- કોરોના બાદ ડેથ ક્લેમ સેટલમેન્ટમાં 41%નો ઉછાળો
- વીમા કંપનીઓનું પ્રીમિયમ કલેક્શન 8.43% વધ્યું
કોરોનાકાળમાં ભારતમાં 5 લાખથી વધુ લોકોનું મૃત્યુ થયું છે અને તેવી જ રીતે ગુજરાતમાં પણ 10,000થી વધુ લોકો આ મહામારીના કારણે મર્યાનું સરકારી ચોપડે નોંધાયું છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)માં ગુજઅપડેટ્સ રાઇટ ટુ ઇન્ફોર્મેશન (RTI) કરી હતી જેના જવાબમાં જાણવા મળ્યું કે ભારતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારથી લઈને 27 ડિસેમ્બર 2021 સુધીમાં 24 લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓએ કોવિડથી મરનારા 1.89 લાખ લોકોને રૂ. 15,292 કરોડનો ડેથ ક્લેમ ચુકાવ્યો છે.

‘સરેરાશ રૂ. 8 લાખનો ક્લેમ ચૂકવાયો‘
વ્યક્તિગત, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમાં યોજના (PMJJBY) અને ગ્રુપ ઈન્સ્યોરન્સ હેઠળ 1.89 લાખ લોકોને રૂ. 15,292 કરોડના ડેથ ક્લેમ પાસ કરવામાં આવ્યા હતા. આ હિસાબે એક એપ્લિકેશન દીઠ સરેરાશ રૂ. 8 લાખ જેટલી રકમ આપવામાં આવી છે. મહામરીની શરૂઆત બાદ સુપ્રીમ કોર્ટે પણ દરેક ઈન્સ્યોરન્સ કંપનીઓને કોરોનાથી મૃત્યુ થનારા પોલિસી હોલ્ડર્સને ક્લેમ ચૂકવવા માટે નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત ખાનગી જનરલ અને લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓએ કોરોના રક્ષક અને કોરોના કવચ જેવી અલગ અલગ પોલિસી પણ લોન્ચ કરી હતી.
‘સૌથી વધુ ક્લેમ LIC એ પાસ કર્યા‘
IRDAI એ આપેલા આંકડાનું એનાલિસિસ કરતાં સામે આવ્યું કે 24 જીવન વીમા કંપનીઓમાંથી સૌથી વધુ ક્લેમ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) ઓફ ઈન્ડિયાએ પાસ કર્યા છે. કુલ 1.89 લાખ એપ્લિકેશનમાંથી 67,479 ક્લેમ માટે રૂ. 2,458.13 કરોડ LICએ ચુકવ્યા હતા. પાસ થયેલી કુલ એપ્લીકેશન્સમાં 36% અને ચુકવણીમાં 16% હિસ્સેદારી LICની રહી છે. આ સિવાય ખાનગી જીવન વીમા કંપનીઓમાં ICICI પ્રુડેન્શિયલે 15184 ક્લેમ માટે રૂ. 2149.41 કરોડ ચુકવ્યા હતા.

‘23 ખાનગી કંપનીઓએ રૂ. 12,834 કરોડ ચુકવ્યા‘
કોવિડથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને દેશની 23 ખાનગી કંપનીઓએ રૂ. 12,834 કરોડ જેવી માતબર રકમ ચૂંકવી હતી. ICICI પ્રુડેન્શિયલ, SBI લાઈફ જેવી કંપનીઓએ રૂ. 2100 કરોડથી વધારેની રકમના ક્લેમ પાસ કર્યા હતા. સૌથી ઓછો રૂ. 1.71 કરોડનો ક્લેમ સહારા ઈન્ડિયામાંથી પાસ થયો છે. 24 ઈન્સ્યોરન્સ કંપનીઓમાંથી 5 વીમા કંપનીઓના ક્લેમની રકમ રૂ. 1000 કરોડથી વધારે છે. મંજૂર કરવામાં આવેલા કુલ ક્લેમની રકમમાંથી 84% જેવી રકમ ખાનગી કંપનીઓએ ચૂકવી છે.
‘કોવિડના એક વર્ષમાં જ ક્લેમમાં 41% વધારો‘
IRDAI ના વાર્ષિક અહેવાલનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે, સામાન્ય સંજોગોમાં ડેથ ક્લેમ સેટલમેન્ટમાં 8-10%નો વધારો હોય છે તેની સામે ભારતમાં કોરોના આવ્યો ત્યારબાદ જીવન વીમામાં ડેથ ક્લેમની ચુકવણીમાં 41% જેવો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 29,793.87 કરોડના દાવાનું પેમેન્ટ થયું હતું. તેની સરખામણીએ પહેલી લહેર આવી તે વર્ષમાં એટલે કે 2020-21માં રૂ. 41,958.43 કરોડના ક્લેમ સેટલ કરવામાં આવ્યા હતા.
‘કોરોનામાં જીવન વીમાનું વેચાણ વધ્યું‘
લાઈફ ઈન્સ્યોરન્સ કાઉન્સિલના ડેટા મુજબ 2021-22 દરમિયાન એપ્રિલ-ફેબ્રુઆરીના ગાળામાં જીવન વીમા કંપનીઓનું નવા બિઝનેસનું પ્રીમિયમ કલેક્શન રૂ. 2.55 લાખ કરોડ પર પહોંચ્યું છે. 2020-21ના સામાન ગાળા કરતાં આ કલેક્શન 8.43% વધુ છે. પોલિસી વેચાણની સંખ્યા જોઈએ તો ફેબ્રુઆરી 2021 સુધીમાં 2.24 કરોડ પોલિસી વેચાઈ હતી તેની સામે ફેબ્રુઆરી 2022 સુધીમાં 2.31 કરોડ પોલિસીનું વેચાણ થયું છે. આ બતાવે છે કે કોરોના મહામારી બાદ લોકો જીવન વીમા તરફ વધુ સજાગ થયા છે.
વર્ષ | પ્રીમિયમ | પોલિસીની સંખ્યા |
2017-18 | 1.94 | 2.81 |
2018-19 | 2.14 | 2.86 |
2019-20 | 2.59 | 2.89 |
2020-21 | 2.78 | 2.81 |
2021-22* | 2.55 | 2.31 |
*ફેબ્રુઆરી સુધીના આંકડા
પ્રીમિયમ રૂ. લાખ કરોડમાં, પોલિસી સંખ્યા કરોડમાં
સંદર્ભ: લાઈફ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ
‘2020-21માં 21,304 ક્લેમ પાસ કરવામાં આવ્યા‘
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોરોનાથી મૃત્યુ થનારા 21,304 લોકોના પરિવારને રૂ. 1419 કરોડની રકમ ક્લેમ સેટલ કરવામાં આવ્યા હતા. પેન્ડેમીક દરમિયાન IRDAIએ તમામ વીમા કંપનીઓને જીવન વીમા દાવાઓને શક્ય એટલી ઝડપથી પતાવટ કરવાની સલાહ આપી હતી.