વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ:આ વર્ષે સિંહ જાતકોના આત્મબળ અને આત્મવિશ્વાસમાં વધારો થશે, બિનજરૂરી ખર્ચ ટાળો

આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરુ ગ્રહનું વર્ષફળ

સિંહ રાશિ/લગ્નના જાતકો માટે 12/4/2022 સુધી ગુરુનું ભ્રમણ સાતમા ભાવમાં કરશે. પ્રેમને જો લગ્નમાં પરિવર્તિત કરવો હોય તો સુંદર યોગ છે. જોકે માર્ચ/એપ્રિલ સુધી જ આ સ્થિતિ રહેશે એટલે ગંભીર બનીને પ્રયત્નો વધારો, કારણ કે એપ્રિલ પછી ગુરુ ખાડે જશે જે કોઈ કારણસર વિલંબ કરાવી શકે છે. સાતમે ગુરુ દાંપત્યજીવન અને ભાગીદારી માટે શુભ ગણાય એટલે પ્રશ્નો હશે તો સમાધાન થઈ શકે. એપ્રિલ પછી આઠમે રહેલ ગુરુ સંશોધન, આકસ્મિક લાભ, સાસરીપક્ષ, ધ્યાન, સાધના, ગૂઢ વિધા માટે શુભ ગણાય.

શનિ ગ્રહનું વર્ષફળ

મે-જૂન 2022ને બાદ કરતાં સમગ્ર સંવત-2078 દરમિયાન શનિદેવનું છઠ્ઠે ભ્રમણ રમતગમત, સ્પર્ધા, ઇન્ટરવ્યૂ, ધંધાકીય હરીફાઈ માટે શુભ ગણાય, પણ જો આપની કુંડળીમાં શનિ નિર્બળ હોય તો છઠ્ઠે ભ્રમણ કરી રહેલ આ શનિ ઘરના રોજેરોજના કાર્યોમાં ઉત્સાહનો અભાવ આપશે. નિયમિત આવક, આર્થિક વ્યવહાર, જોબ, માંદગી પરત્વે થોડા ચડાવ-ઉતાર આપી શકે છે. શનિની ત્રીજી દૃષ્ટિ અષ્ટમ સ્થાન પર પડે તેથી કોઈ ચિકિત્સા ચાલી રહી હોય તો ધીરજ રાખવી પડશે. શનિની સાતમી અને દસમી દૃષ્ટિ ખર્ચ, નુકસાન, આરોપ, પ્રવાસમાં વિલંબ આપી શકે. જોકે ગણતરી, ચિંતન-મનન દ્વારા નિર્ણયો લેવામાં શનિ મદદ કરશે.

રાહુ ગ્રહનું વર્ષફળ

છેલ્લાં એક વર્ષથી રાહુનું ભ્રમણ આપના દસમા કર્મસ્થાન પરથી ચાલી રહ્યું છે, જે હજી માર્ચ સુધી રહેશે. દસમે રાહુ ચતુરાઈથી પૈસો અને પદ મેળવવાનું ઝનૂન આપે. સારા કર્મો કરનાર માટે આ સ્થિતિ શુભ ગણાય, પણ જો કૂટનીતિ થકી શોર્ટ-કટ પસંદ કરશો તો માનહાનિનો યોગ ઊભો થશે. ઉપરાંત, સરકારી કાર્યોમાં ઉચાટ આ ભ્રમણની સ્વાભાવિક અસર છે. જેનો જન્મ સિંહલગ્નમાં વર્ષ 1984 દરમિયાન થયો હોય તો વીતેલાં વર્ષ દરમિયાન આ બાબતોમાં કઈંક ઉચાટ રહ્યો હોઇ શકે. જોકે માર્ચ પછીની રાહુની સ્થિતિ રાહત આપશે.

માનસિક સ્થિતિ

સંવત-2078 દરમિયાન માનસિક સ્થિતિ સારી રહેશે. જો આપની શનિની મહાદશા ચાલી રહી હોય અને ખાસ કરીને સિંહ લગ્નમાં જન્મ થયો હોય તો એપ્રિલ/મે પછી થોડોઘણો ઉચાટ રહેશે. બાકી એકંદરે સિંહ રાશિના જાતકોને માનસિક રાહત મળે તેવા યોગો બની રહ્યા છે. રોજેરોજના રૂટિનમાં થોડી આળસ રહેશે. ખર્ચના પ્રમાણના કારણે થોડું બજેટ ખોરવાશે, બાકી આત્મવિશ્વાસ અને આત્મબળ સારું રહેશે.

