રશિયાની સેના રાજધાની કિવમાં ઘુસી, સામ-સામે યુદ્ધ ચાલી રહ્યું; યુક્રેને 150 રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલું વિમાન તોડી પાડ્યું

  • EU રાષ્ટ્રપતિ પુતિન અને વિદેશ મંત્રી સર્ગી લેવરોવની યુરોપ સ્થિત સંપત્તિ ફ્રીઝ કરશે

યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ત્રીજો દિવસ છે. શનિવારે રાજધાની કિવ સહિત યુક્રેનના તમામ મહત્વના શહેરોમાં વિસ્ફોટ થયા છે. રશિયાના સૈનિકો રાજધાની કિવમાં પ્રવેશ્યા છે અને યુક્રેનિયન સૈનિકો સાથે તેમની સામ-સામે લડાઈ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન યુક્રેને 150 રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલા પ્લેનને તોડી પાડવાનો દાવો કર્યો છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રશિયા સામે નિંદાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિરોધમાં 1 મત પડ્યા હતા. ભારત, ચીન અને UAEએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

યુક્રેનની રાજધાની કીવમાં શુક્રવારે વિસ્ફોટો થતા રહ્યા. હજારો યુક્રેનવાસીઓએ સબવે અને અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં રાત વિતાવી. ખાવાપીવાની ચીજોની અછત થવા લાગી. રશિયન હુમલાના જવાબમાં યુક્રેનની સેના પણ જોરદાર મુકાબલો કરી રહી છે. યુક્રેન પર હુમલા અંગે આજે UNSCમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ રજૂ કરાયો. ભારત, ચીન અને યુએઈ વોટિંગમાં સામેલ ન થયા. નિંદા પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિરુદ્ધમાં એક વોટ પડ્યો છે. રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કરીને પ્રસ્તાવ ફગાવી દીધો હતો.

UNની બેઠકમાં અમેરિકાએ સ્પષ્ટ કર્યુ છે કે પુતિન પર પ્રતિબંધ લગાવવામાં આવશે. રશિયાએ કોઈ કારણ વિના યુદ્ધનો માર્ગ પસંદ કર્યો છે. જ્યારે લોકોને બચાવવા એ અમારી પ્રાથમિકતા છે, રશિયન ટેન્ક સામાન્ય લોકોને કચડી રહી છે. આ ઉપરાંત મેક્સિકો અને બ્રાઝિલે પણ રશિયાની નિંદા કરતા હુમલાઓ રોકવા કહ્યું છે.

મહત્વપૂર્ણ અપડેટ્સ…

  1. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે રશિયાનો યુક્રેન પર કબજો કરવાનો કોઈ ઈરાદો નથી. જો યુક્રેનિયન સેના આત્મસમર્પણ કરે તો મોસ્કો વાટાઘાટો કરવા તૈયાર છે.
  2. યુક્રેનનો દાવો છે કે તેણે રશિયન વિમાનને તોડી પાડ્યું છે. આ પ્લેનમાં 150 રશિયન પેરાટ્રૂપર્સ સવાર હતા. કેટલા માર્યા ગયા અને કેટલા બચ્યા, તે બાબતની માહિતી મળી નથી.
  3. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન સૈનિકો આજે રાત્રે રાજધાની કિવ પર હુમલો કરશે. તેમણે નાગરિકોને યુદ્ધમાં ઝંપલાવવાની અપીલ કરી હતી.
  4. અમેરિકાએ યુક્રેન જનારા નાગરિકો માટે લેવલ-4ની ચેતવણી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે, જેમાં નાગરિકોને સંવેદનશીલ સ્થળોએ ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
  5. બ્રિટને પુતિન અને તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લીવરોવની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. કેનેડા અને યુરોપિયન યુનિયને રશિયાને SWIFT પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કાઢવાની હાકલ કરી છે.
  6. ફ્રાન્સે યુક્રેનને 300 મિલિયન યુરો સહાય અને લશ્કરી સાધનો મોકલવાની ઓફર કરી હતી.

રશિયા કરી શકે છે ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’નો ઉપયોગ

રશિયાએ યુક્રેનને જેની ચીમકી આપી છે એ ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’ અમેરિકાના ‘મધર ઓફ ઓલ બોમ્બ’ કરતાં પણ અનેકગણો શક્તિશાળી છે.

