ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું- મસ્ક સારી વ્યક્તિ છે, તેઓ ટ્વિટરને સુધારશે; પરંતુ હું સોશિયલ મીડિયાથી દૂર રહીશ

ટેસ્લાના CEO અને વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિ એલોન મસ્કે ટ્વિટર ખરીદી લીધું છે. ટ્વિટરના નવા માલિક મસ્ક અને ટ્રમ્પની મિત્રતાના કારણે એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર પાછા આવી શકે છે. હવે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ટ્વિટર પર પાછા નથી આવી રહ્યા. અમેરિકામાં કેપિટલ હિલ હિંસા દરમિયાન ટ્વિટર દ્વારા તેમનું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હતું.

ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું- હું મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર રહીશ. ટેસ્લાના CEOનાં વખાણ કરતાં તેમણે કહ્યું કે ઈલોન મસ્ક એક સારા માણસ છે, મને આશા છે કે તે ટ્વિટરને સુધારશે. જોકે હું સત્યને વળગી રહીશ.

ટ્વિટર અનલોક કરવાનો વાયદો

મસ્કે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તેઓ ટ્વિટરને અનલોક કરી દેશે. એવામાં મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ ટ્રમ્પ પરત ફરશે તેવું માનવામાં આવતું હતું, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિએ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

2020માં ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું હતું

​​​​​​​ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં કેપિટલ હિલ હિંસા પછી ટ્વિટર પર હિંસા કરનારા પોતાના સમર્થકોને ક્રાંતિકારી ગણાવ્યા હતા. જે બાદ તેમને કહ્યું હતું કે તેઓ 20 જાન્યુઆરી 2020નાં રોજ થનાા પ્રેસિડેન્શિયલ ઈનોગ્રેશન (બાઇડેનના શપથ ગ્રહણ)માં નહીં જાય. ટ્વિટરે આ અંગે એક્શન લેતા તેમના એકાઉન્ટને હંમેશા માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

અમેરિકામાં 7.7 કરોડ ટ્વિટર યૂઝર

​​​​​​​અમેરિકાની રાજનીતિમાં સોશિયલ મીડિયાને ઘણી જ અસરકારક ગણવામાં આવે છે. 33 કરોડની વસતિવાળા અમેરિકામાં ટ્વિટરના 7.7 કરોડ એક્ટિવ યુઝર છે. જે સમયે ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું હતું, ત્યારે તેમના 8.87 કરોડ ફોલોઅર્સ હતા.

મસ્ક અને બાઈડન વચ્ચે સંબંધ સારા નથી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને એલન મસ્ક વચ્ચે સંબંધો સારા ન હોવાના સમાચારો અનેકવાર સામે આવ્યા છે. મસ્ક તેઓને કઠપુતળી પણ ગણાવી ચૂક્યા છે. બીજી તરફ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોની વાપસી અને કોરોનામાં મિસમેનેજમેન્ટથી બાઈડનની લોકપ્રિયતા ઘટી છે.

અમેરિકામાં 2024માં રાષ્ટ્રપતિ ચૂંટણી છે. ટ્રમ્પે ફરી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. જો ટ્રમ્પ ટ્વિટર પર પરત ફરશે તો બાઈડનની મુશ્કેલી વધશે.