સુરત મહાનગરપાલિકાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 500 કરોડથી વધુ રૂપિયાની આવક, 2025 સુધીમાં 1000 કરોડની આવકનું લક્ષ્યાંક

  • શરૂઆતમાં 2014માં 245 કરોડ રૂપિયાની આવક થઈ હતી

સુરત શહેર ઉદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે સુરતમાં જે પ્રકારનો ઔદ્યોગિક એકમો છે તેને કારણે સુરત શહેરના વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે અનેક પડકારો પણ ઊભા થઈ રહ્યા છે. સુરત શહેરમાં જે પ્રકારે વસ્તી વધી રહી છે તેને કારણે પ્રાથમિક સુવિધા પાછળ હજારો કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે તેની સામે આવકના સ્ત્રોત ખૂબ જ ઓછા છે. આવી સ્થિતિમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો અને તેમાં ધારવા કરતાં વધુ સફળતા મળી છે. દેશની એકમાત્ર સુરત મહાનગરપાલિકા જે દૂષિત પાણી ટ્રીટ કરી કરોડો રૂપિયાની કમાણી કરવાનું શરૂ કર્યું છે. હાલ 500 કરોડથી વધુની આવક થઈ રહી છે. જ્યારે 2025 સુધીમાં 1000 કરોડની આવકના લક્ષ્યાંક સુધી પહોંચાવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.

2014માં પ્રથમવાર ઈન્ડસ્ટ્રીને પાણી આપવાનું શરૂ કરાયું:-

સુરત મહાનગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવાનું વિચાર્યું હતું. પાણીના પરંપરાગત સ્ત્રોત ઉપર નિર્ભરતા ઘટાડવા તથા સુએજ વોટર રિસાયકલ કરી પર્યાવરણના સંરક્ષણ તરફ આગળ વધવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી 2014માં પ્રથમવાર પાંડેસરા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટને 40 MLD આપવાનું શરૂ કરાયું હતું. ડીંડોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ 40 MLD શરૂ કરવામાં આવ્યો હતો. જેના થકી પાંડેસરા ઉદ્યોગગૃહો પાસેથી અંદાજે 245 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થઇ હતી.

ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ આપી પહોંચાડવામાં આવ્યું:-

2014 બાદ 2020માં સચિન જીઆઇડીસીની સચિન ટેકસટાઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી વેલફેર એસોસિયેશનને બમરોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફેઝ-2થી 35 MLD ટ્રીટ કરેલું પાણી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેના થકી સુરત મહાનગરપાલિકાને 25 કરોડ રૂપિયાની આવક ઊભી થઈ હતી. સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને પાણીની ખૂબ જ મોટા પ્રમાણમાં જરૂરિયાતો ઉભી થઈ હતી. તેની સામે પાણીના સ્ત્રોત ખૂબ જ ઓછા હતા. જેના કારણે સુરત મહાનગરપાલિકાએ સુએજના પાણી ટ્રીટ કરીને તેમને પણ પાણી પહોંચાડવા માટેની તૈયારી કરતા સુરત મહાનગરપાલિકાને મોટી આવક ઊભી થઈ હતી.

વિવિધ ઔદ્યોગિક એકમો ટ્રિટેડ વોટરનો ઉપયોગ કરે તેવું આયોજન.

પાણીની જરૂરિયાત ઉદ્યોગગૃહોની દિવસેને દિવસે વધી:-

ગુજરાત સરકાર દ્વારા મે 2018માં પ્રસિદ્ધ કરવામાં આવેલા રિયુઝ- રિસાયકલ પોલિસી મુજબ વિવિધ ઔદ્યોગિક એકમો ટ્રિટેડ વોટરનો ઉપયોગ કરે તેવું આયોજન કરવા દિશાનિર્દેશ કરાયું હતું. સુરત શહેરમાં છેલ્લા સાત વર્ષમાં અનેક ઉદ્યોગ એકમો પ્રોડક્શનની દિશામાં આગળ વધ્યા હતા. વિશેષ કરીને ટેક્સટાઇલ, કેમિકલ્સ સહિતના એવા ઉદ્યોગો છે. જેમાં સુરત શહેર હરણફાળ ભરી રહ્યું છે. એવી સ્થિતિમાં પાણીની જરૂરિયાત ઉદ્યોગગૃહોને દિવસેને દિવસે વધી રહી છે.

