યુક્રેનને નાટોનું સભ્યપદ નથી જોઈતું, ડોનેટ્સ્ક અને લુગાંસ્ક અંગે વાતચીત માટે પણ તૈયાર

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી કહ્યું છે કે યુક્રેનને નાટોનું સભ્યપદ નથી જોઈતું. તેઓએ કહ્યું કે તેઓ બે અલગ અલગ રશિયાના સમર્થક વિસ્તાર (ડોનેટ્સ્ક અને લુગાંસ્ક)ની સ્થિતિ અંગે સમજૂતી કરવા માટે પણ તૈયાર છે. આ બન્ને વિસ્તારને પુતિને યુક્રેન પર આક્રમણ કરતા પહેલા સ્વતંત્ર જાહેર કર્યા હતા. આ બન્ને મુદ્દાન જ રશિયા-યુક્રેન યુદ્ધનું કારણ માનવામાં આવે છે. રશિયાને શાંત કરવા માટે ઝેલેન્સ્કીએ આ નિર્ણય લીધો છે.

ઝેલેન્સ્કીએ એબીસી ન્યૂઝ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે નાટો યુક્રેનનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. નાટો વિવાદાસ્પદ વસ્તુઓ અને રશિયા સાથેની અથડામણથી ડરે છે. નાટોના સભ્યપદનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે હું એવા દેશનો રાષ્ટ્રપતિ બનવા ઈચ્છતો નથી, જેણે જોઈતી વસ્તુની ભીખ માંગવી પડે.

નાટોને જોખમ ગણે છે રશિયા

ઉલ્લેખનિય છે કે રશિયા ઈચ્છતું નથી કે યુક્રેન નાટોમાં સામેલ થાય. રશિયા નાટોના વિસ્તરણને જોખમની રીતે જુએ છે. કારણે કે તે પોતાની સરહદ પર કોઈ વિદેશી સેના આવે તેવું ઈચ્છતું નથી.

બે વિસ્તાર પર સમજૂતીનો સંકેત

24 ફેબ્રુઆરીના રોજ યુક્રેન પર આક્રમણ કરતા પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના ડોનેટ્સ્ક અને લુગાંસ્ક વિસ્તારને સ્વતંત્ર દેશ જાહેર કર્યા હતા. હવે પુતિન ઈચ્છે છે કે યુક્રેન પણ તેને આ દરજ્જો આપે. આ અંગે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તે વાતચીત માટે તૈયાર છે. તેઓએ કહ્યું કે હું સુરક્ષાની ગેરંટી અંગે વાત કરું છું.