નવું વર્ષ, નવો નજારો:85 માળની બિલ્ડિંગ પરથી આવું લાગે અમદાવાદનું કાંકરિયા તળાવ, પહેલીવાર જુઓ ઝગમગતો ડ્રોન વ્યૂ

કાંકરિયા તળાવ એટલે અમદાવાદ જ નહીં ગુજરાતની શાન. પણ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે, જો 85 માળની બિલ્ડિંગ પરથી કાંકરિયા તળાવ કેવું દેખાય? સ્ટેડિયમનો આભાસ કરાવે એવી ઝગમગતી રિંગ અને રોશનીથી ઝબૂકતું શહેર. આ નૂતન વર્ષ નિમિત્તે દિવ્ય ભાસ્કર ડિજિટલ પહેલી વાર તમને એ વ્યૂ બતાવે છે. આ વ્યૂને જોતાં પહેલી નજરે જ તેના પર પ્રેમ થઈ જાય.

850 ફૂટ ઊંચેથી આ વ્યૂ લીધો

કાંકરિયાનો આવો વ્યૂ તમે ક્યારેય નહીં જોયો હોય. આ મનોરમ્ય વ્યૂ કેપ્ચર કરવા માટે અમારી ટીમે લગભગ 850 ફૂટ ઊંચું ડ્રોન ઉડાડ્યું હતું. અડધો કલાક ડ્રોન ઉડાડીને આ વ્યૂ કેપ્ચર કરવામાં આવ્યો હતો.

નગીના વાડી જાણે દીવડાઓની જેમ ઝગમગે

રંગબેરંગી લાઈટિંગ્સથી રાત્રે સાડા બાર વાગ્યે પણ કાંકરિયા કેવું ચમકી રહ્યું છે તે જોઈ શકાય છે. રાઉન્ડ શેપ અને તળાવની વચ્ચોવચ દીવડાઓની જેમ ઝગમગતી નગીના વાડી. આ દૃશ્યો સૌ કોઈના મન મોહી લે છે.

રાત્રે સાડા બાર વાગ્યે પણ રોડ ધમધમતાં

કાંકરિયાની સાથેસાથે આખું મણિનગર અને તેની આસપાસના વિસ્તારો જોઈ શકાય છે. ખુલ્લો BRTS રૂટ અને અડધી રાતે પણ ધમધમતાં રસ્તા. એ બતાવે છે કે, શહેરની શાન તો ખરેખર આ જ છે. આ વીડિયો જોઈને એક અમદાવાદીની જ નહીં દરેક ગુજરાતીની છાતી ગજગજ ફુલે.

Article credit: divyabhaskar.co.in