રશિયાના અમીરોના 101 અબજ ડોલર ધોવાયા, પુતિનની નજીકના ઉદ્યોગપતિઓએ 30 બિલિયન ડોલર ગુમાવ્યા

  • વિતેલા 15-20 દિવસોમાં જ રશિયન અબજોપતિઓની સંપત્તિનું ધોવાણ
  • રશિયાના એક માત્ર આન્દ્રે મેલ્નિચેન્કોની નેટવર્થમાં વધારો નોંધાયો છે

છેલ્લા 12 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને લગભગ એક મહિનાથી બંને રાષ્ટ્રો વચ્ચે તણાવની સ્થિતિ છે. આ બધાના કારણે રશિયાના ટોચના અમીરોની સંપત્તિમાં 101 અબજ ડોલર એટલે કે આશરે રૂ. 7.77 લાખ કરોડનું ધોવાણ થયું છે. આમાંથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના ગણાતા અને પોલિટીકલી કનેકટેડ એવા પાંચ ઉદ્યોગપતિઓએ 30 બિલિયન ડોલર (અંદાજે રૂ. 2.30 લાખ કરોડ) ગુમાવ્યા છે.

પુતિનની નજીક ગણાતા અમીરોને વધુ અસર થઈ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના ગણાતા અને સરકાર કે તેમના પક્ષ સાથે કોઈ કનેક્શન હોય તેવા અરબપતિઓની સંપત્તિમાં વધારે ધોવાણ થયું છે. દિવ્ય ભાસ્કરે બ્લૂમબર્ગના ડેટાનું એનાલિસિસ કરતાં જાણવા મળ્યું કે વ્લાદિમીર પોટેનિન, લિયોનીડ મિખેલ્સન, અલીશેર ઉસ્માનોવ, રોમન અબ્રામોવિચ અને મિખાઇલ ફ્રિડમેન કે જે પુતિનની સૌથી નજીકના ઉદ્યોગપતિ છે તેમની સંપત્તિમાં 4 અબજ ડોલરથી લઈને 12 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

છેલ્લા એક મહિનામાં જ સંપત્તિમાં મોટો ઘટાડો

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અને ઇન્ટરનેશનલ મીડિયામાં આવેલી જાણકારી મુજબ, બંને રાષ્ટ્રો વચ્ચે વધતાં ટેન્શન અને ત્યારબાદ યુદ્ધની શરૂઆત થતાં ફેબ્રુઆરીમાં જ મોટાભાગના રશિયન અમીરોની નેટવર્થમાં ઘટાડો થવા લાગ્યો હતો. વૈશ્વિક શેરબજારમાં કડાકો, અમેરિકા અને યુરોપના દેશોએ મૂકેલા પ્રતિબંધોથી રશિયાના ઉદ્યોગોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ બધાના પગલે ત્યાંનાં અરબપતિઓની સંપત્તિમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે.

યુદ્ધના કારણે સંપત્તિ અડધી થઈ ગઈ

બ્લૂમબર્ગના બિલિયોનેર લિસ્ટમાં રશિયાના 20 અબજોપતિઓ છે. આમાં વાગીટ અલેકપેરોવ, ગેન્નાડી ટિમ્ચેન્કો અને લિયોનીડ મિખેલ્સનની નેટવર્થ 12-17 અબજ ડોલર જેટલી ઘટી છે. એક અગાઉ આ ત્રણેયની સંપત્તિ 20-30 અબજ ડોલર કરતાં વધુ હતી પણ છેલ્લા એક મહિનાથી થઈ રહેલા ઘટાડાના પગલે નેટવર્થ અડધી કે તેનાથી પણ વધારે ઓછી થઈ ગઈ છે.

એક માત્ર આન્દ્રે મેલ્નિચેન્કોની સંપત્તિ વધી

આન્દ્રે મેલ્નિચેન્કો રશિયાના એકમાત્ર એવા અરબપતિ છે જેમની સંપત્તિ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પણ વધી રહી છે. જ્યારે અન્યોની નેટવર્થ ઘટી છે ત્યારે આન્દ્રેની સંપત્તિ 3.39 અબજ ડોલર વધીને અત્યારે 20.9 અબજ ડોલર છે. મેલ્નિચેન્કો યુરોકેમના સૌથી મોટા શેરહોલ્ડર છે, જે ખનિજ ખાતરો અને કૃષિ ઉત્પાદનોના ઉત્પાદક છે. તેઓ રશિયાના થર્મલ કોલસાના સૌથી મોટા સપ્લાયર સાઇબેરીયન કોલ એનર્જી કંપનીના માલિક છે. મેલ્નિચેન્કોના અન્ય રોકાણોમાં રિયલ એસ્ટેટ હોલ્ડિંગ અને રશિયામાં જાહેરમાં ટ્રેડેડ ઇલેક્ટ્રિક પાવર ડિસ્ટ્રિબ્યુટર રોસેટી સાઇબેરિયામાં હિસ્સો સામેલ છે.

રશિયન અરબપતિ આન્દ્રે મેલ્નિચેન્કો (ફાઇલ ફોટો).