આર્થિક સ્થિતિ

પૈસાની લેવડ-દેવડ, દેવું, લોન વગેરે બાબતે વિલંબ, ગૂંચવાડા દેખાશે. સંવત-2078ના પ્રથમ છ-આઠ માસ દરમિયાન વ્યવહાર સચવાઇ જશે, કામ નીકળી જશે, પણ સાથે સાથે ખર્ચાનું પ્રમાણ પણ રહેશે. બિનજરૂરી ખર્ચા પર કાપ મૂકવો પડશે. જાતમહેનત કરવી પડશે. મઘા નક્ષત્રના જાતકો માટે આર્થિક બાબતે વાંધો નહીં આવે છતાં બીજાના ભરોસે ભવિષ્યના આર્થિક નિર્ણયો ન લેવાની સલાહ છે.

લગ્નજીવન

સિંહ લગ્ન તથા રાશિ બંને માટે નૂતન વર્ષની શરૂઆત સારી રહેશે. મનમાં કોઈ ગ્રંથિ બંધાઇ ગઈ હોય તો તેને દૂર કરવાથી સંબંધોમાં જો કડવાશ હશે તો દૂર થઈ જશે અને પહેલેથી જ મીઠાશ હશે તો સોનામાં સુગંધ અને પ્રેમ ચરમસીમા પર પહોંચશે. જોકે મઘા નક્ષત્રમાં જન્મ થયો હોય તો જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન જીવનસાથી માટે ફરિયાદ રહેશે. અવિવાહિતો માટે જૂન-2022 સુધીનો સમય સગાઈ/લગ્ન માટે શુભ રહેશે.

આરોગ્ય અને પ્રવાસ

આરોગ્ય બાબતે નવું વર્ષ એકંદરે સારું જશે. જૂનો કોઈ હઠીલો રોગ હોય અને કોઈ નવી ટ્રીટમેન્ટ ચાલુ છે તો એપ્રિલ સુધી સારા પરિણામ મળી શકે તેમ છે. નાના અને નજીકના સ્થળોના પ્રવાસનો ખાસ યોગ નથી એટલે કાં તો જવાનું કેન્સલ થાય અથવા ધાર્યા પ્રમાણે પ્રવાસનો આનંદ નહીં મળે. જો રોજગાર અર્થે બે-ચાર દિવસનો પ્રવાસ કરવાનો હોય તો ફેબ્રુઆરીથી જૂન દરમિયાન ગ્રહોનો સાથ મળી શકે તેમ છે.

સંતાન અને અભ્યાસ

સિંહ લગ્ન તથા સિંહ રાશિના જાતકો માટે આવનારા વર્ષ દરમિયાન સંતાનસુખ સારું રહેશે. સંતાન સાથે જો મનદુઃખ થયું હોય, તો જીદ છોડી માફ કરી દો. એકબીજાની હૂંફ ફરી મળી જશે. નિઃસંતાન જાતકો માટે સંતાનપ્રાપ્તિનો યોગ થોડો નિર્બળ છે. જો આપના જીવનસાથીની કુંડળીમાં સંતાનપ્રાપ્તિનો યોગ ઊભો થયો હશે, તો પારણું બંધાશે. વિદ્યાર્થીઓ માટે ગ્રહોનો સાથ છે એટલે જેટલી મહેનત વધારે તેટલું પરિણામ સારું.

નોકરી-ધંધો-કૃષિ

નોકરિયાત વર્ગ માટે ચડાવ-ઉતાર રહી શકે છે. જોબ બદલવાની ઈચ્છા થશે. નવો ઓફર લેટર મળે પછી જ જોબ બદલવી. વેપારીવર્ગ માટે ખર્ચા વધારે રહેશે. જો આપનું જન્મલગ્ન સિંહ હોય અને જન્મ 1971/72, 1975 અથવા 1984માં થયો હોય તો સરકારી કાર્યો બાબતે ધ્યાન રાખવું. ધંધામાં કોઈ ખોટો નિર્ણય ન લેવાઇ જાય તેનું ધ્યાન રાખવું. કૃષિકાર્યો માટે વીતેલાં વર્ષની સરખામણીમાં નવું વર્ષ રાહતભર્યું રહેશે.

