ક્રૂડઓઇલના સતત વધતા ભાવોથી શિપિંગ એવિયેશન તથા પેઈન્ટ ઈન્ડસ્ટ્રી પર સંકટ

  • ક્રૂડ 1 વર્ષમાં 62 ટકા મોંઘુ થયું, બ્રેન્ટ ઝડપી $ 100 થશે
  • શિપિંગ ભાડાં વધતાં આયાત-નિકાસ વેપાર ખોરવાયા
  • ક્રૂડ $ 100 થતાં પેટ્રોલ-ડીઝલમાં રૂ.5-7નો વધારો થશે

સપ્લાયની અછત અને અન્ય આર્થિક, જિઓપોલિટિકલ વિવાદોના કારણે ક્રૂડના ભાવ આઠ દાયકાની ટોચે પહોંચ્યા છે. જેના લીધે શિપિંગ, એવિએશન, પેઈન્ટ, ટાયર, સિમેન્ટ, લોજિસ્ટિક, સ્ટીલ, બેટરી, ઓએમસી, અને કન્ઝ્યુમર ગુડ્સ જેવી ક્રૂડનો ઉપયોગ કરતી ઈન્ડસ્ટ્રીઝ પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. ગ્લોબલ સપ્લાય ચેઈન પર વિપરિત અસર થઈ છે.

મોંઘવારીમાં પણ વધારો થવાની ભીતિ વચ્ચે વિશ્વના ટોચની ક્રૂડ વપરાશકાર ભારત પર તેની માઠી અસર થશે. નિષ્ણાતો અનુસાર, ભારત સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થા પર તેની ગંભીર અસર થઈ શકે છે. છેલ્લા 1 વર્ષમાં ક્રૂડ 62 ટકા મોંઘુ થયું છે. આગામી ટુંકાગાળામાં બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરની સપાટી કુદાવે તેવા સંકેતો છે. ક્રૂડની તેજીના કારણે શિપિંગ ભાડા ઓલટાઇમ હાઇ પર પહોંચતા આયાત-નિકાસ વેપારને મોટા પાયે અસર થઇ છે. દેશમાંથી થતા નિકાસ વેપારો અટક્યા છે.

ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી આશરે 20 ટકા તેજી આવી છે. 95થી 96 ડોલર પ્રતિ બેરલની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ શોર્ટ ટર્મમાં 100 ડોલર પ્રતિ બેરલ થવાની શક્યતા વધી છે. રોટરડમમાં મરીન ફ્યુલના ભાવો 2019 બાદ 23 ટકા વૃદ્ધિ સાથે ટોચ પર છે. એવિએશન ફ્યુલના ભાવો એક પખવાડિયામાં 5થી 8 ટકા વધ્યા છે. કેડિયા એડવાઈઝરીના ડિરેક્ટર અજય કેડિયા મુજબ, ક્રૂડમાં વોલેટિલિટીની 40થી 50 સેગમેન્ટની ઈન્ડસ્ટ્રીઝ પર સીધી અસર થઈ છે. જો ક્રૂડનો ભાવો 100 ડોલરને પાર કરી જાય તો ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર થશે. ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા ક્રૂડ આયાત કરે છે. ક્રૂડના ભાવોમાં વધુ ઉછાળો દેશના આયાત બિલ પર પડશે. પરિણામે બેલેન્સ શીટ્સમાં સ્થિતિ કથળશે. ચાલુ ખાતા અને રાજકોષિય ખાધ વધશે. કરન્સી નબળી પડશે. અને ફુગાવાનો જોખમ તો યથાવત રહેશે.

ક્રૂડ $100 કુદાવે તો RBIએ વ્યાજદર વધારવા પડશે

ફુગાવો કાબુમાં આવી જશે તેવા નિવેદન પર ભારતીય રિઝર્વ બેન્ક ભલે વ્યાજદર વધારાની ના પાડી રહી હોય પરંતુ જો બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરની સપાટી કુદાવે અને ફેડ આગામી બેઠકમાં વ્યાજદર વધારશે તો RBI પણ એપ્રિલમાં વ્યાજ વધારે તો નવાઇ નહીં.

ફુગાવો ઘટાડીને 4 ટકાના દરે લાવવો હાલ મુશ્કેલ

વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવ નવી ઉંચી સપાટી પર પહોંચ્યા છે તેમજ ક્રૂડઓઇલની તેજી અનેક સેક્ટરને અસરકર્તા સાબીત થઇ રહી છે જેના કારણે દેશમાં રિટેલ ફુગાવો 4 ટકાના દરે લાવવો મુશ્કેલ છે. હાલની સ્થિતી જોતા હજુ બે-ત્રણ માસ સુધી ફુગાવામાં ઘટાડાના સંકેતો નહીંવત્ છે.