પેટ્રોલ-ડીઝલ 15 દિવસમાં 9 રૂપિયાથી વધુ મોંઘુ થયું, સરકારે કહ્યું- અમેરિકા અને UKની સરખામણીમાં ભાવ ઓછા વધ્યા છે

  • 3 વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાંથી કેન્દ્ર સરકારે 8 લાખ કરોડની કમાણી કરી
  • નૂર ભાડુ 16% વધવાની શક્યતા

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વિષય પર આજે સંસદમાં સવાલ કરવામાં આવ્યો તો પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જવાબમાં તેની સરખામણી અમેરિકા અને બ્રિટનમાં વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ સાથે કરી. તેમણે કહ્યું મારા મત મુજબ ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો છેલ્લા બે સપ્તાહમાં 5 ટકા વધી છે. તેની કિંમતમાં વધારો માત્ર ભારતમાં જ થયો નથી. એપ્રિલ 2021થી માર્ચ 2022 સુધી પેટ્રોલની કિંમત અમેરિકામાં 51 ટકા, કેનેડામાં 52 ટકા, જર્મનીમાં 55 ટકા, બ્રિટનમાં 55 ટકા, ફ્રાન્સમાં 50 ટકા અને સ્પેનમાં 58 ટકા વધી છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલ 15 દિવસમાં 9 રૂપિયાથી વધુ મોંઘુ થયું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓથી લઈને સામાન્ય લોકો સુધી તમામને અસર થઈ છે. જે દરે ઇંધણના ભાવ વધી રહ્યા છે તેની સીધી અસર બજાર પર પડી છે. છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ 9 રૂપિયા 16 પૈસા મોંઘુ થયું છે. બજારની બાબતો સાથે સંકળાયેલા નિષ્ણાતો અને વેપારીઓનું કહેવું છે આની સીધી અસર નૂર ભાડા પર પડશે અને તે 16% સુધી વધી શકે છે.

મધ્ય પ્રદેશ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ભોપાલના પ્રમુખ જસવીર સિંહનું કહેવું છે કે પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારાને કારણે માલભાડામાં 16%નો વધારો થશે. જો એમ થશે તો મોંઘવારીનો બોજ સામાન્ય માણસ પર વધશે.

પરિવહન અને કૃષિ ક્ષેત્રમાં ડીઝલનો સૌથી વધુ વપરાશ

ભારતમાં ડીઝલનો સૌથી વધુ વપરાશ ટ્રાન્સપોર્ટ અને એગ્રીકલ્ચર સેક્ટરમાં થાય છે. જ્યારે ભાવ વધે છે ત્યારે આ બે ક્ષેત્રોને સૌથી વધુ અસર થાય છે. ડીઝલના ભાવ વધારાને કારણે ખેતરથી તેને માર્કેટમાં લઈ જવું મોંઘુ થઈ ગયું છે. તેનાથી સામાન્ય માણસ અને ખેડૂત બંનેનું બજેટ બગડી શકે છે.

સામાન્ય માણસ પર સીધી અસર

નિષ્ણાતોના મતે, જો પરિવહન 16% મોંઘું થશે, તો ઓછામાં ઓછા પરિવહનના ખર્ચના હિસાબે ચીજ-વસ્તુઓના ભાવ પણ વધશે. ઉદાહરણ તરીકે, ધારો કે 1 ક્વિન્ટલ ઘઉંને બજારમાં પહોંચાડવા માટે પહેલા 100 રૂપિયાનો ખર્ચ થતો હતો, પરંતુ ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાને કારણે તે 116 રૂપિયા થઈ જશે. આ વધેલા 16 રૂપિયા સામાન્ય માણસ પાસેથી જ વસૂલવામાં આવશે. જેના કારણે ઘઉંના ભાવ 1.5% વધશે. આવી જ અસર અન્ય માલસામાન પર પણ જોવા મળશે.

કિંમતોમાં વધારાને કારણે પેસેન્જર વાહનોના ભાડામાં પણ વધારો થઈ શકે છે

રિટાયર્ડ ટ્રાન્સપોર્ટ કમિશનર શૈલેન્દ્ર શ્રીવાસ્તવનું કહેવું છે કે વૈશ્વિક અસરને કારણે ઈન્ટરનેશનલ માર્કેટ પર અસર થઈ છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારા સાથે, મોટર વાહનોના કિસ્સામાં ભાડાના દરો વધશે. પેસેન્જર ટ્રેનોમાં પણ ભાડું વધી શકે છે, પરંતુ આ માટે સરકારની પરવાનગી જરૂરી હોય છે.

સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ ઘટાડતી નથી ?

દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની કિંમત 103.81 રૂપિયા છે. જેમાં કેન્દ્ર સરકાર રૂ. 27.90ની એક્સાઇઝ ડ્યુટી અને રૂ. 17 રાજ્ય સરકાર વેટ વસૂલ કરે છે. એ જ રીતે ડીઝલની કિંમત પ્રતિ લિટર રૂ. 95.07 છે. જેમાં 21.80 કેન્દ્ર અને રૂ. 14 રાજ્ય સરકારને જાય છે. દેશના અન્ય ભાગોમાં પણ પેટ્રોલ અને ડીઝલ પર 50 થી 60% સુધીનો ટેક્સ લાગે છે. પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાવીને સરકાર પોતાની તિજોરી ભરી રહી છે.

3 વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાંથી કેન્દ્ર સરકારે 8 લાખ કરોડની કમાણી કરી

જ્યાં એક તરફ કોરોના મહામારીને કારણે સામાન્ય જનતાની આવક ઘટી રહી છે.તો બીજી તરફ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાવીને તગડી કમાણી કરી છે. છેલ્લા 3 વર્ષમાં જ્યાં એક તરફ પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 1.26 લાખ રૂપિયાથી ઘટીને 99,155 થઈ ગઈ છે. જ્યારે સરકારની એક્સાઈઝ ડ્યુટીથી આવક 2,10,282 કરોડ રૂપિયાથી વધીને 3,71,908 કરોડ પર પહોંચી છે. એટલે કે 3 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ (એક્સાઈઝ ડ્યુટી) લગાવીને સરકારે 8 લાખ કરોડથી વધુની કમાણી કરી છે.

પેટ્રોલ અને ડીઝલ ખરીદવામાં મહિનાના બજેટનો માત્ર 2.4% જ ખર્ચ થાય છે

2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં 4.5% પરિવારો પાસે કાર હતી અને 21% પરિવારો પાસે મોટરસાઇકલ છે. કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે (2011-12) મુજબ, દરેક વ્યક્તિ તેના માસિક બજેટનો માત્ર 2.4% પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પાછળ ખર્ચે છે. એટલા માટે કેટલાક લોકો દાવો કરે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની સીધી અસર સામાન્ય માણસના ઘરના બજેટ પર પડતી નથી.