દાહોદમાં કહ્યું- મારા પર તમારું અનેકગણું ઋણ છે, જ્યારે પણ તમારું ઋણ ચૂકવવાનો મોકો મળે ત્યારે હું જવા નથી દેતો

  • દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને રૂ.21809.79 કરોડનાં વિકાસકામોની ભેટ ધરશે

દાહોદના ખરોડમાં આયોજિત આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપવા માટે વડાપ્રધાન દાહોદ પહોંચતાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આદિવાસીઓની પારંપરિક કોટી, આભૂષણો અને સાફો પહેરાવી વડાપ્રધાનને આવકારવમાં આવ્યા હતા. PM દાહોદનાં 1259 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ તથા રૂ. 20550 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આદિવાસી ભાઈ-બહેનોએ મને ઘણું શીખવ્યું- વડાપ્રધાન

આદિવાસી મહાસંમેલનમાં વડાપ્રધાને સંબોધન દરમિયાન કહ્યું હતું કે, મેં આદિવાસીઓનું જીવન નજીકથી જોયું છે. ઉમરગામથી અંબાજીનો આદિવાસી વિસ્તાર મારું કાર્યક્ષેત્ર હતું. અહીં મેં બહું સમય વિતાવ્યો છે. આદિવાસી ભાઈઓ બહેનોએ મને ઘણું શીખવ્યું છે. વડાપ્રધાને કહ્યું- આદિવાસી પરિવર્તન લાવે એટલે બધાએ લાવવું જ પડે.પાણીદાર લોકોની પાણી દ્વારા સેવા કરવાનો મને મોકો મળવાનો છે. દાહોદમાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ કહ્યું હતું કે, દાહોદ હવે મેક ઈન્ડિયાનું મહત્વનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.

દાહોદને રૂ.21809 કરોડનાં વિકાસકામોની ભેટ

જનકલ્યાણના વિવિધ વિકાસકાર્યોમાં આરોગ્ય, આવાસ, વીજળી, રોજગારી, સલામતી, સ્કિલ ડેવલપમેન્ટ, જળસંચયનાં કામો, રસ્તાઓ સહિતની પાયાની સુવિધાઓ સાથે દાહોદ સ્માર્ટસિટી તરીકે મહાનગરોમાં જોવા મળતી સુવિધાઓ પણ આદિજાતિ બહુલ વસતિ ધરાવતા દાહોદ જિલ્લાને મળશે. એમાં આઇસીસીસી-આઇટી પ્રોજેક્ટ દાહોદ નગરને સ્માર્ટસિટી તરીકે એક નવા સ્તરે લઇ જતો અને મહાનગરોમાં પણ ન જોવા મળતી અત્યાદ્યુનિક સુવિધાઓ પ્રદાન કરતો એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. રૂ. 151.04 કરોડના ખર્ચે સંપન્ન આ પ્રોજેક્ટનું ખરોડ ખાતે યોજાનારા ‘આદિજાતિ મહાસંમેલન’માં લોકાર્પણ પ્રધાનમંત્રી કરશે.

પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું

નર્મદા નદીના નીરને છોટાઉદેપુરના હાફેશ્વર પાસેથી છેક દાહોદના દક્ષિણમાં આવેલા છેક છેવાડાના 285 ગામ અને એક નગર સુધી પહોંચતા કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત, આ યોજનાથી છોટા ઉદેપુરના 58 ગામો અને નગરને શુદ્ધ પાણી મળ્યું છે. રાજ્ય સરકારના આ મેગા પ્રોજેક્ટ – હાફેશ્વર યોજના થકી આદીજાતિ બહુલ વસ્તી ધરાવતા કુલ 343 ગામો તેમજ બે નગરની 12.48 લાખની વસ્તીની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું છે. આ યોજનાનું લોકાર્પણ પ્રધાનમંત્રી કરશે.

આસપાસના જિલ્લાઓ માટે 7 હજાર નોકરીની તકો ઉભી થશે

ભારતીય રેલ્વે દ્વારા દાહોદ વર્કશોપમાં 9 હજાર હોર્સ પાવરની ઇલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શીલાન્યાસ કરશે. મેક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરતા આ પ્રોજેક્ટ થકી દાહોદ અને તેની આસપાસના જિલ્લાઓ માટે 7 હજાર નોકરીની તકો ઉભી થશે. તેની લાગત રૂ.20 હજાર કરોડ છે. તદ્દઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમ આધારિત યોજના અંદાજે રૂ. 40.42કરોડને ખર્ચે પૂર્ણ કરાશે. તેમજ પાટાડુંગરી જુથ પાણી પુરવઠા યોજના રૂ. 123.88કરોડને ખર્ચે સાકાર કરાશે. ઝાલોદ ઉત્તર જુથ પાણી પુરવઠા યોજના રૂ. 48.70 કરોડને ખર્ચે સંપન્ન કરાશે. જયારે ઝાલોદ દક્ષીણ જુથ પાણી પુરવઠા યોજના રૂ. 94.55 કરોડને ખર્ચે પૂર્ણ કરાશે. તેનો પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે.