદ્યાર્થીઓનું પ્રિલિમનું પરિણામ 30% સુધી ઘટ્યું, C અને D સેક્શન છોડે છે, બોર્ડનું પરિણામ પણ ઘટી શકે

કોરોના મહામારીને કારણે રાજ્યમાં લગભગ દોઢ વર્ષ સુધી ઓનલાઇન શિક્ષણ ચાલ્યું હતું. હવે બે વર્ષ બાદ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા ક્લાસરૂમમાં બેસીને આપશે, ત્યારે 28 માર્ચથી શરુ થઈ રહેલી બોર્ડ પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ દોઢ વર્ષ સુધી ઓનલાઈન ભણ્યા હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓની લખવાની પ્રેક્ટીસ છૂટી ગઈ છે. જેની અસર તાજેતરમાં લેવાયેલી પ્રિલિમિનરી પરીક્ષામાં જોવા મળી છે. વિદ્યાર્થીઓએ ખાસ કરીને પેપરમાં સેક્શન C અને D છોડી દીધું છે એટલે કે મોટા પ્રશ્નોના જવાબ લખવામાં વિદ્યાર્થીઓએ આળસ કરી છે અથવા સરખી રીતે લખી શક્યા નથી.

સામાન્ય કરતા પ્રિલિમિનરી પરીક્ષામાં વિદ્યાર્થીઓનું પરિણામ 10 થી 30 ટકા ઘટ્યું છે. આમ વિદ્યાર્થીઓની આ છૂટી ગયેલી રાઇટિંગ પ્રેક્ટિસનું પરિણામ બોર્ડની પરીક્ષા અને પરિણામ પર પડી શકે છે.

છેલ્લા બે વર્ષમાં પરીક્ષા પણ પોતાના સમયે આપી:-

ઓનલાઇન અભ્યાસમાં વિદ્યાર્થીઓને ખાસ કંઈ લખવાનું થતું નહોતું અને પરીક્ષા પણ ઘરે પોતાના સમયે આપવાની રહેતી હતી. જેથી વિદ્યાર્થીઓ શાંતિથી પેપર લખતા હતા. તેમજ વિદ્યાર્થીઓને હોમવર્ક કરવાનું રહેતું નહોતું. જેના કારણે વિદ્યાર્થીઓની લખવાની આદત ઓછી થઇ ગઈ છે અથવા તો સ્પીડ ઘટી ગઈ છે.

કોરોના પહેલા પ્રિલિમનું પરિણામ સારું આવતું:-

કોરોનાના આ 2 વર્ષમાં વચ્ચેના સમયે જ્યારે જ્યારે સ્કૂલ શરુ થઈ ત્યારે થોડા ઘણાં અંશે વિદ્યાર્થીઓ રેગ્યુલર થતા હતા. પરંતું બાદમાં સ્કૂલ બંધ થઇ જતા ઓનલાઈન શિક્ષણ ફરીથી શરુ થતું હતું. જેથી વિદ્યાર્થીઓની લખવાની પ્રેક્ટિસ પર અસર થઈ છે. કોરોના અગાઉ પરીક્ષા લેવામાં આવતી ત્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ ખૂબ સારું આવતું હતું. જ્યારે આ વખતની ઓફલાઈન પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી, તેમાં વિદ્યાર્થીઓને લખવાની પ્રેક્ટીસ છૂટી ગઈ હતી.