જમીન-મકાન-સંપત્તિ

જે સિંહલગ્ન કે સિંહ રાશિના વ્યક્તિઓનો વીતેલાં વર્ષ દરમિયાન જમીન-મકાનનો સોદો મોકૂફ થયો હશે તો ફરી મહેનત કરવાથી આ બાબતે શુભ પરિણામ મળી શકે તેમ છે. ભાડાનું મકાન છોડીને માલિકીનું મકાન લેવું હોય અને ઉતાવળ ન હોય તો એકાદ-બે વર્ષ રાહ જોવાથી વધુ સંતોષકારક પરિણામ મળી શકે છે. જો આપનું મઘા કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે અને ફક્ત રોકાણનો આશય છે તો એપ્રિલ પછીનો સમય સાનુકૂળ રહી શકે તેમ છે.

 

શત્રુ-કોર્ટ કચેરી

કોર્ટ-કચેરી બાબતે થોડી ચિંતા અને સતત ખર્ચ રહેશે. જો આપ વાદી હો અને ન્યાય માટે લડી રહ્યા હો તો ઉતાવળ ન કરશો. સમય ભલે ખેંચાય, પણ સત્યનો અચૂક વિજય થશે. એનાથી ઊલ્ટું, જો આપ આરોપ પુરવાર થવાના ભયમાં જીવી રહ્યા હો તો સામેથી માફી માંગી, સમાધાન કરી લો કારણ કે નૂતન વર્ષમાં તમને ન્યાયિક મોટો લાભ મળે તેવી શકયતા ઓછી છે.

સ્ત્રીવર્ગ

સંતાનની ચિંતા હળવી થશે. સંતાનનો સહકાર પણ દેખાશે. કુટુંબના અમુક વ્યક્તિ સાથે અંતર પડશે. કોઈ નવું કાર્ય કરવું હોય તો હજી ધીરજ રાખવી પડશે. માનસિક સ્થિતિ સારી રહેશે, પણ રોજેરોજના એક જ રૂટિનથી હવે કંટાળો આવશે. જો આપ જોબ કરતાં હો, તો માર્ચ/એપ્રિલ સુધી જોબ અંતર્ગત કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. વ્યવસાય કરતી સ્ત્રીઓ માટે નિયમિત આવક અને આર્થિક વ્યવહારમાં વિલંબ પછી સફળતા મળશે.

પ્રેમસંબંધ

વર્ષની શરૂઆતથી જ આપનું મન સતત પ્રિયપાત્ર માટેના વિચારોમાં ઓતપ્રોત રહેશે અને પ્રેમના માંડવા મજબૂત થશે અને આજીવન બંધનમાં જોડાવાનો અવસર મળશે એટલે લગ્નનો યોગ પણ આવી રહ્યો છે. ઘડીઓ ગણાઇ રહી છે. પ્રેમમાં પ્રશ્નો હોય તો સમાધાન પણ થઈ જશે. જોકે ધ્યાન રાખવું કે સિંહ જંગલનો રાજા છે એટલે ઝૂકવું તેને પસંદ નથી, પણ જો આ સ્વભાવ રાખશો તો પ્રેમમાં સમાધાન નહીં થઇ શકે.

વિદેશયોગ

સિંહલગ્નના જે વિધાર્થીઓની મૂળ કુંડળીમાં અભ્યાસ અર્થે વિદેશ જવાનો યોગ બળવાન છે તો માર્ચ/એપ્રિલ સુધી એક યોગ છે. એ પછી કંઈક વિલંબ થઈ શકે છે. એપ્રિલ પછી જો વિઝિટર વિઝા પર જવું હોય તો ગૂંચવાડા ઊભા થઇ શકે છે. આમ સ્ટુડન્ટ વિઝાની વાત હોય કે વિઝિટરની, આવનારા વર્ષમાં પ્રયત્નો વધારવા પડશે. જોકે કંપની તરફથી વિદેશ જવાનો એક યોગ બની રહ્યો છે.

ગોચર ઉપાય

રોજ સ્નાનાદિ કર્મ પૂર્ણ કર્યા પછી હનુમાનજીના ફોટા કે મૂર્તિ સમક્ષ ઉભી વાટનો સરસવના તેલનો દીવો કરવો. પુષ્પ-પ્રસાદ અર્પણ કરવા અને “ૐ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા” મંત્રનું ૧૦ વાર મોટેથી ઉચ્ચારણ કરવું. તે પછી દાદા સમક્ષ ઈચ્છાપૂર્તિ માટે પ્રાર્થના કરવી અને અંતમાં એક અથવા ત્રણ વાર હનુમાન ચાલીસા કરી ઘરેથી નીકળવું. જૈનબંધુઓએ “ૐ હું હું ફટ્ સ્વાહા” મંત્રનો માનસિક જાપ કરવો.