મેન્ટર માહી PAKમાં પણ ‘હિટ’:ધોનીને મળવા પાકિસ્તાની ખેલાડી આતુર, પ્રેક્ટિસ એરિયામાં ધોનીને જોઈ શાહનવાઝ ઉત્સાહિત થઈ ગયો; વીડિયો વાઇરલ

T-20 વર્લ્ડ કપ 2021માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે આયોજિત મેચમાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. એવામાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વિરાટ કોહલી એન્ડ ટીમ અજેય રહેવા મેદાનમાં ઊતરશે. આ તમામ સ્પર્ધા પહેલા શુક્રવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન પાકિસ્તાની ખેલાડી જાણે ધોનીને મળવા આતુર હોય એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો બાદ ફેન્સે પાકિસ્તાની પ્લેયર શાહનવાઝને આડે હાથ લીધો હતો. તો ચલો, આપણે આ સમગ્ર ઘટના પર વીડિયો દ્વારા નજર ફેરવીએ

PAK ખેલાડીએ હોટલ તરફ જતા ધોની સાથે ચર્ચા કરી:-
તમને જણાવી દઈએ કે ધોની જ્યારે ઈન્ડિયન ટીમનો પ્રેક્ટિસ સેશન પૂરો થયો ત્યારે તે ગ્રાઉન્ડથી હોટલ તરફ જઈ રહ્યો હતો. એવામાં મેન્ટર માહી પાકિસ્તાની ટીમ જ્યાં પ્રેક્ટિસ કરી રહી હતી એ એરિયામાંથી પસાર થયો હતો. ત્યારે એક પાકિસ્તાની યુવા ખેલાડી ધોનીને જોઈ ઉત્સાહિત થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે PAKનો યુવા ફાસ્ટ બોલર શાહનવાઝ દહાની બાઉન્ડરી લાઈન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે ધોનીને પ્રેક્ટિસ એરિયાની બહાર જતા જોઈને તે ઉત્સાહિત થઈ ગયો હતો. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થયું હોવાનું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

sports image

ફેન્સે મિશ્ર પ્રતિક્રિયા આપી
આ વીડિયો વાઈરલ થયા પછી યુઝર્સે મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન એક યુઝરે કહ્યું હતું કે આ પાકિસ્તાની ખેલાડીમાં તો આત્મસન્માન જેવું કંઈ છે જ નહીં, ધોની એને ભાવ પણ નથી આપી રહ્યો. તો બીજી બાજુ બધા મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ દુનિયાના ખૂણે-ખૂણે હોવાની વાત કરી રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે આ બંને ટીમના ખેલાડી વચ્ચે આ પ્રમાણેનો મેળાપ થતો જોઈને ઘણો આનંદ થાય છે. આવા વધારે વીડિયો હોવા સામે આવવા જોઈએ.

 

મેન્ટર માહી ઈન એક્શન, બેટરને તનતોડ પ્રેક્ટિસ કરાવી
T-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાના મેન્ટર મહેન્દ્ર સિંહ ધોની એક્શનમાં જોવા મળ્યો હતો. ધોની ટીમ ઈન્ડિયાના બેટરને તનતોડ પ્રેક્ટિસ કરાવતો હોય એવી તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

BCCIએ સોશિયલ મીડિયામાં આ તસવીર શેર કરી હતી, જેમાં ધોની થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટના રૂપમાં બેટર્સને પ્રેક્ટિસ કરાવતો નજરે પડ્યો હતો. આ દરમિયાન તેણે બેટરની ભૂલો શોધી તેને ઠપકો પણ આપ્યો હતો.

24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે આયોજિત હાઈવોલ્ટેજ મેચ માટે પાકિસ્તાની ક્રિકેટ ટીમે પોતાના 12 ખેલાડીનાં નામ જાહેર કરી દીધાં છે. તમામ ખેલાડી અંગેની માહિતી કેપ્ટન બાબર આઝમે એક પ્રેસ-કોન્ફરન્સમાં આપી હતી.

સરફરાઝને તક ના મળી
પાકિસ્તાની ટીમે પોતાના 12 ખેલાડીમાં બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આસિફ અલી, હૈદર અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફને સ્થાન મળ્યું છે. ટીમના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદને પણ અંતિમ 12માં સામેલ કરાયો નથી.