ઉદ્યોગોને પાણી આપી 300 કરોડની આવક:-

સુરત મહાનગરપાલિકા સતત પ્રયાસ કરી રહી છે કે ટ્રીટ પાણીમાંથી કરોડો રૂપિયાની આવક વધુમાં વધુ કેવી રીતે ઊભી થાય તે દિશામાં અનેક પ્રોજેક્ટર શરૂ કરવાનું નક્કી કર્યું છે. જે રીતે સુરતની આસપાસના ઉદ્યોગગૃહોની પાણીની માંગ વધી રહી છે તેમને રીટ્રીટેડ કરેલું પાણી પહોંચાડવા માટે સુરત મહાનગરપાલિકાએ પ્રયાસ હાથ ધર્યા છે. પાંડેસરા, સચિન બાદ હવે પલસાણા અને હજીરા વિસ્તારના ઔદ્યોગિક એકમો પણ પાણીની માંગ કરી રહ્યા છે. આ વિસ્તારની અંદર સતત ઔદ્યોગિક વિકાસને કારણે હવે પાણીની માંગ મોટા પ્રમાણમાં ઊભી થઈ રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ જ આયોજન કર્યું છે તેમાં કલરટેક્ષ ઇન્ડસ્ટ્રીઝને રો સુએઝ વોટર 30 MLD, પલસાણા એન્વિરો પ્રોટેક્શન લીમીટેડને સેકન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટર અને હજીરા વિસ્તારના ઉદ્યોગિક એકમોને ટર્શરી ટ્રીટેડ વેસ્ટ વોટર પહોંચાડીને વર્ષે અંદાજિત 300 કરોડ રૂપિયાની આવક ઉભી કરવામાં આવશે.

ગંદા પાણીને સુએજ પ્લાન્ટમાં એકઠું કરવામાં આવે છે.

અકલ્પનીય એવી આવક ઊભી કરવામાં મદદરૂપ:-

સુરત મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં જે પ્રકારનું આયોજન કર્યું છે. તેનાથી 588 કરોડ રૂપિયા જેટલી આવક સુએજ વોટરમાંથી મળી રહી છે. જે રીતે હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની હાલની માંગ છે તે જોતા આગામી દિવસોમાં વધુમાં વધુ હેડ ક્વોટરની માંગ ઉભી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સુરત શહેરના મોટા ઉદ્યોગ એકમોનો સૌથી મોટો પ્રશ્ન પાણી મેળવવાનો છે ત્યારે રિસાયકલ થયેલા પાણીની પણ સૌથી વધુ ડિમાન્ડ ઉદ્યોગિક ગૃહમાં દેખાઈ રહી છે. 2014માં પાંડેસરા જીઆઇડીસીથી શરૂ કરવામાં આવેલા સુએઝ વોટરનો સદુપયોગ આજે અનેક ઔદ્યોગિક ગૃહને પણ મદદરૂપ થઈ રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાને અકલ્પનીય એવી આવક ઊભી કરવામાં મદદરૂપ પુરવાર થઈ રહ્યું છે.

