નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના CM પદના ઉમેદવાર બનશે, રાજસ્થાનમાં પ્રશાંત કિશોર સાથે થઈ મુલાકાત, અશોક ગેહલોતે ખેલ પાડ્યો

  • રાજસ્થાનમાં અશોક ગેહલોત, પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે બેઠક પણ મળી
  • ચહેરા વગર ચૂંટણી જીતવી અશક્ય: PKની ફોર્મ્યુલા રાહુલ ગાંધીએ સ્વીકારી

ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીના સંકેતો વચ્ચે રાજકીય ઊથલપાથલનો દૌર શરૂ થવા લાગ્યો છે. ખાસ કરીને હાલ નિષ્ક્રિય રહેલી કોંગ્રેસ આગામી દિવસમાં મોટા રાજકીય ધડાકા કરે એવી પૂરી શક્યતા છે. નબળી ગણાતી ગુજરાત કોંગ્રેસ ભાજપને ઘેરવા માટે સ્ટ્રેટેજી ઘડી રહી છે અને એના માટે પૂરેપૂરું ગ્રાઉન્ડ વર્ક પણ કરી લીધું છે. ભાજપને પડકારવા માટે કોંગ્રેસે એક નવો જ રાજકીય દાવ ખેલ્યો છે, જે વિરોધી પક્ષોને પણ ઝટકો આપનારો છે.

ચહેરો રજૂ કરવા પ્રશાંત કિશોરનો આગ્રહ હતો

  • કોંગ્રેસનાં આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરનો આગ્રહ હતો કે ગુજરાતમાં જનતા સમક્ષ એક ભરોસાપાત્ર ચહેરો રજૂ કરવો જરૂરી છે જેના થકી મોટા પાયે ધ્રુવીકરણ થઈને મતો કોંગ્રેસની જોળીમાં આવી શકે. તેના માટે એક ચહેરાની શોધમાં હતી અને એ હવે નરેશ પટેલના રૂપમાં આઇડેન્ટિફાઈ કર્યો છે. આ અંગે રાજસ્થાનમાં અશોક ગેહલોત, પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે બેઠક પણ મળી હતી.

કોંગ્રેસ ચૂંટણી જાહેર થયા પહેલાં જ ચહેરો લઈને જંગમાં ઊતરવા તૈયાર

  • પ્રશાંત કિશોર માને છે કે મુખ્યમંત્રી તરીકે નરેશ પટેલ જ યોગ્ય છે અને જ્ઞાતિ બેલેન્સ કરવા કોઈ ઓબીસી કે આદિવાસી ચહેરાને પણ તેમના સાથીદાર તરીકે રજૂ કરવાની રણનીતિ ઘડી લીધી છે. પ્રશાંત કિશોરની સફળતાનું રહસ્ય તેમણે જ્યાં જ્યાં ચૂંટણી વ્યવસ્થા સંભાળી છે ત્યાં એક ચહેરો તેની પાસે હતો અને આ જ થિયરીના આધારે તેઓ ગુજરાત કોંગ્રેસ માટે ચૂંટણી પહેલાં જ એક ચહેરો લઈને 2022ની જંગમાં ઊતરવા માગે છે. આ આખી ફોર્મ્યુલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મધ્યસ્થીથી ઘડવામાં આવી છે.

15 એપ્રિલ આસપાસ નરેશ પટેલ ધડાકો કરી શકે છે

  • ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રખ્યાત અને લેઉવા પાટીદારોના શ્રદ્ધા કેન્દ્ર એવા ખોડલધામના વડા અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ તેમની રાજકીય ઇનિંગ શરૂ કરવા માટે હાલ એક ‘સર્વે’ કરાવી રહ્યા છે. આ સર્વે બાદ તેઓ 15 એપ્રિલ સુધીમાં રાજકારણમાં જવું કે નહીં એ અંગે નિર્ણય જાહેર કરશે એ સંકેતો વધુ સ્પષ્ટ થયા છે, જેના પરથી કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

રાહુલ ગાંધીએ ફોર્મ્યુલાને મંજૂરી આપી

  • આ ઉપરાંત દેશમાં પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ તરીકે જાણીતા બનેલા અને અનેક રાજયોમાં વિપક્ષને વિજયી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પ્રશાંત કિશોર પણ હવે કોંગ્રેસ સાથે જવા તૈયાર થયા છે. તેઓ ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના સારથિ બનશે. દિલ્હીનાં અનેક મીડિયા સર્કલમાં આ અંગે જબરી ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલ-પ્રશાંત કિશોર બન્ને ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને વિજેતા બનાવવા માટે પ્રયાસ કરશે અને ટૂંક સમયમાં આ જાહેરાત થાય એવી પૂરી શક્યતા સેવાઇ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આ ફોર્મ્યુલાને મંજૂરી પણ આપી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

રાજસ્થાનમાં નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે એક બેઠક મળી હતી

  • ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં રાજસ્થાનમાં નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે એક બેઠક મળી હતી અને એમાં ગુજરાતના રાજકારણના જાણકાર 2017માં કોંગ્રેસને વિજયની નજીક ખેંચી જવામાં સફળ રહેલા પૂર્વ પ્રભારી તથા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ભૂમિકા મહત્ત્વની રહી છે. હવે તેમના શિષ્ય જેવા જ રાજસ્થાન કોંગ્રેસના નેતા ડો.રઘુશર્મા ગુજરાતનું સુકાન સંભાળી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ અને પંજાબમાં ચહેરાથી ચૂંટણીમાં જીત મળી

  • ગત વર્ષે થયેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જી ચહેરો હતાં અને એમાં સફળતા પણ મળી હતી. બીજી તરફ પંજાબમા આમ આદમી પાર્ટીએ અરવિંદ ભગવંત માનનો ચહેરો હતો અને આપને પંજાબમાં સત્તા મળી ગઈ હતી. કોંગ્રેસ પક્ષ ચહેરા વગર જાય તો સફળતા નહીં મળે એ નિશ્ચિત છે. આ સમયે પ્રશાંત કિશોરની ફોર્મ્યુલા કોંગ્રેસના ગળે ઊતરી છે અને નરેશ પટેલને ચહેરો બનાવી ચૂંટણી લડવાનો વ્યૂહ ઘડવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં એ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

ભાજપનો નરેશ પટેલ ફેક્ટર ડિસ્કાઉન્ટ કરવાનો વ્યૂહ

  • ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદાર નેતા નરેશ પટેલને ભાજપમાં ભેળવવા માટેના ભરચક પ્રયાસો છતાં પણ હવે નરેશ પટેલ-હાથમાંથી સરકી ગયા છે તેવો સંકેત મળતાં જ ભાજપે હવે નરેશ પટેલની આશા છોડી દીધી છે. પક્ષનાં ટોચનાં સૂત્રોના જણાવ્યા મુજબ, પક્ષને નરેશ પટેલ ફેક્ટર સામી બાજુ છે એમ માનીને ચૂંટણી લડવાની તૈયારી કરવા જણાવી દીધું છે.

ભાજપે હવે ‘આમંત્રણ’ બંધ કર્યા

  • ભાજપના નેતાઓને હવે ‘આમંત્રણ’ પણ બંધ કરી દેવાની સૂચના આપી છે અને હવે આ ફેકટરને કઈ રીતે ડિસ્કાઉન્ટ કરી શકાય એ જોવા પક્ષના પાટીદાર નેતાઓને જણાવ્યું છે તથા ઓબીસી, આદિવાસી ફેકટર પણ મજબૂત બનાવાશે.