- ગુજરાતમાં 52 વૃક્ષો રક્ષિત જાહેર કરાયા છે, તેની દેખભાળ માટે વનવિભાગે સ્ટાફ ફાળવ્યો છે
18 એપ્રિલનો દિવસ એટલે વર્લ્ડ હેરિટેજ ડે. હેરિટેજ શબ્દ આપણા કાને અથડાય એટલે જૂની-પુરાણી ઈમારતો, કિલ્લા માનસપટ પર તરવા લાગે. હેરિટેજને આપણે ત્યાં જૂની ઈમારત પૂરતો સિમિત શબ્દ બનાવી દેવાયો છે. પણ એવું નથી. હેરિટેજનો સીધો સરળ અર્થ છે વારસો. આ વારસો કોઈપણ રૂપે હોઈ શકે. એ તળાવ હોઈ શકે, એ નદી હોઈ શકે, એ વૃક્ષો પણ હોઈ શકે. જી હા, વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ગુજરાતના હેરિટેજ વૃક્ષોની વાત કરવાની છે. બાળકોને પણ આ વાતની જાણકારી હોવી જરૂરી છે. ખાસ તો હેરિટેજ શબ્દનો વ્યાપક અર્થ સમજવાની પણ એટલી જ જરૂર છે.

ગુજરાતમાં ક્યા અને કેટલા હેરિટેજ વૃક્ષ છે ?
એક વર્ષ પહેલાં, એપ્રિલ 2021માં ગુજરાત સરકારે રાજ્યના 52 વૃક્ષોને હેરિટેજ જાહેર કર્યા. જેમાં ભરૂચમાં 1, ગાંધીનગરમાં 2, તાપીમાં 3, સાબરકાંઠામાં 3, વડોદરા જિલ્લામાં 6, નવસારીમાં 3, સુરતમાં 1, જૂનાગઢમાં 6, ભાવનગરમાં 1, નર્મદામાં 4, વલસાડમાં 2, દાહોદમાં 2, નડીયાદમાં 3, મહેસાણામાં 3, સુરેન્દ્નનગરમાં 1, ડાંગમાં 6 અને પંચમહાલમાં 2, તથા અમદાવાદ, બનાસકાંઠા અને પાટણમાં એક-એક હેરિટેજ વૃક્ષ છે.

હેરિટેજ ટ્રી એટલે શું ?
જે વૃક્ષોને હેરિટેજ જાહેર કરાયા છે તે વૃક્ષો તે હેરિટેજ ઈમારતની જેમ મૂલ્યવાન અને રક્ષિત જ ગણાય. રક્ષિત એટલે સરકારી મિલકત. હેરિટેજ જાહેર થયેલા વૃક્ષને સરકારની પરવાનગી વગર કાપી શકાય નહીં. કાપો તો બહુ કઠીન સજાની જોગવાઈ છે. કાપવાની વાત તો દૂર, આવા વૃક્ષ ફરતે બાંધકામ ન થઈ શકે. થડમાં ખીલી પણ ન લગાવી શકાય. આ વૃક્ષોને નુકસાન ન પહોંચે એટલે તેનું ધ્યાન રાખવા સરકારે વનવિભાગ હસ્તક ગાર્ડ નિમ્યા હોય છે. જે સમયાંતરે વૃક્ષની તપાસ કરે. ગામના લોકો આ વૃક્ષોનું મહત્વ સમજે એ માટે શિબિરો યોજીને સમજ અપાય છે. ગ્રામ પંચાયત અને સ્થાનિક ગ્રામજનોનો સંપર્ક કરી સંરક્ષણ માટે માહિતગાર પણ કરાય છે.

ઝાડ હેરિટેજ છે તે કેવી રીતે નક્કી થાય છે ?
વન વિભાગ દ્વારા મહત્વના વૃક્ષોની યાદી તૈયાર થાય છે પછી એક્સપર્ટ પેનલ દ્વારા વૃક્ષોના માપદંડ નક્કી થાય છે. જેમ કે, સૌથી મોટું વૃક્ષ, સૌથી વધારે આયુષ્ય ધરાવનાર વૃક્ષ, અસામાન્ય વૃક્ષ… આ પ્રકારની વ્યાખ્યામાં બંધ બેસતા વૃક્ષોને હેરિટેજ જાહેર કરવામાં આવે છે. સદીઓથી અડીખમ ઊભેલું વૃક્ષ પણ હેરિટેજ ગણાય.

