મોસમનો બેવડો માર:​​​​​​​રાજ્યમાં ઠંડીના વધી રહેલા જોર વચ્ચે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાંની આગાહીJoin Our Whatsapp Group
Join Now
  • અરબ સાગરમાં સક્રિય થયેલા લો-પ્રેશરની અસરથી વાતાવરણમાં આવી શકે પલટો

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આજે રવિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. દરિયામાં લો-પ્રેશર સક્રિય થતા રાજયમાં કમોસમી વરસાદનું સંકટ વધ્યું છે. સુરત, વલસાડ, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે.

વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધ્યું
હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર તથા ડીસામાં ઠંડી વધી છે. 7 કિલોમીટર ઝડપે ઠંડો પવન ફૂંકાતા લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. આગામી દિવસોમાં હજુ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી નીચે જઈ શકે છે.

10મી નવેમ્બર સુધી માવઠાની આગાહી
નોંધનીય છે કે, હવામાન વિભાગ મુજબ, 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલાં લઈ ખુલ્લામાં પડેલા અનાજને નુકસાની ન થાય એની તકેદારી રાખવા ચેતવણી આપવામાં આવી છે.

ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડીગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.

પરોઢે ફૂલ ગુલાબી ઠંડી, બપોરે સામાન્ય ગરમી
પવનની દિશા બદલાતાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. હવે ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. પરોઢિયે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થવાથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.

See also  ECIL Recruitment 2022, Apply 280+ Apprentice Vacancies
Updated: November 7, 2021 — 6:19 am