સાળંગપુરમાં 100 કરોડથી વધુના ખર્ચે 1 હજાર રૂમવાળું હાઇટેક ગેસ્ટ હાઉસ બનશે, પહેલીવાર જુઓ પ્રોજેક્ટની 3D તસવીર

  • 1, 80, 000 સ્ક્વેર ફૂટમાં આખો પ્રોજેક્ટ આકાર લેશે.
  • ઇન્ડો-રોમન સ્ટાઇલની બિલ્ડિંગની કુલ હાઇટ 160 ફૂટ હશે.

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. જેને લીધે મંદિર પરિસરમાં ઉતારાની વ્યવસ્થામાં ઘણી તકલીક થઈ રહી છે. ત્યારે હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો દ્વારા દાદાના દરબારમાં આવતાં દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય તે માટે ભવ્ય ગોપાળાનંદ સ્વામી ગેસ્ટ હાઉસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની ગુજઅપડેટ્સ આપને સૌથી પહેલાં 1 હજાર રૂમના ભવ્ય ગેસ્ટહાઉસની 3D તસ્વીર બતાવી રહ્યું છે.

100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ગેસ્ટ હાઉસ બનશે.

ભવ્ય ગેસ્ટ હાઉસ અંગે હરિપ્રકાશ સ્વામીએ ગુજઅપડેટ્સ (ડિજિટલ) સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ” મંદિર પરિસરની એકદમ નજીક કુલ 20 વિઘા જમીનમાં રાજ મહેલ જેવું ગેસ્ટ હાઉસ 100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવશે. 11 માળનું આ ગેસ્ટ હાઉસ ફુલ્લી એરકન્ડિશનિંગ હશે. જેમાં એકસાથે 3500 લોકો આરામથી રહી શકશે. ”

બિલ્ડિંગમાં 18 લિફ્ટ, 4 એલિવેટર અને 40 સ્પેશિયલ સ્યૂઇટ હશે.

ગેસ્ટ હાઉસની વિશેષતા અંગે હરિપ્રકાશ સ્વામી જણાવ્યું કે, ”આખી બિલ્ડિંગમાં કુલ 18 લિફ્ટ, 4 એલિવેટર અને 2 મીટરના 6 દાદરા હશે. દરેક ફ્લોર અલગ અલગ સાઇઝની કુલ 96 રૂમ હશે. આ ઉપરાંત સર્વન્ટરૂમ સહિત 40 સ્યૂઇટ બનાવાશે. દરેક ફ્લોર પર વેઇટિંગ એરિયા હશે. જેમાં એક સાથે 100થી વધુ લોકો રિલેક્સ થઈ શકશે.”

4 ઝોનમાં ભૂકંપ પ્રૂફ બિલ્ડિંગ બનાવવામાં આવશે.

કુલ 1,80, 000 સ્ક્વેર ફૂટમાં આકાર પામનારું ગેસ્ટ હાઉસ હાઇટેક ટેક્નોલોજીથી બનાવવામાં આવશે. આખી બિલ્ડિંગ 4 ઝોનમાં બનાવાશે. જે 100 ટકા ભૂકંપ પ્રૂફ હશે. એટલું જ નહીં બિલ્ડિંગમાં ગમે ત્યારે આગ લાગે તો તેની અંદર રહેલાં વ્યક્તિને કોઈ નુકસાન થશે નહીં. આ ઉપરાંત બિલ્ડિંગની ઇન્સાઇડમાં 500 અને આઉટસાઇડ 600 એમ કુલ 1100 ગાડી પાર્ક થઈ શકે એવું પાર્કિંગ બનાવવામાં આવશે.

બિલ્ડિંગમાં વેઇટિંગ લોન્જ અને મિનિ રેસ્ટોરાં પણ બનાવવામાં આવશે.

160 ફૂટ ઊંચા બિલ્ડિંગમાં બનાવેલાં રિસેપ્સશન એરિયામાં ઇન્ક્વારયી ઓફિસ અને વેઇટિંગ લોન્ઝ હશે. જેમાં એકસાથે 400-500 લોકો બેસી શકશે. આ ઉપરાંત દરેક ફ્લોર પર બનાવવામાં આવનાર વેઇટિંગ એરિયામાં 100 લોકો રિલેક્સ પણ થઈ શકશે. એટલું જ નહીં દરેક ફ્લોરમાં 6-6 પાણી પરબ, કોમન ટોઇલેટ-બાથરૂમની સુવિધા પણ હશે. તો બિલ્ડિંગના સેન્ટરમાં કુલ 40, 000 સ્ક્વેર ફૂટમાં મેઇન એન્ટ્રન્સવાળા ભાગ પર મોનિટરિંગ થઈ શકે તે માટેનો હાઇટેક કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત તેની બાજુમાં કોન્ફરન્સ રૂમ, મેનેજમેન્ટ ઓફિસ હશે.