અંબાજીમાં ગબ્બર પર ભારતનો સૌથી મોટો લાઇટ અને સાઉન્ડ શો પ્રવાસીઓ માણી શકશે, ત્રણ દિવસ સુધી ભવ્ય કાર્યક્રમ

  • અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન
  • આતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ શરૂ કરાવશે સૌથી મોટો લાઇટ શો

મા અંબાના ધામ અંબાજીમાં આવતા માઈભક્તોએ રાત્રી રોકાણ કરવા આર્કષવા ગબ્બર પર્વત પર 13 કરોડના ખર્ચે ભારતના સૌથી મોટા લાઈટ અને સાઉન્ડ શોના આયોજન કરાઈ રહ્યું છે. સોમનાથની જેમ ગબ્બર ઉપર નિ:શુલ્ક લાઈટ&શો જોઈ શકાશે. જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે. ત્રણ દિવસ કાર્યક્રમમાં અંબાજીમાં યજ્ઞ હોમ હવન અને ભજનથી ભક્તિમય માહોલ રહેશે. 8થી 10 એપ્રિલના 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શક્તિપીઠ અંબાજી ગબ્બર પર પરિક્રમાને લઇને જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે.

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ લાઇટ અને સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરશે

કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, 08મી એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મા અંબા ચરણોમાં શીશ ઝુકાવી ગબ્બર ખાતે સાંસ્કૃતિક વિલેજ અને ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેનાથી અંબાજી દર્શને આવતા લાખો માઈભક્તોને એક જ જન્મમાં 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો મળશે. તેમણે કહ્યું કે, આ પરિક્રમાની વ્યવસ્થા સારી રીતે જાળવવા માટે 14 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને અધિકારીઓને તે પ્રમાણે કામગીરી ફાળવાઇ છે.

સવારે-07.00 થી બપોરે-11.00 સુધી શોભાયાત્રા/ જ્યોત યાત્રા અને પરિક્રમા યોજાશે

તારીખ 08 એપ્રિલના રોજ સવારે-06.00 થી 7.00 વાગ્યા સુધી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ તમામ મંદિરોની મૂર્તિઓની પુજારીઓ અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રક્ષાલન વિધિ કરાશે. ત્યારબાદ સવારે-07.00 થી બપોરે-11.00 સુધી શોભાયાત્રા/ જ્યોત યાત્રા અને પરિક્રમા યાત્રા યોજાશે. જેમાં ગબ્બર ગેટ સર્કલથી સર્કલથી ગબ્બર પ્રવેશદ્વાર સુધી આદિવાસી આશ્રમશાળા, અંબાજીની 51 દિકરીઓ દ્વારા કળશ યાત્રા અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બર ટોચ ઉપરથી માતાજીની જ્યોત લાવી તમામ મંદિરોમાં જ્યોત અર્પણ કાર્યક્રમ સાથે પરિક્રમાનો પ્રારંભ થશે.

કુલ-5 યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે

સવારે-9.00થી સાંજે-5.00 સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-5 યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે તથા સવારે-10.00થી સાંજે-04.00 સુધી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન/સંત્સંગ કાર્યક્રમો યોજાશે. આરતીમાં સાંજે-06.30 કલાકે મહાઅભિષેક કાર્યક્રમ યોજાશે.

કલેક્ટર આનંદ પટેલે વધુમાં જણાવ્યું કે, તા. 08મી એપ્રિલે સાંજે- 07.30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂ. 3 કરોડના ખર્ચથી નિર્માણ પામનાર મંદિર રિનોવેશન અને સુવિધાઓનું નિરીક્ષણ કરી મા અંબા ચરણોમાં શીશ ઝુકાવી ગબ્બર ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઇલ એપ્લીઉકેશનનું લોન્ચીંગ કરશે. અંબાજી ગબ્બર ખાતે રૂ. 13.35 કરોડના ખર્ચથી નિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શોનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે.

ચૈત્રી સુદ નવરાત્રિના પવિત્ર દિવસોમાં 51 શક્તિપીઠ પરિક્રમાના બીજા દિવસે તા. 09 એપ્રિલના રોજ સવારે-09.00થી બીજા દિવસ 09.00 સુધી (24 કલાક) અખિલ બ્રહ્માંડ મા બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના 646 મંડળો દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂન કરવામાં આવશે. સવારે-09.00થી બપોરે-1 વાગ્યા સુધી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલા તમામ મંદિરોમાં ધજા અર્પણ તેમજ પરિક્રમા યોજાશે.

સવારે-09.00થી સાંજે-05.00 સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-05 યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે, તથા સવારે-10.00થી સાંજે-04.00 સુધી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન/સંત્સંગ કાર્યક્રમો યોજાશે.

તા. 10 એપ્રિલના રોજ સવારે-09.00થી બીજા દિવસ 09.00 સુધી (24 કલાક) અખિલ બ્રહ્માંડ મા બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના વિવિધ મંડળો દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂનની પૂર્ણાહૂતિ કરી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં પાલખી યાત્રા કરવામાં આવશે. સવારે-9.00થી સાંજે-5.00 સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-૫ યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે. જેમાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ જોડાશે.