જુઓ આટકોટની હાઇફાઇ હોસ્પિટલ, જેને PM મોદી 28મીએ ખુલ્લી મૂકવાના છે, રૂ.150માં જનરલ વોર્ડનું ભાડું ને 3 ટાઇમ ભોજન!

  • 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની ચેરિટી હોસ્પિટલમાં ફાઇવસ્ટાર સુવિધાઓ
  • 14 કરોડની ઇમ્પોર્ટેડ મશીનરી, કેન્સર સહિતના રોગોની તદ્દન નજીવા દરે સારવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેએ રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ ખાતે રૂ. 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પટેલ સેવા સમાજ દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિતના જિલ્લાના ગરીબ દર્દીઓને નજીવા દરે સારવાર મળશે. અહીં જનરલ વોર્ડમાં રોજના રૂ. 150ના ભાડામાં દર્દીને ત્રણ ટાઇમ પેટ ભરીને ભોજન પણ મળશે. હોસ્પિટલમાં OPD, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ICCU, ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ, એન્ડોસ્કોપી, ફિઝિયોથેરપી, NICU, PICU, કેથલેબ સહિતના આધુનિક વિભાગો કાર્યરત થશે. મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડધારકોને વિનામૂલ્યે સારવાર અપાશે.

300નો સ્ટાફ દર્દીની સારવારમાં ખડેપગે રહેશે

ફુલટાઈમ ડોક્ટર તરીકે ગાયનેક તથા આબ્સ., સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસિન, રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરપી કાર્યરત રહેશે. જ્યારે વિઝિટિંગ સુપર સ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ તરીકે નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, રુમેટોલોજી, યુરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી, ગેસ્ટ્રોલોજી, ક્રિટિકલ કેર સહિતના વિભાગીય નિષ્ણાતો દરરોજ ત્રણ કલાક ઉપસ્થિત રહેશે. એકંદરે કુલ 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દર્દીઓની સારવાર માટે ખડેપગે રહેશે. હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

ક્રિટિકલ કેરમાં રોજનું 250 રૂપિયા ભાડું

હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ જણાવ્યું હતું કે 40 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ હોસ્પિટલમાં દર્દી પ્રવેશ કરશે ત્યારે તેને કોઈ નામાંકિત ખાનગી હોસ્પિટલમાં આવ્યાનો અહેસાસ થશે. જોકે અહીં સારવાર બાદ થનારો ખર્ચ અત્યંત પરવડે એવો રાખવામાં આવ્યો છે. અન્ય હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી માટે દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે ત્યારે અહીં માત્ર 40થી 60 હજારમાં જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે. આ ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી રોજનું રુ. 250, જનરલ વોર્ડના દર્દી પાસેથી રોજનું રુ. 150 ભાડું જ વસૂલાશે.

વિદેશથી 14 કરોડનાં મશીન ઈમ્પોર્ટ કરાયાં

આ મલ્ટીસ્પેશિયાલિટી ચેરિટી હોસ્પિટલ માટે રેડિયોલોજી, પેથોલોજી સહિતના ડિપાર્ટમેન્ટ માટે 14 કરોડથી વધુની કિંમતનાં મશીન એવાં છે, જે વિદેશથી મગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત બેડશીટથી લઈને વેન્ટિલેટર સહિતની ક્વોલિટી સાથે જરાપણ બાંધછોડ કરવામાં આવી નથી. અહીં દર્દી નારાયણની સેવા જ મુખ્ય ઉદ્દેશ હોવાનું ડો. બોઘરાએ જણાવ્યું હતું.

ડોક્ટર્સ-સ્ટાફ ટ્રેનિંગ માટે અલગથી સેન્ટર

ડો.ભરત બોઘરાએ વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીને જરા પણ અગવડ ન પડે તેમજ ડોક્ટર્સ અને હોસ્પિટલના સ્ટાફ તરફથી પૂરતો સહયોગ મળી રહે એ માટે તમામને તાલીમબદ્ધ રાખવા માટે અલગથી સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં તેમને નિયમિત તાલીમ અપાતી રહેશે. 35 તબીબો ફુલટાઈમ, 39 સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો વિઝિટર ડોક્ટર તરીકે સેવા આપશે. 195 નર્સિંગ-પેરા-મેડિકલ સ્ટાફ કાર્યરત રહેશે.

