સરકાર મધ્યાહન ભોજનમાં ધો.1થી 5ના એક વિદ્યાર્થી પાછળ માત્ર 4.97 રૂપિયાનો ખર્ચ કરે છે, 3 વર્ષમાં 1 પૈસો જ વધાર્યો, કેવી રીતે મળશે પોષણ ?

  • મધ્યાહન ભોજન યોજનામાં 200 વિદ્યાર્થી માટે માત્ર 1242 રૂપિયા ફાળવવામાં આવે છે

કેન્દ્ર અને રાજ્ય સરકાર મધ્યાહન ભોજન યોજનામાં ધો. 1થી 5ના એક વિદ્યાર્થી પાછળ માત્ર 4.97 રૂપિયાનો ખર્ચ કરે છે. આટલામાં તો પારલે-જી બિસ્કિટનું પેકેટ પણ મળતું નથી. સરકારી કાર્યક્રમોમાં મોંઘીદાટ ડિશ અને લગ્ન પ્રસંગોમાં 1500 રૂપિયાની સુધીની ડિશ પીરસવામાં આવે છે, ત્યારે સરકાર ગરીબોનાં બાળકો પાછળ 5 રૂપિયાય ખર્ચ કરતી નથી. વર્ષો પહેલાં જેટલા રૂપિયામાં બાળકોને મધ્યાહન ભોજનમાં ખવડાવવામાં આવતું હતું એટલા રૂપિયામાં આજે પણ સરકાર ખવડાવી રહી છે. તો સવાલ એ થાય છે કે બાળકોને પોષણ કેવી રીતે મળશે.

6થી 8ના એક વિદ્યાર્થીદીઠ 7.45 રૂપિયા ખર્ચ

વડોદરા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના માટે 3 માર્ચ-2022ના રોજ નક્કી કરવામાં આવેલા ભાવ પ્રમાણે સરકાર દ્વારા ધોરણ 1થી 5ના એક વિદ્યાર્થીદીઠ 4.97 રૂપિયા અને ધોરણ 6થી 8ના એક વિદ્યાર્થીદીઠ 7.45 રૂપિયાનો ખર્ચ કરે છે. વર્ષ 2019-20માં ધો 1થી 5ના એક વિદ્યાર્થીદીઠ 4.96 રૂપિયા અને ધોરણ 6થી 8ના એક વિદ્યાર્થીદીઠ 6.96 રૂપિયા ખર્ચ કરવામાં આવતો હતો. આમ, છેલ્લા 3 વર્ષમાં ધોરણ 1થી 5ના એક વિદ્યાર્થીદીઠ પાછળ મધ્યાહન ભોજનના ખર્ચમાં માત્ર 1 પૈસાનો વધારો કર્યો છે, જ્યારે ધોરણ 6થી 8ના એક વિદ્યાર્થીદીઠ માત્ર 49 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

બાળકોને પોષણયુક્ત ભોજન કેવી રીતે મળશે

અસહ્ય મોંઘવારીને કારણે જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે અને સામાન્ય માણસને જીવવું મુશ્કેલ થઇ ગયું છે, ત્યારે સરકાર દ્વારા મધ્યાહન ભોજનમાં વર્ષો પહેલાં એક વિદ્યાર્થીદીઠ જે ખર્ચ કરવામાં આવતો હતો એ આજે કરવામાં આવી રહ્યો છે. એ જોતાં લાગે છે કે મધ્યાહન ભોજનનો લાભ લેતાં ગરીબ બાળકોની સરકાર મજાક કરી રહી છે. આટલા ઓછા ખર્ચમાં સંચાલકો દ્વારા કેવું ભોજન આપવામાં આવતું હશે ? એ પણ એક સવાલ છે.