મહત્વના હેરિટેજ વૃક્ષો
લીમખેડા તાલુકાના જૂના વડિયા ગામના ખાંડીવાવ ફળિયામાં આવેલું શેમળાનું વૃક્ષ દાહોદનું ‘વડીલ’ છે. તેનો કુલ ઘેરાવો 10.8 મીટરનો છે. પડછંદ કાયા ધરાવતા ચારેક વ્યક્તિ માનવ સાંકળ રચે ત્યારે તેનું થડ માપી શકાય! શેમળાની ઊંચાઇ 35 મીટર અંદાજવામાં આવી છે. બીજા શબ્દોમાં કહી તો શેમળાનું આ વૃક્ષ ત્રણચાર માળના એપાર્ટમેન્ટ જેટલું ઊંચું છે. આ વૃક્ષની ઉંમર 200 વર્ષથી વધુ હોવાનો અંદાજ છે.
ભાયલી પાસે આવેલા ગણપતપુરા ગામમાં 900 વર્ષ જૂનું 16.50 મીટર ઘેરાવો ધરાવતું બાઓબાબનું વૃક્ષ આજે પણ અડીખમ ઊભું છે. તેનું થડ એટલું પોલું હોય છે કે તેમાં 10થી 15 હજાર લીટર પાણી સમાઈ શકે ! બાઓબાબનું વૃક્ષ ગુજરાતમાં ‘રૂખડો’, ‘ગાંડું ઝાડ’, ‘ભૂતિયું ઝાડ’ નામથી ઓળખાય છે. ભરૂચમાં નર્મદા નદીની વચ્ચે ટાપુ પર કબીરવડ નામનો વિશાળ વડલો છે. આ સ્થળે સંત કબીરનું મંદિર છે. સંત કબીર દ્વારા નંખાયેલી દાતણની ચીરીમાંથી આ વડ ઉગ્યો હોવાની વાયકા છે. આ વડ 300 વર્ષ જુનો છે અને તેનો ફેલાવો 3 કિલોમીટર સુધી છે. એક હજારથી વધારે માણસો આ વૃક્ષ નીચે બેસી શકે છે ! હવે વાત કરીએં, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નારોલી ગામે આવેલા તુલસીની. સવાલ એ થાય કે આ તુલસીમાં એવું તે શું છે કે તેને હેરિટેજ યાને રક્ષિત જાહેર કરવું પડ્યું. લોકવાયકા એવી છે કે, આ તુલસી મહાભારતકાળનાં છે અને માતા કુંતિએ તે વાવ્યાં હતાં. આ તો લોકવાયકાની વાત થઈ પણ સાયન્ટિફિક રિઝન એવું છે કે, તુલસીના રોપ હોય-છોડ હોય. પણ નારોલી ગામે તુલસીનું વૃક્ષ છે. સામાન્ય રીતે તુલસી વૃક્ષના રૂપમાં ન હોય, પણ અહીંયા છે. જમીનથી આ વૃક્ષ 11 ફૂટ ઊંચું છે.
ગુજરાતમાં ક્યા 52 હેરિટેજ વૃક્ષો છે તેની વિગતો અંતીમ ભાગમાં અપાઈ છે પણ એ પહેલાં કેટલાંક રક્ષિત વૃક્ષોની વિશેષતાની સંક્ષિપ્ત વિગતો ગ્રાફિક્સમાં જાણીએ…






