- NCBએ 16 સપ્ટેમ્બર, 2020થી રિયાનાં બેંક અકાઉન્ટ્સ તથા ફિક્સ ડિપોઝિટ ફ્રીઝ કરી દીધા હતા
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ એંગલની તપાસ કરતી સેન્ટ્રલ એજન્સી NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ રિયા ચક્રવર્તીના અકાઉન્ટ ફ્રીજ કરી દીધા હતા. સ્પેશિયલ કોર્ટે બુધવાર, 10 નવેમ્બરે એક્ટ્રેસના અકાઉન્ટ ડીફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસટેન્સ) હેઠળ રિયાને બેંક અકાઉન્ટ્સનો ઉપયોગ કરવાની પરમિશન આપી છે. કોર્ટે મેકબુક પ્રો તથા આઇફોન જેવા ગેજેટ્સ પણ પરત આપવાનો આદેશ આપ્યો છે.
રિયાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તે એક્ટ્રેસ તથા મોડલ છે. NCBએ કોઈ પણ કારણ વગર 16 સપ્ટેમ્બર, 2020થી તેના બેંક અકાઉન્ટ્સ તથા ફિક્સ ડિપોઝિટ ફ્રીઝ કરી દીધા હતા. રિયાએ કહ્યું હતું કે તેને કર્મચારીઓને પગાર આપવા તથા અન્ય ટેક્સ ભરવા માટે પોતાના અકાઉન્ટ્સને ઓપરેટ કરવાની જરૂર છે. તેનો ભાઈ તેના પર ડિપેન્ડેન્ટ છે.
“પૈસા ડ્રગ્સના કારોબારમાં વપરાઈ શકે છે”
કોર્ટમાં NCBના વકીલ અતુલ સરપાંડેએ અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ કેસમાં નાણાકીય તપાસ ચાલી રહી છે અને હજી સુધી તે પૂરી થઈ નથી. જો અકાઉન્ટ્સ ડીફ્રીઝ કરવામાં આવ્યું તો તપાસમાં અડચણ આવી શકે છે. અકાઉન્ટ્સમાં રહેલા રૂપિયા ડ્રગ માફિયા તથા ડ્રગ્સ સંબંધિત વ્યવસાયમાં વપરાય તેવી શક્યતા છે.
“શરતો સાથે અકાઉન્ટ્સ ડીફ્રીઝ થયા”
બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ જજ ડીબી માનેએ કહ્યું હતું, ‘તપાસ અધિકારીના જવાબ પરથી લાગે છે કે ચક્રવર્તીના બેંક અકાઉન્ટ્સ તથા ફિક્સ ડિપોઝીટને ફ્રીઝ કરવા માટે NCBનો વિરોધ માન્ય નથી. આવી પરિસ્થિતિમાં રિયા પોતાના અકાઉન્ટ્સ તથા ફિક્સ ડિપોઝિટનો ઉપયોગ કરી શકે છે.’
કોર્ટે આદેશ આપ્યો હતો કે રિયાએ એફિડેવિટ આપવી પડશે અને કેસની સુનાવણી દરમિયાન તથા જ્યારે જરૂર પડે ત્યારે અકાઉન્ટ્સમાં જમા રકમની માહિતી તપાસ અધિકારીને આપવી પડશે. ” બોન્ડ સાથે ગેઝેટ્સ પરત આપ્યા”
અન્ય એક અરજીમાં રિયાએ માગણી કરી હતી કે તેના ગેઝેટ જેવા કે મેકબુક, લેપટોપ તથા આઇફોન તેને પરત કરવામાં આવે. NCB વકીલ અતુલ સરપાંડેએ કહ્યું હતું કે તેના ગેઝેટ્સ સીઝ કરીને લેબમાં મોકલવામાં આવ્યા છે અને હવે તેણે ત્યાંથી રિસીવ કરવા પડશે. કોર્ટે આદેશ આપ્યો છે કે ઓળખ તથા વેરીફિકેશન બાદ રિયા પોતાના ગેઝેટ્સને એક લાખ રૂપિયાના બોન્ડ પર લઈ શકે છે.