મળો, RRR માં અવાજ આપનાર 15 વર્ષની ગુજરાતી સિંગર રાગ પટેલને, ખુદ રાજામૌલીએ પણ તેની ટેલેન્ટના વખાણ કર્યાં

એસ. એસ. રાજામૌલીની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ RRR રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું ધમાકેદાર ઓપનિંગ પણ થયું છે. આ ફિલ્મની શરૂઆત એક છોકરીના ગીતથી થાય છે. આ ગીત અમદાવાદમાં રહેતી 15 વર્ષની રાગ પટેલે ગાયું છે. જેણે દિવ્ય ભાસ્કર સાથે સોંગની જર્ની શેર કરી હતી. રાગની આ બોલિવૂડ જર્ની શબ્દશઃ અહીં અમે રજૂ કરીએ છીએ.

એસ. એસ. રાજામૌલી સાથે રાગ પટેલ.

સવાલઃ આ ગીત કેવી રીતે મળ્યું ?

જવાબઃ મને ગત ઓગસ્ટ મહિનામાં મારા ડેડીએ કહ્યું હતું કે, ફેસબુક પેજ પર RRRની ટીમ એક 12 વર્ષની છોકરીનો અવાજ શોધી રહી છે. ત્યારે મારા ડેડીએ કહ્યું કે, આપણે ત્રણ સોંગ રેકોર્ડ કરીને મોકલી દઈશું. આ પછી અમે વિચાર્યું નહોતું કે, તે લોકો અમને રિસ્પોન્સ આપશે કે નહીં. જે પછી સપ્ટેમ્બર મહિનામાં ફોન આવ્યો. ત્યારે મને કીધું કે, હું સિલેક્ટેડ છું. આ સાંભળી અમે ખૂબ જ શૉક્ડ હતાં. અમે તેમને એવું પૂછ્યું પણ નહીં કે, સોલો સોંગ છે કે, કોરસમાં ગાવાનું છે.? આ પછી તેમણે ટિકિટ મોકલાવી. જે બાદ અમે હૈદરાબાદ ગયા, ત્યારે ખબર પડી કે, આ મારું આખું સોલો સોંગ છે.

સવાલઃ બિગ સ્ક્રિન પર પોતે ગાયેલું સોંગ જોઈને શું ફીલ થયું ?

જવાબઃ જ્યારે RRR મૂવીનું ઓપનિંગ જ મારા સોંગથી થયું તે જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને મેં થિએટરમાં ચીસ જ પાડી હતી. મારા ગીતથી ફિલ્મ શરૂ થઈ તે મારા માટે ખૂબ જ મોટી વાત હતી.

સવાલઃ ગીત માટે સિલેક્શન થયાં પછી અન્ય કોઈ ઓડિશન થયાં હતાં ?

જવાબઃ ઓડિશન અંગે મને ખ્યાલ નથી. કારણ કે, મેં તો વોટ્સએપ થ્રુ મારો ઓડિયો મોકલ્યો હતો. એ લોકોએ કેટલાં સિંગર્સ કન્સીડર કર્યાં હતાં મારી પહેલાં એ મને ખ્યાલ નથી.

સવાલઃ આટલી નાની ઉંમરમાં મારું પહેલું જ ગીત અને એ પણ રાજામૌલીની ફિલ્મમાં એ અંગે શું કહેશો ?

જવાબઃ આટલી યંગ એજે આ સોંગ મને મળ્યું એ મારું નસીબ છે.

સવાલઃ આ સોંગના રેકોર્ડિંગથી રિલીઝ સુધીની જર્ની કેવી રહી ?

જવાબઃ રેકોર્ડિંગ દરમિયાન મેં આખો એક દિવસ એમ. એમ. કીરવાની સર સાથે સ્પેન્ડ કર્યો હતો અને એસ. એસ. રાજામૌલી સર પણ ત્યાં હતાં. એટલે એ મારા માટે ડ્રિમ કમ ટ્રુ હતું કે, આ લોકો સાથે મેં સોંગ રેકોર્ડ કર્યું.

મ્યુઝિક ડિરેક્ટર એમ. એમ. કીરવાની સાથે રાગ પટેલ.

સવાલઃ આ સોંગ ક્યાં રેકોર્ડ કર્યું હતું? અને રેકોર્ડિંગ દરમિયાન ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો હતો ?

જવાબઃ મારા મમ્મી-પપ્પાએ મને પહેલાંથી જ સપોર્ટ કર્યો છે. હૈદરાબાદના એક સ્ટુડિયોમાં આ આખું સોંગ રેકોર્ડ કર્યું હતું.

સવાલઃ આ સોંગ કેટલા ટેકમાં રેકોર્ડ કર્યું? અને સૌથી ટફ લાઇન સિંગિંગમાં કંઈ લાગી ?

જવાબઃ આ સોંગ અમે લાઇનવાઇઝ રોકોર્ડ કર્યું હતું. એટલે જે લાઇન સારી ગવાતી હતી તે પણ ઘણીવાર રીટેક કરવાનું કહેતાં જ હતાં. સોંગમાં કોઈ ટફ લાઇન હોય એવું મને લાગ્યું નહીં, પણ આખું સોંગ ખૂબ સરસ મને લાગ્યું અને લાઇનવાઇઝ ગાવાની ખૂબ મજા આવી.

