સમગ્ર ગુજરાતમાં તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શનિવારે સાંજે પોણા આઠ વાગ્યાના સુમારે આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. અત્યંત તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલ ફેલાયું હતું. પહેલી નજરે આકાશમાંથી ઉલ્કાપિંડ અથવા તો તારો ખર્યો હોવાનો ભાસ થતો હતો. પરંતુ હવે તેની હકીકત સામે આવી રહી છે. વૈજ્ઞાનિકોના મતે આ કોઈ ઉલ્કાપિંડ નથી, સેટેલાઈટના અંશ હોઈ શકે છે, જે ધરતીના વાતાવરણમાં પ્રવેશ કરતા સમયે સળગી રહ્યા હતા. એક અમેરિકી વૈજ્ઞાનિકે તો એ પણ દાવો કર્યો છે કે આ રોકેટ ચીનનું હોઈ શકે છે.

ગુજરાતના આકાશની સાથે મહારાષ્ટ્રના નાગપુર, ચંદ્રપુર, અકોલા અને જલગાંવ સિવાય મધ્યપ્રદેશના ઈન્દોર, ખરગોન, ઝાબુઆના ઘણા જિલ્લાઓમાં લોકોએ રાત્રિના આકાશમાં રહસ્યમય લાઈટો જોવાનો દાવો કર્યો હતો. આ પછી, લોકોમાં અફવા ફેલાઈ કે આ ઉલ્કાપિંડોનો વરસાદ છે કે કોઈ ઉપગ્રહ પડી રહ્યો છે. જો કે, અમેરિકન વૈજ્ઞાનિક જોનાથન મેકડોવલે ટ્વિટ કર્યું હતું કે તે ચીનનું રોકેટ ચેંગ ઝેન 3B હતું.
‘ધરતી પર ફરીથી દાખલ થઈ રહ્યું હતું ચીની રોકેટ‘
અમેરિકન વૈજ્ઞાનિકે કહ્યું કે ચીનનું રોકેટ પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશી રહ્યું હતું. તેને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં છોડવામાં આવ્યું હતું. પૃથ્વી તરફ પરત ફરતી વખતે વાતાવરણના સંપર્કમાં આવવાથી તેનો કેટલોક ભાગ સળગી ઉઠ્યો હતો. તેમણે કહ્યું કે, મારા મતે, આ ચમકતી લાઈટો તેના સળગી ઉઠવાથી પેદા થઈ હતી.

‘કોઈ નુકસાનનાં અહેવાલ નહીં‘
અવકાશ ક્ષેત્રે નિષ્ણાંત પ્રમોદ હિલેએ જણાવ્યું હતું કે, લગભગ 8 વાગ્યે, આકાશમાં એક ઉલ્કા દેખાઈ હતી. મેં જાતે તેને જોઈ હતી. તેની દિશા ઉત્તરથી પૂર્વ તરફ હતી. તે ચાર ભાગોમાં વહેંચાયેલી હતી. તેમણે કહ્યું કે આના કારણે કોઈ નુકસાન થયું નથી અને ડરવાની કોઈ વાત નથી.
