કોરોનાના નવા વેરિયન્ટ XEનો પહેલો કેસ મુંબઈમાં મળ્યો, 50 વર્ષની મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાયા

કોરોના વાયરસનો નવો વેરિયન્ટ XEએ ભારતમાં પ્રવેશ કરી લીધો છે. આ સંક્રમણનો પેહલો કેસ બુધવારે મુંબઈમાં નોંધાયો છે. કુલ 376 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેની તપાસમાં એક દર્દીને XE વેરિયન્ટનું સંક્રમણ થયું હોવાનું નોંધાયું છે. દક્ષિણ આફ્રિકાથી આવેલી 50 વર્ષની મહિલામાં આ વિરેયન્ટ જોવા મળ્યો છે. હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ વેરિયન્ટની શરૂઆત યુકેથી થઈ હતી. બીએમસીએ તેમના નવા સીરો સર્વેમાં જણાવ્યું છે કે, શહેરમાં XE વેરિયન્ટ અને કપ્પા વેરિયન્ટના એક-એક કેસ નોંધાયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કુલ 230 લોકોના રિપોર્ટ સીરો સર્વે માટે મોકલવામાં આવ્યા હતા. તેમાંથી 21 લોકોને હોસ્પિટલમાં એડ્મીટ કરવામાં આવ્યા છે. કોઈને પણ ઓક્સિજનની જરૂર પડી નથી.

XE વેરિયન્ટથી સંક્રમિત દર્દી એક 50 વર્ષની મહિલા છે. જે ફુલી વેક્સિનેટેડ છે. બીએમસીના જણાવ્યા પ્રમાણે મહિલા 10 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી પરત આવી હતી. તે સિવાય તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. દેશમાં પરત આવ્યા ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. નવા વેરિયન્ટવાળા બંને દર્દીઓમાં અત્યાર સુધી કોઈ ગંભીર લક્ષણ દેખાયા નથી.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં ટાટા ઈન્સ્ટિટ્યુટ ફોર ઝેનેટિક્સ એન્ડ સોસાયટી (ITGS)ના વડા રાકેશ મિશ્રાએ કહ્યું કે નવા મ્યુટેન્ટ એક્સઈ પ્રથમ વખત જાન્યુઆરીના મધ્યભાગમાં મળ્યો હતો, પણ મારું માનવું છે કે પેનિક બટનને ધક્કો આપવાની કોઈ જરૂર નથી. વિશ્વભરમાં તેને લગતા અત્યાર સુધીમાં ફક્ત 600 કેસ સામે આવ્યા છે, જોકે અમે ચાંપતી નજર રાખવાની જરૂર છે.

ઓમિક્રોનનો નવો વેરિયન્ટ સૌથી વધારે સંક્રમકવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે બ્રિટનમાં પ્રથમ વખત મળેલા ઓમિક્રોનના નવા સ્વરૂપ કોરોના વાઈરસના અગાઉના સ્વરૂપોની તુલનામાં વધારે સંક્રમક પ્રતીત થાય છે. WHOએ તેમના નવીનત્તમ અપડેટમાં કહ્યું કે એક્સ ઈ રીકાંબિનેન્ટ (BA.1-BA.2)નામના નવા ઓમિક્રોન સ્વરૂપનું પ્રથમ વખત બ્રિટનમાં 19 જાન્યુઆરીના રોજ જાણવા મળ્યું હતું અને ત્યારથી તેના 600થી વધારે કેસની પુષ્ટી થઈ છે. ઓમિક્રોનનું આ નવું સ્વરૂપ કોરોના વાયરસે અગાઉના સ્વરૂપની તુલનામાં વધારે સંક્રમક પ્રતીત થાય છે, જે વિશ્વ માટે ચિંતિનો વિષય છે.

ઓમિક્રોનના નવો વેરિયન્ટ સૌથી વધુ સંક્રામક

  • WHOએ કહ્યું કે બ્રિટનમાં પહેલીવાર મળેલા ઓમિક્રોનના નવો વેરિયન્ટ કોરોનાના બધા વેરિયન્ટ કરતા સૌથી વધુ ઘાતકી છે.

નવો વેરિયન્ટ કોરોનાની લહેર ઉભી કરવામાં સક્ષમ નહીં

  • નિષ્ણાંતોના જણાવ્યાનુસાર કોરોનાનો આ નવો વેરિયન્ટ નવી લહેર નહીં લાવી શકે. હાલ પૂરતી રિસર્ચ અનુસાર આ બાબત સામે આવી છે. જોકે હજી આ વેરિયન્ટ પર રિસર્ચ જારી છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

  • ભારતમાં મંગળવારે 1086 નવા કોરોનાના કેસો નોંધાયા હતા. જ્યારે 72 મૃત્યુઆંક નોંધાયો હતો. ભારતમાં કોરોનાના ટોટલ કેસની સંખ્યા 43,030,925 છે અને કોરોનાના કારણે અત્યારસુધી 5,21,518 લોકો મૃત્યુ પામ્યા છે.