સવાલઃ એસ. એસ. રાજામૌલી તેમના કામ પ્રત્યે ખૂબ જ પર્ફેક્શન માગે છે, તો આ સોંગ માટે તેમની કંઈ સલાહ હતી ?

જવાબઃ એસ. એસ. રાજામૌલી સર મારી સાથે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં નહોતાં. તેમના દરેક મૂવીમાં એમ. એમ. કીરવાની સરનું મ્યુઝિક હોય છે. એમના સન કાલાભૈરવા મારી સાથે હતાં અને મારી જ્યાં ભૂલ થાય ગાઈને સુધારી આપતાં હતાં કે, અહીં આ રીતે કરવાનું છે.

એમ. એમ. કીરવાનીના સન સાથે રાગ પટેલ.

સવાલઃ તમે 10thમાં છો થોડાક જ દિવસમાં બોર્ડની એકઝામ છે, તો સિંગિંગ સાથે સ્ટડી કેવી રીતે મેનેજ કર્યું ?

જવાબઃ સ્ટડી સાથે સિંગિંગ મારા મમ્મીને લીધે શક્ય છે. કેમ કે, મારા મમ્મી મને કહે છે કે, દરેક વસ્તુ થોડોક થોડોક સમય કર તો બધું સચવાઈ જશે.

સવાલઃ સંગીત શીખવાનું ક્યારે શરૂ કર્યું અને કયું સંગીત શીખી રહ્યા છો ?

જવાબઃ હું આઠ વર્ષની હતી ત્યારે સંગીત શીખવાનું શરૂ કર્યું. હું અત્યારે અનિકેત ખાંડેકર સર સાથે ક્લાસિકલ વોકલ શીખું છું. મેં 4th યરની એક્ઝામ મધ્યમા પૂર્ણની પાસ કરી છે. અત્યારે હું વિશારદ પ્રથમ કરું છું.

રેકોર્ડિંગ સ્ટુડિયોમાં સોંગ રેકોર્ડ કરતી રાગ પટેલ.

સવાલઃ સોંગના રેકોર્ડિંગથી ફિલ્મ રિલીઝ દરમિયાન રાજામૌલી સાથે કોઈ મુલાકાત થઈ હતી? જો થઈ હોય તો વાત શું થઈ હતી ?

જવાબઃ રેકોર્ડિંગ કરતી હતી ત્યારે, મને એમ. એમ. કીરવાની સર સાથે એસ. એસ. રાજામૌલી વાત કરતાં દેખાયા હતાં. એટલે હું તેમની પાસે ગઈ અને મેં ફોટો પણ ક્લિક કરાવ્યો. આમ તો, કોઈ ખાસ વાત થઈ નહોતી. પણ એમણે મને મારા અવાજ માટે કહ્યું હતું કે, તારો અવાજ સારો છે.

સવાલઃ અત્યારે કોઈ અન્ય સોંગ રેકોર્ડ કર્યા છે? અને બીજી કોઈ મૂવીના સોંગ માટે ઓફર આવી છે કે નહીં ?

જવાબઃ અત્યારે મને કોઈ સોંગની ઓફર આવી નથી. આ પહેલાં પણ મેં ક્યારેય રેકોર્ડિંગ કર્યું નથી. આ RRR મૂવીમાં મારું પહેલું સોંગ છે.

સવાલઃ રાતોરાત મીડિયા ફેમ મળ્યું તો આ અંગે કેવું લાગે છે ?

જવાબઃ મેં આ લાઇફ ડ્રિમ કરી હતી એટલે અત્યારે તો મારા માટે ડ્રિમ કમ ટ્રુ લાઇફ હું જીવું છું. એટલે મારે આગળ આ રીતે જ મીડિયા મારી પાસે આવતું રહે અને હું આવી રીતે ઇન્ટરવ્યૂ આપતી રહું એવું મારે આગળ કરવું છે.

હૈદરાબાદમાં રેકોર્ડિંગ સ્ટુડિયોની બહાર રાગ પટેલ.

સવાલઃ તમે પેઇન્ટિંગ પણ સરસ કરો છો અને સિંગિંગ પણ સારું કરો છો તો તમારે કઈ ફિલ્ડમાં આગળ વધવું છે ?

જવાબઃ ડ્રોઇંગ અને સિંગિંગ આ બંને મારા માટે કરિયર છે જ એટલે હું સાઇડ બાય સાઇડ બંને કરતી જ રહીશ. મારે એવું નથી કે, મારે સિંગિંગમાં જ આગળ જવું છે કે, ડ્રોઇંગમાં મારા માટે બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે અને હું બંનેમાં મારું કરિયર વિચારું છું.

સવાલઃ આ સિવાય બોલિવૂડ માટે કોઈ ડ્રિમ ખરું ?

જવાબઃ મારે પ્લેબેક સિંગિંગ જ કરવું છે. એટલે બોલિવૂડમાં મારે સોંગ આપવા છે. આ ઉપરાંત ઇંગ્લિશ સોંગ પણ હું ગાઉં એટલું જ નહીં દરેક ભાષામાં ગાઈ શકું એવી મારી ઇચ્છા છે.