બજારમાં ઘઉં MSP કરતાં પણ વધુએ વેચાય છે, ભાવ રૂ.3500

  • યુક્રેન યુદ્ધથી ભારતમાં ઘઉંના ભાવ આસામાને આંબ્યા
  • ગુજરાતમાં 15 દિવસમાં ભાવમાં 500 રૂપિયા સુધીનો વધારો

રવી સિઝનની કાપણી પહેલાં ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં આ વખતે ઓપન માર્કેટમાં એમએસપી કરતાં પણ ઊંચા ભાવે ઘઉં વેચાશે એવા સંકેતો છે. મધ્ય પ્રદેશના ખંડવા, બુરહાનપુર, સાગર સહિત વિવિધ જિલ્લામાં ઓપન માર્કેટમાં ઘઉંની ખરીદી 2200થી 2300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. તેના કારણે ખેડૂતો સરકારી બજારોથી દૂર રહેશે એવી શક્યતા છે.

અનાજના વેપારીઓનું કહેવું છે કે વિશ્વમાં રશિયા ઘઉંની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. પણ યુક્રેન સાથેના યુદ્ધને પગલે ભારતના ઘઉંની માગ વધી છે. સરસવ તથા અન્ય ઉપજોની ડિમાન્ડ પણ વધી છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં ઘઉંના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 400થી 500 રૂપિયાનો વધારો થયો છે. ઘઉંની એમએસપી 2015 રૂપિયા છે. જેની સામે ટુકડી ઘઉંનો ભાવ 3000થી 3500 પ્રતિ ક્વિન્ટલ છે. જ્યારે ફ્લોર મીલના ઘઉંનો ભાવ 2450થી 2550 છે.

કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટકર અજય કેડિયાના જણાવ્યા પ્રમાણે દુનિયાભરમાં 26 ટકાથી 28 ટકા ઘઉં યુક્રેન અને રશિયાથી આવે છે. આ વર્ષે યુદ્ધના કારણે આ દેશોમાંથી નિકાસ નહીં થતા તેનો ફાયદો ભારત સહિત ઘઉંનું ઉત્પાન કરતા અન્ય દેશોને થયો છે. કેડિયાએ જણાવ્યું હતું કે નવા પાકના આગમન પહેલા ભારતમાં હજુપણ ઘઉંના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોની તુલનામાં ઓછા વધ્યા છે. પણ હજુપણ ઘઉં 2600થી 2700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી જઈ શકે છે. દેશમાં ઘઉંનો 75 લાખ ટન સ્ટોક જરૂરી છે. હાલ ભારત પાસે 2.95 કરોડ ટન ઘઉંનો સ્ટોક છે.

નિકાસ: 13 લાખ ટનથી વધી આ વર્ષે 60 લાખ ટન

આંકડાઓ મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં ભારત 60 લાખ ટન ઘઉંની નિકાસ કરી ચૂક્યું છે. જે ગત વર્ષે માત્ર 13 લાખ ટન હતી. ભારતમાંથી ઘઉંની નિકાસનો ગ્રોથ રેટ વિશ્વના અન્ય ઘઉં ઉત્પાદકો કરતા સૌથી વધારે છે. આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે ભારત સૌથી સક્ષમ છે કારણ કે ભારત પાસે ઘઉંનો વિપુલ સ્ટોક છે.