દેશના અનુસુચિત જાતિના લોકોએ આપેલા પિત્તળમાંથી સિક્કો તૈયાર થશે, આ સિક્કો 15 ઓગસ્ટે નવા સંસદ ભવનમાં મુકવા અર્પણ કરાશે

  • અનુસૂચિત જનજાતિના લોકો પાસે એક રૂપિયા લેખે ઉઘરાવેલા 11 લાખના સિક્કા સંસદને ભેટ અપાશે
  • સિક્કામાં ભારતને અસ્પૃશ્યતા મુક્ત કરવાનું સ્વપનું 2047માં સાકાર થશે એવો સવાલ કોતરવામાં આવ્યો
  • સિક્કાની એક બાજુએ ગૌતમ બુદ્ધ અને બીજી બાજુએ ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો અંકિત કરાયો છે

સમગ્ર દેશમાં હાલમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે દેશમાંથી આભડછેટ નાબુદ કરવા તથા સમાનતા સ્થાપિત કરવાના હેતુથી પિત્તળનો એક સિક્કો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સિક્કાને આગામી 15 ઓગસ્ટે નવા બનનારા સંસદ ભવનમાં મુકવા માટે આપવામાં આવશે. સિક્કાની એક બાજુ ગૌતમ બુદ્ધ તથા બીજી બાજુએ ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો અંકિત કરાયો છે. તે ઉપરાંત અસ્પૃશ્યતા-મુક્ત ભારતનું સ્વપ્નુ 2047માં સાકાર થશે તેવો સવાલ કરવામાં આવ્યો છે. હાલમાં આ સિક્કાને અમદાવાદમાં બોપલ ખાતે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ભીમ રૂદન નામનો સિક્કો 10 એપ્રિલે જાહેર કરાશે

ભીમ રૂદન નામ અપાયેલા આ સિક્કો આગામી તા.10મી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે. તેની સાથે લોકો દ્રારા મળેલા રૂપિયા 11 લાખના સિક્કા પણ ખુલ્લા મૂકવામાં આવશે. આ ઉપરાંત દેશના રાષ્ટ્રપતિ, લોકસભા સ્પીકર અને રાજયસભાના ચેરમેનને લખાયેલા પત્રને લોકોના અનુમોદનથી મોકલવામાં આવશે. તેમના તરફથી જણાવવામાં આવેલી તારીખે તથા સમયે સાણંદ ખાતેના દલિત શક્તિ કેન્દ્ર પરથી વાહન યાત્રા નીકળીને દિલ્હી ખાતે પહોંચીને 80.591 ઇંચ વ્યાસના સિક્કો તથા અનુસૂચિત જાતિના લોકો પાસેથી ઊઘરાવેલ 1 રૂપિયા લેખે એકઠાં થયેલા 11 લાખના સિક્કા સંસદ માટે ભેટ આપવામાં આવશે. આ યાત્રા 14 ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે પહોંચવાની ધારણાં છે.

2750 કિલો પિત્તળ એકઠું થયું

આ અંગે નવસર્જન ટ્રસ્ટના સ્થાપક માર્ટીનભાઇ મેકવાને જણાવ્યું છે કે,2010માં નવસર્જન ટ્રસ્ટ દ્રારા ગુજરાતના 1589 ગામડાંઓમાં હાથ ધરાયેલા સર્વેમાં આભડછેટ પ્રથા હજુ ચાલુ હોવાનું સાબિત થયું હતું. સંસદના નવનિર્માણ પામતાં સેન્ટ્રલ વિસ્ટાનું કાર્ય ચાલી રહ્યું છે.વીર મેઘમાયાના સમાનતા મેળવવા માટેના બલિદાનની યાદમાં નવા બનતાં ઘરના પાયામાં આ સિક્કો 15 ઓગસ્ટ-2022ના રોજ નવા બનનારા સંસદ ભવનમાં મૂકવા માટે આપવામાં આવશે. આ સિક્કા માટે અમે 20 માર્ચ 2021ના રોજ શરુ કરાયેલા પહેલા કાર્યક્રમમાં જ 500 કિલો પિત્તળની વસ્તુ ઉઘરાવવામાં આવી હતી. અત્યારે 2750 કિલો પિત્તળ એકઠું થયું છે. આ પિત્તળની વસ્તુને ઓગાળીને તેમાંથી સિક્કો તૈયાર કરવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

વિધવા મહિલાઓએ પિત્તળની બંગડીઓ અર્પણ કરી

દેશના 12થી 13 રાજયોમાં અનુસૂચિત જાતિના લોકો પાસે પિત્તળ ઉઘરાવવાનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતના ખેડા જિલ્લાના ધર્મજ ગામે પતિના મુત્યુ બાદ અનુસૂચિત જાતિની મહિલાઓ પિત્તળની બંગડીઓ પહેરે છે. આ કાર્યક્રમમાં વિધવા મહિલાઓએ હાથની બંગડીઓ ઉતારીને સિક્કાં માટે અર્પણ કરી હતી. તેમાંય વળી એક વુધ્ધાં એ તો 50 કિલોમીટર દૂરથી આવ્યા હતા. તેમણે તેમના પિતા તરફથી તેમના લગ્ન વખતે આપેલું 4 કિલો વજન ધરાવતું બેડું અર્પણ કર્યું હતું.

સિક્કો બનાવવા માટે લોકોએ પિત્તળના વાસણોનું દાન કર્યું

અમદાવાદમાં છ આર્ટીસ્ટો આ સિક્કો બનાવે છે

પ્રારંભમાં પાલીતાણાના 30થી 32 વર્ષના યુવકે સિક્કો બનાવવાની તૈયારી બતાવી હતી. જો કે તેનું હાર્ટએટેકથી મુત્યુ થયું હતું. ત્યારબાદ એક વડીલ તૈયાર થયા હતા. પરંતુ તેમના પડી જવાથી બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું. મુંબઇના આર્ટીસ્ટથી કામ ના થયું. છેવટે દિલ્હી તથા અહીંયાના આર્ટીસ્ટ મારફતે સિક્કાંની કામગીરી ચાલી રહી છે. લાકડાંની ડાઇ બનાવવામાં આવી હતી. સિક્કાની સાઇઝના કારણે બે ભાગમાં ડાઇ બનાવવામાં આવી હતી. તેમાં સીટ તેમ જ મીણ ઉપરાંત પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અનુસૂચિત જાતિના લોકો પાસેથી એક રૂપિયો ઉઘરાવવામાં આવ્યો

2000 કિલો લાકડાં સળગાવીને મીણ ઓગાળી દીધાં બાદ ડાઇમાં ઓગાળેલું પિત્તળ નાંખવામાં આવશે. 80.591 ઇંચના સિક્કાંને બોપલ ખાતે આખરી ઓપ અપાઇ રહ્યો છે. તેમાં કેટલું પિત્તળનો ઉપયોગ થશે તે હાલ કહેવું મુશ્કેલ હોવાનું માર્ટીન મેકવાને જણાવ્યું હતું.અગાઉ અયોધ્યા રામ શિલાન્યાસ માટે નાગરિકો પાસેથી પ્રતિક રૂપે ઇંટ ઉઘરાવવામાં આવી હતી. ત્યારબાદ સરદાર પટેલના સ્ટેચ્યુ માટે લોંખડ પ્રજા પાસેથી ઉઘરાવવામાં આવ્યું હતું. તાજેતરમાં અનુસૂચિત જાતિના લોકો પાસેથી પિત્તળના વાસણ કે અન્ય ચીજવસ્તુ અને એક રૂપિયો ઉઘરાવવામાં આવ્યો હતો.