આ દરમિયાન પશ્ચિમી દેશોએ ચેતવણી આપી છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન વિરુદ્ધ ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’નો ઉપયોગ કરવા માટે તૈયાર છે. આ બોમ્બથી 44 ટન TNT ઊર્જા નીકળે છે. જે પળવારમાં વિશાળતમ પ્રદેશને તબાહ કરી દેશે.

રશિયાના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મંત્રણા માટે આમંત્રણ આપ્યું છે. બીજીબાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનનું રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પોતાની આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હુમલાખોર છે. પુતિને આ યુદ્ધને પસંદ કર્યું છે તથા હવે પુતિન તથા તેમનો દેશ પરિણામો ભોગવશે. બાઈડને આ સાથે ફરી એ વાતનો પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ યુક્રેનમાં તેમની સેના મોકલશે નહીં. જોકે રશિયા પર આર્થિક પ્રતિબંધ મુકવામાં આવશે. યુક્રેનના અનેક વિમાની મથકો રશિયાના સાઈબર એટેકને પગલે બંધ કરવાની ફરજ પડી છે.

બીજી બાજુ યુરોપિયન યુનિયન (EU)એ રાષ્ટ્રપતિ પુતિન અને વિદેશ મંત્રી સર્ગી લેવરોવની યુરોપ સ્થિત સંપત્તિને ફ્રીઝ કરવાની તૈયારી દર્શાવી છે. રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરતા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

રશિયાની સેના હવે યુક્રેનની રાજધાની કીવની અંદર પ્રવેશી ચુકી છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે સામાન્ય નાગરિકોને સેનામાં સામેલ થવા અપીલ કરી છે. રશિયાના સૈનિકોએ યુક્રેનના બહારના વિસ્તારમાં આવેલા એક એરબેઝ પર પણ કબજો કરી લીધો છે. સતત હિંસક સ્વરૂપ ધારણ કરી રહેલી આ લડાઈમાં યુક્રેનના મોટી સંખ્યામાં સૈનિકો માર્યા ગયા છે. રશિયાની નૌકાદળે પણ બ્લેક સીમાં યુક્રેનની ઘેરાબંધી કરી છે.

રોમાનિયાના શિપ પર હમલો

મીડિયા અહેવાલ પ્રમાણે બ્લેક સીમાં રશિયાએ રોમાનિયાના એક શિપ પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ શિપમાં આગ લાગી ગઈ હતી. હકીકતમાં રોમાનિયા નાટોનું સભ્ય છે અને નાટો અત્યાર સુધી રશિયા સામે યુદ્ધમાં એટલા માટે જોડાયુ નથી કારણ કે તેનું કહેવું છે કે યુક્રેન નાટોનું સભ્ય નથી. માટે અમે પ્રત્યક્ષ રીતે સૈન્ય મદદ કરી શકીએ તેમ નથી. તેનો અર્થ એવો પણ થાય છે કે જો અમેરિકા પણ આ યુદ્ધમાં ઝંપલાવી શકે છે, કારણ કે તેનું સ્પષ્ટ કહેવું છે કે જો કોઈ નાટો સભ્ય પર હુમલો થાય છે તો તે કાર્યવાહી કરવામાં સમય બગડશે નહીં. પોલેન્ડે પણ રશિયા માટે પોતાનું એરસ્પેશ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.બીજી બાજુ પુતિને કહ્યું છે કે તે યુક્રેનને પરમાણુ હથિયારો બનાવવા દેશે નહીં.

અપડેટ્સ

  • રશિયાએ ફેસબુક પર લગાવ્યો આંશિક પ્રતિબંધ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને તાજેતરના યુક્રેન પરના રશિયાના સૈન્ય કાર્યવાહીને ધ્યાનમાં રાખી ક્રેમલિન સમર્થિત મીડિયા પર પ્રતિબંધ મુકી દીધો છે. હવે રશિયાએ જવાબી કાર્યવાહી કરતા ફેસબુક પર આંશિક પ્રતિબંધ મુકવાનો પણ નિર્ણય કર્યો છે.
  • રશિયાનો દાવો-એરફિલ્ડ કબજા સમયે યુક્રેનના 200 સૈનિકો માર્યા ગયા,રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે એરફિલ્ડ પર કબ્જો કરવા સમયે રશિયાની સેનાએ યુક્રેનના વિશેષ યુનિટના 200થી વધારે સૈનિકોને મારી નાંખ્યા છે.