પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો થયો, પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 103ને પાર થઈ

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારાનું વલણ યથાવત રહ્યું છે. આજે પણ સરકારે પેટ્રોલ અને ડીઝલમાં લિટર દીઠ અનુક્રમે 80 પૈસા અને 82 પૈસાનો વધારો જાહેર કર્યો છે. આ સાથે પેટ્રોલ બાદ હવે ટૂંક સમયમાં ડીઝલના ભાવ પણ રૂપિયા 100ની સપાટીને કુદાવી દે તેવી પ્રબળ સંભાવના છે. આ સાથે પેટ્રોલ અને ડીઝલમાં અનુક્રમે રૂપિયા 6.36 અને ડીઝલમાં રૂપિયા 6.58નો વધારો થયો છે.

સતત ભાવ વધતા પેટ્રોલ રૂપિયા 103ને પાર થયું

પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે પેટ્રોલના ભાવ ફરી રૂપિયા 103 પ્રતિ લિટરની સપાટી પાર કરી ગયા છે. ગુજરાતમાં પાંચ મહિના અને 23 દિવસ બાદ ફરી પેટ્રોલના કિંમતે સેન્ચુરી લેવલ ક્રોસ કર્યું છે. અગાઉ 7 ઓકટોબર 2021ના રોજ પેટ્રોલમાં રૂપિયા 100નો ભાવ થયો હતો. ગત દિવાળીએ કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સમાં ઘટાડો કરતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હાલમાં થયેલા ભાવ વધારાના કારણે સરકારે જે રાહત આપી હતી તે અત્યારની સ્થિતિએ અડધી થઈ ગઈ છે.

ગુજરાતનાં ચાર મહાનગરમાં પેટ્રોલના ભાવ (રૂપિયામાં)

તારીખઅમદાવાદરાજકોટસુરતવડોદરા
22 માર્ચ95.9195.6795.7895.57
23 માર્ચ96.7196.4796.5896.37
24 માર્ચ96.7196.4796.5896.37
25 માર્ચ97.5097.2697.3897.96
26 માર્ચ98.2998.0698.1797.96
27 માર્ચ98.7998.5598.6798.46
28 માર્ચ99.0998.8598.9798.76
29 માર્ચ99.8899.6599.7699.55
30 માર્ચ100.68100.45100.56100.35
31 માર્ચ101.48101.24101.35101.14
02 એપ્રિલ102.27102.03102.14101.92
03 એપ્રિલ103.07102.83102.94102.72

ગુજરાતનાં ચાર મહાનગરમાં ડીઝલના ભાવ (રૂપિયામાં)

તારીખઅમદાવાદરાજકોટસુરતવડોદરા
22 માર્ચ89.9589.7289.8489.61
23 માર્ચ90.7790.5490.6690.43
24 માર્ચ90.7790.5490.6690.43
25 માર્ચ91.5991.3791.4891.25
26 માર્ચ92.4192.1992.3192.08
27 માર્ચ92.9892.7692.8792.64
28 માર્ચ93.3493.1293.2393
29 માર્ચ94.0693.8493.9593.72
30 માર્ચ94.8894.6694.7794.54
31 માર્ચ95.7095.4895.6095.37
02 એપ્રિલ96.5396.3196.4396.20
03 એપ્રિલ97.3597.1397.2597.02

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનું દૈનિક અઢી કરોડ લિટરનું વેચાણ

ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ કહ્યું હતું કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. ભાવ વધવા છતાં ઈંધણના વેચાણમાં કોઈ અસર હજુ સુધી આવી નથી.

ક્રૂડમાં આવેલી તેજીને પગલે ભાવવધારો જરૂરી બન્યો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના પગલે વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ બેરલદીઠ 118 ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા. બંને દેશ વચ્ચે હાલ તણાવ ઓછો થયો છે તેમ છતાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર આસપાસ ચાલી રહ્યા છે. આ બધાને પગલે પેટ્રોલ અને ડીઝાલમાં ભાવ વધારવા પડે એવી સ્થિતિ બની છે. ચૂંટણી હોવાને કારણે ચાર મહિના સુધી ભાવ વધ્યા નહોતા અને હવે જો ભાવ ન વધારવામાં આવે તો પેટ્રોલિયમ કંપનીઓને મોટી નુકસાની વેઠવી પડે તેમ છે.

ઓઇલ કંપનીઓને રૂ. 19 હજાર કરોડનું નુકસાન

મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસના રિપોર્ટ મુજબ, ભારતમાં ટોપ ફ્યૂલ રિટેલર્સ IOC, BPCL અને HPCLને નવેમ્બરથી માર્ચ વચ્ચે લગભગ 2.25 અબજ ડોલર (19 હજાર કરોડ રૂપિયા)ની રેવન્યુનું નુકસાન થયું છે. કંપનીએ ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થયો હોવા છતાં 4 નવેમ્બર, 2021થી 21 માર્ચ 2022 વચ્ચે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. નવેમ્બરમાં ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 80 ડોલર પ્રતિ બેરલ હતી, જે હવે વધીને 110 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.