દેશનાં 100 સ્માર્ટ સિટિઝમાં સુરત નં-1 તો અમદાવાદ 6ઠ્ઠા સ્થાને

  • પ્રોજેક્ટ, ગ્રાન્ટ વપરાશ જેવા માપદંડ આધારે રેન્કિંગ
  • 2936 કરોડના 81માંથી 69 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા

દેશના 100 સ્માર્ટસિટીઝમાં ડાઇનેમિક રેન્ક કેટેગરીમાં સુરતે નંબર 1 મેળવ્યો છે. વહીવટી કામગીરી, નાણાકીય બાબત તેમજ પ્રોજેકટ પૂર્ણ કરી અમલીકરણ જેવા પર્ફોર્મન્સ આધારિત ગુણને ધ્યાનમાં લેવાયા હતા.

કેન્દ્ર સરકારના સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત સુરત પાલિકાએ કુલ 2936 કરોડના 81માંથી 1791 કરોડના 69 પ્રોજેક્ટ પૂર્ણ કરી દીધા છે, જ્યારે 1145 કરોડના 12 પ્રોજેકટનું કામ હાલમાં કાર્યરત છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન દ્વારા સ્માર્ટસિટીઝ મિશન અંતર્ગત પસંદ થયેલાં 100 શહેરોને પૂર્ણ કરેલા પ્રોજેક્ટસ, કાર્યરત પ્રોજેક્ટસ, મળેલી ગ્રાન્ટ વપરાશના ફાઇનાન્સિયલ સર્ટિફિકેટ, એડવાઇઝરી ફોરમ મીટિંગ જેવા માપદંડના આધારે ડાઇનેમિક રેન્કિંગ સિસ્ટમના આધારે ડાઇનેમિક રેન્ક આપવામાં આવે છે. નોંધનીય છે કે, 2015માં સ્માર્ટસિટીઝ મિશનની યોજના જાહેર કરી ત્યાર બાદ આ યોજના અંતર્ગત દેશના પસંદગી પામેલાં 100 શહેરો પૈકી પ્રથમ ચરણના પસંદ કરાયેલાં 20 શહેરોમાં સુરતની પસંદગી થઇ હતી.

દેશના ટોપ 10 રેન્કમાં આવેલાં શહેરોની યાદી:-

  • સુરત
  • આગ્રા
  • વારણસી
  • ભોપાલ
  • ઇન્દોર
  • અમદાવાદ
  • પુણે
  • રાંચી
  • લખનઉ
  • ઉદયપુર

ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ સહિત આ 12 પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ:-

ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મોબિલિટી એડમિનિસ્ટ્રેશન સેન્ટર, ઐતિહાસિક કિલ્લાનું રિસ્ટોરેશન-ડેવલપમેન્ટ, કોયલી ખાડીની પુન: રચના અને રિમોડેલિંગ, ઇન્ટેલિજન્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અને એરિયા સર્વેલન્સ નેટવર્ક, કોમન ટ્રાન્સમિશન લાઇન, આંજણા, અલથાણ અને ડુંભાલ ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ, ઓટોમેશન એન્ડ સ્કાડા વર્ક્સ, ફ્રેન્ચ વેલ, ડેટા સેન્ટર સ્ટ્રેન્થનિંગ, આઉટડોર ડિજિટલ ડિસ્પલે બોર્ડ વગેરે કામો પ્રગતિ હેઠળ છે.