પરિવારે કહ્યું- ક્રૂર ફેનિલને ફાંસીની સજા જ થાય, બીજી કોઇ ગ્રીષ્મા હોમાવી ન જોઈએ; કાકી રડી પડ્યાં

  • સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ખૂનની ઘટનામાં આ પ્રકારે ઝડપથી ટ્રાયલ થઈઃ સરકારી વકીલ
  • સરકાર પક્ષ કેપિટલ સજાની જ માગણી કરશે, જે અંગે બચાવ પક્ષને પણ કહી દેવામાં આવ્યું

સુરતના પાસોદરામાં જાહેરમાં થયેલી ગ્રીષ્મા વેકરિયાના હત્યા કેસમાં આજે કોર્ટે ફેનિલ ગોયાણીને દોષિત ઠેરવ્યો છે. ગ્રીષ્માના પિતાએ કહ્યું કે કોર્ટ કાર્યવાહી ખૂબ જ સારી રીતે ચાલી. કોર્ટે તમામ પુરાવાની ઉંડાણપૂર્વકની તપાસ કરી અને અમને આનંદ છે કે તમામ પુરાવા સત્ય પુરવાર થયા છે. ફેનિલને મૃત્યુદંડની સજા થવી જોઈએ. સમાજમાં બીજી કોઇ ગ્રીષ્મા હોમાવી ન જોઈએ.

કોર્ટ જે સજા આરોપીને કરશે તે માન્ય

ગ્રીષ્માના કાકી રાધિકાએ જણાવ્યું કે, જે બનાવ બન્યો છે એવો બનાવ બનવો ન જોઈએ. કોર્ટ સમક્ષ જેટલા પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે તમામ પુરાવા સત્ય પુરવાર થયા છે. આરોપીના વિરોધમાં જે કલમો લગાડવામાં આવી છે તેનાથી અમે સંતુષ્ટ છીએ. સમાજમાં રોજ રોજ આવા બનાવો બને છે. આવા આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. જેથી અમારી ગ્રીષ્મા જેવી અન્ય કોઈ ગ્રીષ્મા ન હોમાય. નામદાર કોર્ટ જે સજા આરોપીને કરશે તે અમને માન્ય છે અને અમને આશા છે કે આવા ક્રૂર આરોપીને ફાંસીની સજા જ થાય.

ગ્રીષ્માના કાકી રડી પડ્યા.

સુરતના ઇતિહાસમાં પ્રથમ ઘટના ઝડપથી ટ્રાયલ પૂર્ણ

ફરિયાદી પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ખૂનની ઘટનામાં આ પ્રકારે ઝડપથી ટ્રાયલ થઈ હોય તેવો આ પહેલો બનાવ છે. ફરિયાદી પક્ષને બચાવ પક્ષ અને તમામ પૂરતો સમય આપ્યા બાદ પણ ખૂબ જ ઝડપથી આ કેસ ની અંદર સુનવણી હાથ ધરવામાં આવી છે. કોર્ટે આ ઘટનાને કિલર દ્વારા ગણતરીપૂર્વક હત્યા કરવામાં આવે એ પ્રકારની ઘટના ગણી છે. કોર્ટે કહ્યું કે પ્રેમ હોય એટલે હત્યા કરવાનું લાયસન્સ મળી જાય તેમ નથી. માત્ર કેટલાક ફોટાઓ રજૂ કરવાથી બન્ને વચ્ચે પ્રેમ હતો એવું માની લેવાય નહીં. આવતીકાલે પ્રોસિક્યુટર તરફથી કેપિટલ સજા માટેની માંગણી થવાની છે એ બાબતે અમે બચાવ પક્ષને અત્યારથી જ કહી દીધું છે. જેથી તેઓ પોતાની રીતે તૈયારી કરી શકે.

પરિવારે ફેનિલને ફાંસીની માગ કરી.

ઘટના શું હતી ?

સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં ખસેડાયો હતો. સવા મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરી આજે ફેનિલને દોષિત ઠેરવવામાં આવ્યો છે.