2024ની લોકસભા ચૂંટણી પહેલાં દોડવા લાગશે સુરતની મેટ્રો, વડાપ્રધાન મોદીની સીધી નજર હેઠળ આખો પ્રોજેક્ટ

  • બે મહિનામાં અંડરગ્રાઉન્ડની કામગીરી પૂર્ણ કરાશે
  • રાજકીય રીતે જશ ખાટવા માટે શાસકોની ભાગદોડ
  • જમીન સંપાદન સાથે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે

સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક છે. સ્માર્ટ સિટી અંતર્ગત મેટ્રો પ્રોજેક્ટ અને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સુરત જેવા ઔદ્યોગિક નગરીમાં મેટ્રો પ્રોજેક્ટની સફળતાને લઇને શાસકો ખૂબ જ આશા રાખીને બેઠા છે. સુરતમાં સતત વધતા વસતીના ભારણ અને તેને કારણે વાહનોની સંખ્યામાં થતો વધારો અનેક નવા પડકારો ઊભા કરી રહ્યા છે. એવી સ્થિતિમાં માસ ટ્રાન્સપોર્ટેશનને પ્રાથમિકતા આપવી ખૂબ જરૂરી છે. બીઆરટીએસ બસ અને સિટી બસ બાદ હવે મેટ્રો પ્રોજેક્ટ તરફ લોકોનું ધ્યાન છે. ચોમાસુ શરૂ થાય તે પહેલા અંડરગ્રાઉન્ડ મેટ્રોનું કામ ઝડપથી પૂર્ણ થાય તે રીતે કામગીરી આવી રહી છે. 18 જાન્યુઆરી 2021ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે 12020 કરોડના મેટ્રો પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મેટ્રોનું રાજકીય રીતે મહત્વ

મેટ્રો પ્રોજેક્ટને લોકોની સુખ-સુવિધાની સાથે રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વનો મુદ્દો અને પ્રોજેક્ટ છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી પોતાના વિઝન ડોક્યુમેન્ટમાં મેટ્રો પ્રોજેક્ટને સૌથી અગ્રીમ સ્થાન ઉપર રાખે છે. વિપક્ષ દ્વારા મેટ્રો પ્રોજેક્ટને માત્ર અને માત્ર કાગળ પર બતાવવામાં આવેલા પ્રોજેક્ટ તરીકે ચિતરવામાં આવે છે. જોકે મેટ્રો પ્રોજેક્ટને જે પ્રકારે વિલંબ થયો છે. તે જોતાં શાસકો હંમેશા વિપક્ષના રહેતા હોય છે. એક તરફ લોકોની સુવિધાની વાત છે બીજી તરફ રાજકીય રીતે જશ ખાટવા માટે પણ શાસકો તડામાર તૈયારી કરી રહ્યા છે.

વડાપ્રધાનની સીધી નજર

મેટ્રો પ્રોજેક્ટની તૈયારી ઉપર સીધી નજર નરેન્દ્ર મોદીની છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી દ્વારા જ સ્માર્ટ સિટીની જાહેરાત કરવામાં આવી છે. તેમાં સુરતનો પણ સમાવેશ કરાયો છે. સુરત શહેરના વિકાસમાં જે પ્રકારે તેઓ અંગત રીતે આજે પણ રસ લઈ રહ્યા છે. તે જોતા એક વાત ચોક્કસ છે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન આ વિકાસના કામો વિપક્ષી સામે મૂકીને પોતાના કામગીરીનો રિપોર્ટ કાર્ડ વધુ મજબૂત કરી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયાંતરે સુરત ડાયમંડ બુર્સ અને મેટ્રો પ્રોજેક્ટને લઈને માહિતી મેળવતા રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો પ્રોજેક્ટ લઇને અરે બેઠકો પણ કરતા હોય છે. જેથી કરીને કામ કઈ ગતિથી ચાલી રહ્યું છે. તેનો અંદાજ અને તાગ મેળવી શકે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જાય એ પ્રકારની દિશામાં નરેન્દ્ર મોદી કામ કરાવી રહ્યા હોય તેવું લાગે છે. અધિકારીઓ જે રીતે માર્ચ 2024માં જ મેટ્રો દોડતી કરવાની વાત કરી રહ્યા છે તે પરથી સ્પષ્ટ જણાય છે.

નિર્ધારિત સમયમાં કામગીરી થશે-કમિશનર

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, માર્ચ 2024 સુધીમાં શહેરમાં મેટ્રો દોડતી થાય તેવી અમને આશા છે. જમીન સંપાદન કરવામાં અમને સફળતા મળી છે. ઝડપથી ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. એક અંદાજ મુજબ સુરત શહેરમાં મેટ્રોનો લાભ 10 લાખ લોકો લેશે. એલિવેટર રૂટ અને અંડરગ્રાઉન્ડ માટે પણ તમામ પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે. મેટ્રો પ્રોજેક્ટ ટીમના નિષ્ણાંતો દ્વારા અવારનવાર પ્રોજેક્ટને લઇને સમીક્ષા કરવામાં આવી રહી છે.