આખા રાજ્યમાં માત્ર એક જ ડેમમાં 80%થી વધુ પાણી છે બાકીના તમામ જળાશયોમાં ઓછું પાણી છે

  • રાજ્યના 50% જળાશયોમાં 25%થી ઓછું પાણી, કુલ જળસંગ્રહ 50%થી નીચે
  • 95% ઘરોમાં નળજોડાણથી પાણીના દાવા વચ્ચે 6 જિલ્લાનાં 46 ગામોમાં ટેન્કરના 97 ફેરા!
  • ઉત્તર ગુજરાતનાં જળાશયોમાં પાણીનો ઉપયોગમાં લઇ શકાય એવો જથ્થો માત્ર 9 ટકા, નર્મદામાં 53% પાણી
  • હર ઘર જલ મિશન હેઠળ સરકારે છેલ્લાં 3 વર્ષમાં 7 હજાર કરોડથી વધારે ખર્ચ કર્યો

રાજ્યભરમાં બુધવારે હીટવેવનું જોર યથાવત્ રહ્યું હતું. 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી તો અમદાવાદમાં પણ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બુધવારે દેશનાં 33 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ ગરમાી નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ ત્રણ દિવસ આકરી ગરમી રહેશે. 1 મે બાદ ગરમીથી રાહત મળી શકે છે.

રાજ્યમાં હિટ વેવનો કહેર છે. ગરમી વચ્ચે પાણીના પોકાર પણ હવે સંભળાઇ રહ્યા છે. રાજ્યના જળાશયોમાં હવે પાણીનો જથ્થો 50 ટકાથી પણ ઓછો થઇ ગયો છે. ઉત્તર ગુજરાતમાં માત્ર 14 ટકા જળસંગ્રહ છે જેમાંથી લાઇવ સ્ટોરેજ માત્ર 9 ટકા જ છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં 5 ટકા કરતાં પણ ઓછું લાઇવ સ્ટોરેજ છે. મધ્ય ગુજરાતમાં 44 ટકા જ્યારે કચ્છમાં 19 ટકા તો સૌરાષ્ટ્રના જળાશયોમાં 37 ટકા પાણી છે. રાજ્યના કુલ જળાશયોમાંથી 50 ટકા જળાશયોમાં 25 ટકાથી પણ ઓછું પાણી છે.

ક્યાં કેટલી ગરમી

શહેરડિગ્રી
સુરેન્દ્રનગર44
અમદાવાદ44.2
અમરેલી43.5
ભુજ43.2
ગાંધીનગર43
રાજકોટ42.5
વડોદરા41.8
વ.વિદ્યાનગર41.3
ડીસા41.2
વડોદરા41
કંડલા પોર્ટ40
વલસાડ37

સમગ્ર રાજ્યમાં માત્ર એક જ જળાશયમાં 90 ટકાથી વધારે જળસંગ્રહ છે. 50 જળાશયોમાં 10 ટકાથી પણ ઓછું પાણી છે. બીજી તરફ, રાજ્યના 6 જિલ્લાના 13 તાલુકાઓના 46 ગામોમાં 26 ટેન્કર દ્વારા 97 ફેરા કરવામાં આવી રહ્યા છે. કચ્છના 6 તાલુકાના 28 ગામોમાં ટેન્કરના 52 ફેરા થઇ રહ્યા છે. રાજ્યના 95 ટકા ઘરોમાં ઘરઆંગણે નળજોડાણથી પાણી મળી રહ્યું હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યાં ટેન્કરના સૌથી વધારે ફેરા થાય છે એ કચ્છ જિલ્લો નળજોડાણથી 100 ટકા આવરી લેવાયો હોવાનું સરકાર કહે છે.

સૌરાષ્ટ્રમાં 37%, મધ્ય ગુજરાતમાં 44% જળસંગ્રહ

ઝોનકુલ ડેમસંપૂર્ણ ભરેલાજળસંગ્રહ
ઉત્તર ગુજરાત15014.83%
મધ્ય ગુજરાત17044.17%
દક્ષિણ ગુજરાત13060.52%
સૌરાષ્ટ્ર141037.42%
કચ્છ20019.85%
સરદાર સરોવર153.35%
કુલ207049.95%

કચ્છનાં 28 ગામોમાં ટેન્કરના 52 ફેરા

જિલ્લોતાલુકાગામટેન્કરફેરા
બનાસકાંઠા39519
મોરબી1111
રાજકોટ14211
સુરેન્દ્રનગર1213
કચ્છ6281552
દે. દ્વારકા12211
કુલ13462697

માત્ર 8 જળાશયોમાં 70%થી વધારે પાણીનો જથ્થો

ડેમમાં જળસંગ્રહસંખ્યા
90 ટકાથી વધારે1
80થી 90 ટકા વચ્ચે0
70થી 80 ટકા વચ્ચે7
25 ટકાથી નીચે98
10 ટકાથી નીચે50

રાજ્યના 16 જિલ્લાના તમામ ઘરોને આંગણે પાણીનો દાવો

જલ જીવન મિશન ડેશબોર્ડની માહિતી મુજબ, છેલ્લાં 3 વર્ષમાં જલ જીવન મિશન હેઠળ રૂ. 7 હજાર કરોડનો ખર્ચ કરાયો છે. રાજ્યના 33માંથી 16 જિલ્લાઓના તમામ ઘરો ઘરઆંગણે નળજોડાણથી આવરી લેવામાં આવ્યાં છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 91.77 લાખ ઘરોમાંથી 87 લાખ ઘરો નળજોડાણથી આવરી લેવાયેલાં છે.