હોસ્પિટલ માટે સર્વ સમાજ બન્યો સહભાગી

રાજકોટ-ભાવનગર હાઈવે પર આટકોટ ખાતે નિર્માણ પામેલી આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માણ માટે સર્વ સમાજ સહભાગી બન્યા છે. આ હોસ્પિટલ માટે જેમણે 25 લાખથી વધુનું દાન આપ્યું હોય તેને જ ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે અને એમાં કોઈ એક જ જ્ઞાતિની વ્યક્તિએ દાન આપ્યું હોય એવું નથી. સર્વ સમાજે આ ઉમદા કાર્યમાં પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપેલું છે.

આટકોટમાં જ હોસ્પિટલ શા માટે બનાવાઈ ?

ડો.ભરત બોઘરાએ વધુમાં જણાવ્યું હતું કે આટકોટમાં જ હોસ્પિટલ બનાવવા પાછળનો હેતુ એવો છે કે જ્યારે હું ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે આટકોટમાં એક યુવાનનું હેમરેજ થઈ ગયું હતું, આથી તેને રાજકોટ ખસેડવો પડે એવી સ્થિતિ નિર્માણ પામતાં રાજકોટની હોસ્પિટલમાં પહોંચતાં અને દાખલ થવા સુધીમાં બે કલાક જેટલો સમય લાગી જતાં દર્દીનું મોત થતાં મને ત્યારે જ આટકોટમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો, જે હવે વાસ્તવિક રીતે પરિપૂર્ણ થયો છે.

દાનની આખી સિસ્ટમ પારદર્શી બનાવી

હોસ્પિટલને મળી રહેલા દાનની આખી સિસ્ટમ પારદર્શી રાખવામાં આવી છે. આ માટે એક સોફ્ટવેર વિકસાવાયું છે, જેના આધારે જ સંપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. કોઈપણ દાતા હોસ્પિટલને દાન આપે એટલે આ સોફ્ટવેરમાં તેની એન્ટ્રી થઈ જાય છે અને એમાં દરેક પ્રકારનો હિસાબ-કિતાબ પણ રહે છે. હાલ હોસ્પિટલમાં બેડની ક્ષમતા 200ની છે, જેમાં વધારો કરી 400 બેડ કરવામાં આવશે. આ ઉપરાંત અહીં જ મેડિકલ કોલેજનું પણ નિર્માણ થનાર હોવાથી સૌરાષ્ટ્રમાં બહુ ટૂંકા સમયમાં બબ્બે મેડિકલ કોલેજ કાર્યરત થઈ જશે.

પાંચ વર્ષ પહેલાં મોરારિબાપુએ ભૂમિપૂજન કર્યું હતું

આ હોસ્પિટલનું ભૂમિપૂજન પાંચ વર્ષ પહેલાં 2017માં મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈ હોસ્પિટલના નિર્માણ સુધીમાં હોસ્પિટલ માટે સહભાગી થનારા લોકોએ દિવસ-રાત એક કરીને હોસ્પિટલ ઝડપથી બને એ માટે પ્રયત્નો કર્યા હતા, જેમાં સફળતા મળી છે. જસદણ, વીંછિયા, ગોંડલ, બોટાદ, ચોટીલા, ભાવનગર, અમરેલી સહિત અનેક શહેર-જિલ્લાઓના દર્દીઓને રાહતદરે સારવાર મળશે.

લંડન, હોંગકોંગ, અમેરિકાથી પણ દાન મળ્યું

આ હોસ્પિટલ માટે દાનની સરવાણી ફૂટી નીકળી હોય એવી રીતે આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા માટે દાતાઓની લાઈન લાગી ગઈ હતી. હોસ્પિટલના નિર્માણ માટે 21 હજારથી લઈ 21 કરોડ રૂપિયા સુધીનું દાન આવ્યું હોવાનું ડો.ભરત બોઘરાએ જણાવ્યું હતું. ભારતમાંથી જ નહીં, પરંતુ હોસ્પિટલના નિર્માણ માટે લંડન, હોંગકોંગ અને અમેરિકામાંથી પણ દાનનો ધોધ વહ્યાનું તેમણે જણાવ્યું હતું. 25 લાખના ડોનેશનના ભાગરૂપે 100 ટ્રસ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના દાતાઓએ યોગદાન આપ્યું છે.