રાજ્યમાં મે-જૂનમાં ચૂંટણીની તૈયારી – અમદાવાદમાં નરેન્દ્ર મોદીએ કાર્યકરોને લોકો સાથે સંવાદ સાધવા, ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું

  • એપ્રિલમાં બોર્ડ-નિગમના 100થી 150 ચેરમેન-ડિરેક્ટરોની નિમણૂકની શક્યતા, એપ્રિલમાં ચૂંટણી જાહેર થવાની સંભાવના
  • મોદીએ યુપીમાં વિજયનો શ્રેય કાર્યકર્તાઓને આપી ગુજરાતના કાર્યકરોને પાનો ચડાવ્યો

ગુજરાતમાં બે દાયકા કરતાં વધુ સમય પછી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી વહેલા યોજાવાની શક્યતા છે. શુક્રવારે અમદાવાદ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમલમ ખાતે પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓને ચૂંટણી ગમે ત્યારે આ‌વી શકે એમ હોવાથી તૈયાર રહેવા જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે 27 મેની આસપાસ કે જૂનના પ્રથમ પખવાડિયામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. એપ્રિલના બીજા સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. યુપી સહિતનાં ચાર રાજ્યોમાં ભાજપની જીતના બીજા દિવસે અમદાવાદ આવેલા વડાપ્રધાન મોદીના રોડ શૉ તથા અન્ય કાર્યક્રમોમાં ચૂંટણી વહેલા યોજાવાના સંકેતો મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધીના રોડ-શૉ દરમિયાન પહેલીવાર મોદીની સાથે મુખ્યમંત્રી જોવા મળ્યા હતા.

રાજ્યમાં વહેલી ચૂંટણી યોજાવાના આ 5 સંકેત

  • કમલમમાં પાર્ટીના ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓને ખુદ વડાપ્રધાન મોદીએ વહેલી ચૂંટણી આવી શકે એમ જણાવી તૈયાર રહેવા કહ્યું.
  • વડાપ્રધાને લાંબા સમય પછી કમલમની મુલાકાત લીધી બાદમાં તેઓ રાજભવનની મુલાકાતે પણ ગયા હતા.
  • અમદાવાદમાં ગુજરાતનાં પંચાયતો-નગરપાલિકાઓનાં 1 લાખથી વધુ ચૂંટાયેલા સભ્યોને સંબોધન. ગુજરાતનાં આ ગામોમાં વિધાનસભાની 112 બેઠકો આવેલી છે.
  • ચાર રાજ્યોમાં હારથી કોંગ્રેસ કાર્યકર્તા નિરાશ છે જ્યારે આપની પાસે ગુજરાતમાં કોઇ મોટો ફેસ, સંગઠન નથી. આ બંને પક્ષને તૈયારીઓ માટે મોકો ન મળે અને ઉંઘતા ઝડપાય.
  • પેજ સમિતિઓનું કામ લગભગ પૂર્ણ. નાનામાં નાની સંગઠન નિમણૂકો પૂરી. સાથે જ રાજ્ય સરકારને મોટા પ્રોજેક્ટ પૂરા કરવા સૂચનાઓ.

એકલા મોદીથી નહીં, ચૂંટણી દરેક કાર્યકર્તાઓના પ્રયાસથી જીતાય છે માટે આજથી કામ શરૂ કરી દો…પડકારો ગમે તેવા હોય પરંતુ કાર્યકર્તાના બળથી ચૂંટણી જીતી શકાય છે. માત્ર પોતાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર આવે તેને બદલે સાચા અર્થમાં લોકો સુધી કેન્દ્ર અને

એપ્રિલમાં બોર્ડ-નિગમમાં નિમણૂકો પછી જાહેરાત

સૂત્રોનાંં જણાવ્યા પ્રમાણે, ભાજપમાં આગામી એપ્રિલ મહિનાની શરૂઆતમાં બોર્ડ અને નિગમોમાં નિમણૂકો થશે. 12 જેટલા બોર્ડ-નિગમમાં 100થી 150 જેટલા ચેરમેન અને ડીરેક્ટરોની નિમણૂકોને પણ આખરી ઓપ અપાઇ રહ્યો છે. તે જોતાં એપ્રિલનાં બીજા વીકમાં ચૂંટણી જાહેર થઇ શકે છે. જો આમ થાય તો આપ અને કોંગ્રેસ ઊંઘતા ઝડપાય કેમ કે બંનેને માત્ર 45 દિવસ જ મળે. જેની સામે ભાજપ લડવા માટે પેજ સમિતિઓ સાથે તૈયાર છે.

ચાર રાજ્યોના વિજયનો ફાયદો, પેજ સમિતિઓ તૈયાર, નિમણૂકો પણ પૂર્ણ

  • આ વિશે જાણકારોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપમાં પાર્લામેન્ટરી બોર્ડ અને કોર કમિટીની નિમણૂકો ક્યારનીય થઇ ગઇ છે. આ સાથે જ છેલ્લા બે માસમાં સમગ્ર રાજ્યમાં સી.આર. પાટીલે પેજ સમિતિઓનું કાર્ય પૂર્ણ થાય તે માટે ખૂબ જ દબાણ કર્યું છે. રાજકોટનાં એક પ્રોગ્રામમાં તો તેમણે મંત્રીને આ મુદ્દે જાહેરમાં ટકોર કરી હતી.
  • આ સિવાય છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં ભાજપે ખૂબ જ કાર્યક્રમો આપ્યા છે જેથી કાર્યકર્તાઓનો ઉત્સાહ ખૂબ છે. સાથે જ ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોનાં પરિણામ પછી તે ઉત્સાહમાં વધારો થયો છે. આ ઉત્સાહ અને કોંગ્રેસ-આપની નિષ્ક્રિયતાને ધ્યાને લેતાં જો વહેલી ચૂંટણી આવે તો ભાજપને ભવ્ય વિજય મળે તેમ છે. આ સંજોગોમાં મેનાં અંતમાં ચૂંટણી આવે તે શક્યતાઓ જોવાઇ રહી છે.