પર્યાવરણને ફાયદો પણ થશે:-

સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ સાથે થયેલી વાતચીત પ્રમાણે તેમણે આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકાના લક્ષ્યાંક કેટલું છે તેને લઈને વિસ્તૃત જવાબ આપ્યો હતો. પરેશ પટેલના કહેવા મુજબ સુરત શહેરના સચિન અને પાંડેસરા જીઆઇડીસીની સાથે હવે સુરતની આસપાસના ઉદ્યોગગૃહ પણ સુરત મહાનગરપાલિકા તરફથી મદદની નજરે જોઈ રહ્યા છે. દરેક ઉદ્યોગને પાણીની સૌથી વધુ જરૂર પડતી હોય છે. સુરતની આસપાસના ઉદ્યોગગૃહો જેમકે કડોદરા, પલસાણા અને હજીરામાં પાણીને રિસાયકલ કરીને પહોંચાડવું ખૂબ જ જરૂરી છે. તેનાથી પર્યાવરણને ફાયદો પણ થશે અને ઉદ્યોગગૃહોની જે માંગ છે તે પણ પૂરી કરી શકાશે.

દૂષિતમાંથી એકદમ ચોખ્ખું પાણી બનાવી દેવામાં આવે છે.

વધુ સુએજ પ્લાન્ટ બનાવવા પ્રયાસ:-

આખા દેશમાં સુરત મહાનગર પાલિકાએ સુએજ પાણીમાંથી વર્ષે કરોડો રૂપિયાની આવક મેળવી છે. આ દિશામાં અનેક મોટી શક્યતાઓને ધ્યાનમાં રાખીને અમે બીજા સુએજ પ્લાન્ટ નાખીને આગામી 2024-25 સુધીમાં સુરત મહાનગરપાલિકાને રૂપિયા 1000 કરોડની વાર્ષિક આવક ઊભી કરવાના લક્ષ્ય સાથે અમે આગળ વધી રહ્યા છે. અમે જે ગણતરી કરી છે તે અંદાજ મુજબ આ લક્ષ્યાંક સુરત મહાનગરપાલિકા ખૂબ જ સરળતાથી હાંસલ કરી લેશે. ઔદ્યોગિક ગૃહોની જરૂરિયાતો છે તેને લઈને અમારી સતત ચર્ચા વિચારણા થઈ રહી છે.

વરસાદી પાણીના સંચય માટે યોજના બનાવાશે:-

આગામી દિવસોમાં આપણે બધા જાણીએ છે કે સ્વચ્છ પાણીની તાતી જરૂરિયાત ઉભી થવાની છે. મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ પાણી મેળવવાના સ્ત્રોત પણ ખૂબ જ ઓછા આપણી પાસે રહ્યા છે. ત્યારે લોકોને પીવા માટે અને રોજીંદા વપરાશ માટે પાણી પહોંચાડવાની સાથે જ ઔદ્યોગિક ગૃહની માંગ પણ સંતોષવી પડકારજનક રહેશે. જેથી ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પાણીને રિટ્રીટ કે રિસાયકલ કરી શકાય તે દિશામાં અમે ઝડપથી નિર્ણય લઇ રહ્યા છે. સુરત મહાનગર પાલિકા દેશની અન્ય મહાનગરપાલિકાઓ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બનશે એ વાતનો અમને આત્મવિશ્વાસ છે. અમે પાણીના બચાવ માટે આ વખતે બજેટમાં પણ ખૂબ જ ધ્યાન આપ્યું છે. વોટર હાર્વેસ્ટિંગ માટે અમે અનેક નિર્ણયો લઇ રહ્યા છે. આવનાર દિવસોમાં શહેરમાં વરસાદી પાણીના સંચય માટે પણ અમે વિવિધ યોજનાઓની જાહેરાત કરવા જઈ રહ્યા છે.

સુરત શહેર 11 સુએજ પ્લાન્ટ આવેલા છે.

સુરતના પ્લાન્ટ અને તેની શ્રમતા:-

  • સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા અને ક્ષમતા: 11 (1373 એમએલડી)
  • ટ્રીટમેન્ટ કરવામાં આવતો સુએજનો એવરેજ દૈનિક જથ્થોઃ 970 એમએલડી
  • સુએજ પંપીંગ સ્ટેશનની સંખ્યા અને ક્ષમતાઃ 63 (2109 એમએલડી)
  • ટર્શરી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા અને ક્ષમતાઃ 02 (115 એમએલડી)