ઓસ્ટ્રેલિયામાં ભણતા દર 10માંથી ત્રણ વિદ્યાર્થીઓ ગુજરાતના, ચીન કરતાં ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યા વધુ

  • કોવિડમાં અભ્યાસ ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે વેલકમ બેક ઓસ્ટ્રેલિયા સ્કીમ
  • ઓસ્ટ્રેલિયન સરકારે વિદ્યાર્થીઓ માટે વિઝા ફી માફ કરી

કેનેડા, અમેરિકા બાદ હવે ગુજરાતી વિદ્યાર્થીઓમાં ઓસ્ટ્રેલિયામાં જઈને ઉચ્ચ અભ્યાસ કરવા માટેનું આકર્ષણ વધ્યું છે. ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશને અમદાવાદમાં એક રોડ શોનું આયોજન કર્યું હતું. કમિશનના જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયામાં ભણતા દરેક 10 ભારતીય વિદ્યાર્થીઓમાંથી 3 સ્ટુડન્ટ્સ ગુજરાતના હોય છે. કમિશને જણાવ્યું હતું કે, કોવિડ પહેલાના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સમાં ચીનની હિસ્સેદારી સૌથી વધુ હતી પણ વર્તમાનમાં ઓસ્ટ્રેલિયામાં ચીન કરતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. હાલ કુલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સમાંથી 23% ભારતીય વિદ્યાર્થીઓ છે.

ઓસ્ટ્રેલિયામાં 97,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ

ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશનના સીનિયર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશનર મોનિકા કેનેડીએ જણાવ્યું કે, આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 97,000થી વધુની છે. કોવિડના કારણે તેમાં સામાન્ય ઘટાડો થયો છે. 2020માં આ સંખ્યા 1.15 લાખ હતી. અમને આશા છે કે આવતા એક વર્ષમાં સ્ટુડન્ટ્સની સંખ્યા ફરી વધશે.

ઓસ્ટ્રેલિયા સરકારે વિઝા ફી માફ કરી

મોનિકા કેનેડીએ જણાવ્યું કે, કોવિડમાં અભ્યાસ ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે વેલકમ બેક ઓસ્ટ્રેલિયા સ્કીમ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિઝા ફી રિફંડ અને કોવિડ-19 વિઝા ફીમાં માફી, અંગ્રેજી ભાષાની કસોટીઓ માટે વધારે સમય અને સ્વાસ્થ્યની ચકાસણી, કામચલાઉ ગ્રેજ્યુએટ વિઝાનું રિપ્લેસમેન્ટ તથા ‘સ્ટે એન્ડ વર્ક’ ગાળાને લંબાવાયો છે. રિફંડ હાલના વિઝાધારકો અને નવા વિદ્યાર્થીઓને લાગુ પડશે. લાયકાત ધરાવતા વિઝાધારકો 31 ડિસેમ્બર, 2022 સુધી કોઈ પણ સમયે ક્લેઇમ કરી શકશે.

બોર્ડર ખૂલ્યા બાદ 25,000 વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા ગયા

મોનિકા કેનેડી કહ્યું કે, 22 નવેમ્બર, 2021થી વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયન સરહદો ખોલી હતી. 18 માર્ચ, 2022 સુધી ભારતીય નાગરિકોએ 28,875 સ્ટુડન્ટ વિઝાની અરજી કરી છે. 22 નવેમ્બર, 2021થી 18 માર્ચ, 2022 સુધી 15,310 વિઝા મંજૂર કરવાની સાથે એપ્લિકેશનમાં વધારા પર સફળતાપૂર્વક પ્રક્રિયા થઈ છે તથા 25,000થી વધારે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ શરૂ કરવા કે ફરી શરૂ કરવા ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે.