હવે ડોક્ટર, એન્જિનિયર ભૂલી જાઓ; વિદેશમાં જઈને એનિમેશન, સાઇકોલોજી, સ્ટોક માર્કેટ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટના કોર્સ કરીને કમાણી કરો

  • ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે કેનેડા હોટ ફેવરિટ, યુકે અને ઓસ્ટ્રેલિયા તરફ પણ સ્ટુડન્ટ્સનો પ્રવાહ

ગુજરાતી સ્ટુડન્ટ્સ હવે ગ્લોબલી છવાઈ રહ્યા છે. ગુજ્જુ સ્ટુડન્ટ્સ માટે ઈન્ડિયામાં અભ્યાસ કરવાની તકો સારી જ છે, પણ અભ્યાસ કર્યા પછી મહેનત મુજબ કમાણી થતી નથી. આ કારણથી ગુજરાતી સ્ટુડન્ટ્સનો પ્રવાહ વિદેશ તરફ ધસમસી રહ્યો છે. વિદેશમાં જવાનાં ત્રણ મુખ્ય કારણ છે. બ્રાઈટ ફ્યુચર બને. મહેનત મુજબ પૈસા મળે અને સ્ટેટસ પણ ગણાય. પહેલાં તો એવું હતું કે ગુજ્જુ સ્ટુડન્ટ્સના ટિપિકલ ગુજ્જુ પેરેન્ટ્સ બે દિશામાં જ વિચારતા. કાં તો એનો દીકરો કે દીકરી ડોક્ટર બને, કાં તો એન્જિનિયર બને. આનાથી વિશેષ પેરેન્ટ્સ વિચારતા નથી, આજે પણ વિચારી શકતા નથી, પણ આજની જનરેશન પેરેન્ટ્સ કરતાં વિચારવામાં બે સ્ટેપ આગળ છે. વિદેશમાં કઈ પ્રકારના કોર્સ થાય છે. ભણતાં-ભણતાં કમાણી કરી શકાય છે, આ બધી જ તેમને ખબર છે અને હવે આજની જનરેશન પોતાનો રસ્તો બનાવતા શીખી ગઈ છે.

વિદેશમાં નવી ફેકલ્ટીઝ એક્સપ્લોર થવા લાગી છે

અત્યારસુધી એવો ટ્રેન્ડ હતો કે વિદેશમાં મેડિકલ અને એન્જિનિયરિંગ ફિલ્ડ વધારે એક્ટિવ હતાં, પણ હવે નવી ફેકલ્ટીઝ એક્સપ્લોર થઈ છે અને ગુજરાતના સ્ટુડન્ટ એ તરફ વળવા લાગ્યા છે. એબ્રોડ એજ્યુકેશનની ઈન્સ્ટિટ્યૂટ ચલાવતા ડાયરેક્ટર્સ પાસેથી આ નવી ફેકલ્ટીઝના એક્સપ્લોર વિશે જાણવા મળ્યું.

હિતેશ પટેલે કહ્યું, સૌથી વધારે ક્રેઝ કેનેડા અને યુ.કે.નો છે. આવતા વર્ષે સૌથી વધારે સ્ટુડન્ટ યુકે તરફ જશે એ નક્કી. ફોરેન કંટ્રીઝમાં ખાસ કરીને હેલ્થકેર રિલેટેડ કોર્સ તરફ સ્ટુડન્ટનો જોરદાર ફ્લો છે. હેલ્થકેર બૂમિંગ પર છે. તો દીપ્તિમાન બેહેરા કહે છે, અત્યારે જે ટ્રેન્ડ જોવા મળે છે એ STEM-સ્ટેમનો છે. સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, સાથેસાથે ડેટા સાયન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, સાયબર સિક્યોરિટીઝ, ગેમિંગ પણ નવી ફેકલ્ટી એક્સપ્લોર થઈ છે, કારણ કે આ ફ્યુચરિસ્ટિક છે અને આઉટકમ પણ સારં હોય છે. ઓસ્ટ્રેલિયામાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો કોર્સ સાત વર્ષથી થાય છે. અત્યારે ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ નવું સેગમેન્ટ છે. અજિત મકવાણાનું કહેવું છે, ગુજરાતના સ્ટુડન્સ સૌથી વધુ કેનેડા અને યુકેની ઈન્કવાયરી કરે છે. આઈટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, નર્સિંગ, હેલ્થકેર મેનેજમેન્ટ તરફ પણ વળ્યા છે. આ બધી એવી ફેકલ્ટીઝ છે જે સ્ટુડન્ટને વિદેશમાં શ્યોર શોટ સેટલ કરે છે.

રાજેન પટેલ કહે છે, કેનેડા તરફ સ્ટુડન્ટનો ફ્લો વધારે હોવાનું કારણ એક જ છે કે એ મોસ્ટ વેલકમિંગ કેન્ટ્રી છે. સ્ટુડન્ટને વર્ક વિઝા અને પછી થોડા સમયમાં પીઆર મળી જાય છે. હવે તો જનરલ મોટર્સથી લઈને આઈટીની ઈન્ટરનેશનલ કંપનીઓ પણ કેનેડામાં હેડક્વાર્ટર બનાવી રહી છે. આઈટીની સાથે-સાથે ઓટોમોબાઈલ સેગમેન્ટ મોટું છે, જેમાં ઓપોર્ચ્યુનિટી વધારે છે. બીજા દેશો કરતાં કેનેડામાં ઓછી ફીમાં સ્ટુડન્ટ એજ્યુકેશન પૂરું કરી લે છે. સિદ્ધાર્થ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે કેનેડા અને યુકે ટોપમાં ચાલી રહ્યા છે. અમુક સ્ટુડન્ટ એવા છે, જેનું ફોકસ માત્ર ને માત્ર અમેરિકા જ છે તેની ક્વેરી પણ સારીએવી છે. નવાં ફિલ્ડસ્ પણ ડેવલપ થયાં છે, જેમ કે બિઝનેસ એનાલિટિક, ડિજિટલ માર્કેટિંગ, ફાઇનાન્શિયલ એનાલિટિક્સ. આ સિવાય સાઇકોલોજીનો કોર્સ કરવાની ઈન્કવાયરી થાય છે, કારણ કે ઘણા સ્ટુડન્ટને સાઇકોલોજીનો કોર્સ કરીને ત્યાં કાઉન્સેલર બનવું છે. યુઆઈ-યુએક્સ ડિઝાઈનર તરીકે ઘણી કંટ્રીસમાં ઓપોર્ચ્યુનિટીસ છે.

ઉપેન્દ્ર પટેલ કહે છે, આપણે ત્યાં CA કોર્સ થાય છે એ રીતે વિદેશમાં CFS કોર્સ થાય છે. આ કોર્સ કરીને ચાર્ટર્ડ એનાલિસ્ટ, શેરબ્રોકર તરીકે બીજા દેશમાં સારા પેકેજથી જોબ મળે છે. આવા કોર્સનો ટ્રેન્ડ બહુ છે.