PM મોદીના અભિનંદન પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આભાર વ્યક્ત કર્યો, કાશ્મીર મુદ્દે કરી આ વાત

પાકિસ્તાનના નવા નિમાયેલા વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમને આપવામાં આવેલા અભિનંદનો આભાર માન્યો છે અને કહ્યું કે તેમનો દેશ ભારતની સાથે શાંતિપૂર્ણ અને સહયોગાત્મક સંબંધ ઈચ્છે છે.

જો કે શરીફે કાશ્મીર રાગ આલાપવાનું ચાલું જ રાખ્યું અને તે વાત પર જોર આપ્યું કે જમ્મુ કાશ્મીર સહિતના વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન જરૂરી છે. શાહબાઝે મોદીના શુભેચ્છા સંદેશનો જવાબ આપતા ટ્વીટ કર્યું કે- પાકિસ્તાન ભારતની સાથે શાંતિપૂર્ણ અને સોહાર્દપૂર્ણ સંબંધ ઈચ્છે છે. જમ્મુ કાશ્મીર સહિતના વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન જરૂરી છે. આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાનનું બલિદાન પ્રસિદ્ધ છે. આવો શાંતિ સુરક્ષિત કરીએ અને આપણાં લોકોના સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન આપીએ.

PM મોદીએ શાહબાઝને આપ્યા હતા અભિનંદ

વડાપ્રધાન મોદીએ સોમવારે 70 વર્ષના શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ અભિનંદન આપ્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે- ભારત આતંક મુક્ત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે કે જેથી અમે અમારા વિકાસના પડકાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને અમારા લોકોની સમૃદ્ધિ તેમજ કલ્યાણ સુનિશ્ચિત કરી શકીએ.

શાહબાઝ શરીફે PM મોદીનો આભાર માન્યો

વડાપ્રધાન મોદીના ટ્વીટના જવાબમાં શાહબાઝે લખ્યું- ‘નરેન્દ્ર મોદી તમારી શુભેચ્છા માટે આભાર. પાકિસ્તાન ભારતની સાથે શાંતિપૂર્ણ અને સહયોગપૂર્ણ સંબંધ ઈચ્છે છે. ઘણાં સમયથી કાશ્મીરની સમસ્યા સહિતના ગુંચવાયેલા મુદ્દાઓ સામેલ છે જેનું શાંતિપૂર્ણ સમધાન જરૂરી છે. આતંકવાદનો સામનો કરવા માટે પાકિસ્તાને જે ત્યાગ કર્યો છે તેની બધાંને જાણ છે. આપણે શાંતિ સુનિશ્ચિત કરતા લોકોના આર્થિક વિકાસ પર ધ્યાન આપવું જરૂરી છે.’

આ પહેલા શાહબાઝ શરીફે કાશ્મીરને લઈને શું કહ્યું હતું ?

સોમવારે શરીફ પાકિસ્તાનના PM તરીકે આરુઢ થયા બાદ તુરંત જ કાશ્મીરનો રાગ આલાપ્યો હતો. શરીફે PM તરીકેના પોતાના પહેલા ભાષણમાં કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ખીણ પ્રદેશમાં નિર્દોષ લોકોના લોહી વહી રહ્યાં છે. પાકિસ્તાન દરેક ઈન્ટરનેશનલ મંચ પર આ મુદ્દો ઉઠાવશે તેમજ રાજકીય અને નૈતિક સમર્થન પ્રદાન કરશે. આ અમારો હક્ક છે.

PM મોદીને સલાહ આપતા તેમને કહ્યું, ‘હું વડાપ્રધાન મોદીને સલાહ આપવા માગુ છું કે બંને દેશોમાં જે ગરીબી, બેરોજગારી, શિક્ષણની સ્થિતિ, ઉદ્યોગ-વેપારની સ્થિતિ છે…. શા કારણે આપણે આપણી આવનારી પેઢીઓને નુકસાન કરવા માગીએ છીએ? આવી સ્થિતિમાં કાશ્મીરનો મુદ્દો, કાશ્મીરના લોકોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને દુશ્મની ખતમ કરી દઈએ.’

હાઈ વોલ્ટેજ રાજકીય ખેંચતાણ પછી ઈમરાન ખાનની જગ્યા લેનાર શરીફે કહ્યું કે તેઓ ભારતની સાથે સારા સંબંધ ઈચ્છે છે, પરંતુ કાશ્મીર મુદ્દાના સમાધાન વગર તે શક્ય નથી. ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફે સોમવારે પાકિસ્તાનના 23મા વડાપ્રધાન તરીકે શપથ લીધા. ઓગસ્ટ 2019માં ભારતે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ તેમજ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરવાની જાહેરાત બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. ત્યારે વિપક્ષના નેતા તરીકે શાહબાઝ શરીફે કહ્યું હતું કે- ‘પાકિસ્તાન કાશ્મીરીઓનું છે, અને કાશ્મીરી પાકિસ્તાનના છે. કાશ્મીરમાં નિર્દોષ મુસલમાનોનું લોહી વહી રહ્યાં છે.’