ગુજરાતના 52 હેરિટેજ વૃક્ષોની યાદી
જિલ્લો | હેરિટેજ વૃક્ષ | સ્થળ |
ભરૂચ | કબીર વડ | માંગલેશ્વર |
ગાંધીનગર | કંથારપુર વડ | કંથાર, તા. દહેગામ |
તાપી | ઘાટા વડ | ઘાટા, તા. વ્યારા |
તાપી | બહેડા | સાંઢકુંવા, તા. સોનગઢ |
તાપી | મહુડો | કાલાઘાટ, તા. સોનગઢ |
સાબરકાંઠા | રાણા પ્રતાપ વડ | ખોખા, તા. વિજયનગર |
સાબરકાંઠા | રૂખડો | ચિતરીયા પાલ, તા. વિજયનગર |
સાબરકાંઠા | પીપળો | વિરેશ્વર મંદિર, તા. વિજયનગર |
વડોદરા | વડ | વડોદરા શહેર |
વડોદરા | બહેડો | ટુંડવા, તા. છોટા ઉદેપુર |
વડોદરા | બહેડો | કેવડી ફોરેસ્ટ, તા. છોટા ઉદેપુર |
વડોદરા | સાગ | ટુંડવા, તા. છોટા ઉદેપુર |
વડોદરા | મહુડો | ચીસાડીયા, તા. છોટા ઉદેપુર |
વડોદરા | રૂટલેસ વડ | હાંફેશ્વર મહાદેવ મંદિર, તા. કવાંટ |
નવસારી | દાંડી વડ | દાંડી |
નવસારી | રેઇન ટ્રી | વાંસદા |
નવસારી | શિવલિંગી | બીલીમોરા, ગણદેવી |
સુરત | રૂખડો | એલ.પી. સવાણી રોડ |
જૂનાગઢ | રૂખડો | હુસેનબાદ, તા. માંગરોળ |
જૂનાગઢ | કડાયા | બાબરિયા રેન્જ-ગીર જંગલ |
જૂનાગઢ | બોરડી | સાપનેસ ફોરેસ્ટ બીટ, ગીર જંગલ |
જૂનાગઢ | જોધા આંબલી | ગીર જંગલ પશ્ચિમ વિભાગ |
જૂનાગઢ | મહોગની | મઘડી બાગ, જૂનાગઢ યુનિવર્સિટી |
જૂનાગઢ | બોરસલ્લી | મઘડી બાગ, જૂનાગઢ યુનિવર્સિટી |
ભાવનગર | રૂખડો | પાલીતાણા |
નર્મદા | આંબો | દુર્વા ગામ |
નર્મદા | આંબો | પિપલોદ રેન્જ |
નર્મદા | શેમળો | તરાવ નદી કિનારે, તા.ડેડીયાપાડા |
નર્મદા | બહેડો | મોસડા કેમ્પ સાઇટ, તા. ડેડીયાપાડા |
વલસાડ | આંબો | સંજાણ, તા. ઉંમરગામ |
વલસાડ | પીપળો | વલીથા ભાદરવાડ, તા. વાપી |
દાહોદ | શેમળો | જૂના વડિયા, તા. લીમખેડા |
દાહોદ | મહુડો | ચાકલીયા, કગડાખેડી, તા. જાલોદ |
નડિયાદ | લીમડો | કઠલાલ, કપડવંજ |
નડિયાદ | આમળા | ઉતરસંડા |
નડિયાદ | આંબલી | આલવા, તા. કપડવંજ |
મહેસાણા | લીમડો | લુણાવા, જિ. મહેસાણા |
મહેસાણા | રૂખડો | વડનગર |
મહેસાણા | રાયણ | વસઇ, તા. વીજાપુર |
સુરેન્દ્રનગર | લીમડો | ભેયડા, તા. ધ્રાગંધ્રા |
ડાંગ | બહેડો | બારડીપાડા રેન્જ, ડાંગ જંગલ |
ડાંગ | સાદડ | વઘઇ બોટનિકલ ગાર્ડન |
ડાંગ | સાગ | પુર્ણા, બરડીપાડા રાઉન્ડ |
ડાંગ | કલામ | પુર્ણા અભયારણ્ય, બરડાપાડા |
ડાંગ | કિલાઇ | વઘઈ બોટનિકલ ગાર્ડન |
ડાંગ | ઉંભ | બરડીપાડા |
પંચમહાલ | અર્જુન સાદડ | મોરખાખરા જંગલ, તા. ખાનપુર |
પંચમહાલ | હાળદુ | સાતકુન્ડા, તા. સાંતલપુર |
અમદાવાદ | રાયણ | વહેલાલ, તા. દસક્રોઇ |
પાટણ | રાયણ | માતપુર, પાટણ |
ગાંધીનગર | પીલુ | વદડ, તા. દહેગામ |
બનાસકાંઠા | તુલસી | નારોલી, તા. થરાદ |
સંદર્ભ : | – | https://forests.gujarat.gov.in |