- દિલ્હીની સરખામણીએ ગુજરાતની શિક્ષણમાં નબળી સ્થિતિની ચર્ચામાં વાઘાણી વાલીઓ પર ભડક્યા
- જે લોકો ગુજરાતમાં જન્મ્યા, શિક્ષા અહીં મેળવી હવે તેને બીજા દેશ-રાજ્ય સારા લાગે છે એવો કટાક્ષ કર્યો
રાજકોટના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી છેલ્લા બે દિવસથી રાજકોટના પ્રવાસે છે. આજે રૂ.3.40 કરોડના ખર્ચે બનેલા સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16ના નવનિર્માણ પામેલા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓને સંબોધન કરતી વખતે જિતુ વાઘાણીનો હીટવેવમાં પારો છટક્યો હતો અને જણાવ્યું હતું કે, જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે.
‘છોકરાના સર્ટિફિકેટ લઇ બીજા રાજ્ય કે દેશમાં જતા રહો‘
જિતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં, ધંધો અહીં કર્યો, છોકરા અહીં ભણ્યા. હવે બીજે સારૂ લાગતું હોય તો મારી વિનંતી છે પત્રકાર મિત્રોની હાજરીમાં. જેને બીજે સારું લાગતું હોય ને તેઓ છોકરાના સર્ટિફિકેટ લઇ જે દેશ અને જે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહો. ત્યાં જઇને ઘર-કુટુંબ ફેરવી નાંખો અહીં તો બધું પતી ગયું છે. અહીંયા તો ભાંગીને ભુક્કો થઈ ગયું છે.
‘પત્રકારોની હાજરીમાં જિતુ વાઘાણી બોલ્યા‘
અસહ્ય ગરમીથી જિતુ વાઘાણીના મગજનો પારો ચડ્યો હોય તેમ જિતુ વાઘાણીએ પત્રકારોની હાજરીમાં ચોખ્ખુ સંભળાવી દીધું કે, જેને ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તે જે દેશમાં જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ. શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટિકા જ કરવી છે. અગાઉ નીતિન પટેલે પણ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા પૂરતી ન હોવાની વાત કરી હતી. આજે જિતુ વાઘાણીના આવા સંબોધનથી સ્ટેજ પર બેઠેલા ભાજપના નેતાઓના ચહેરા ઉતરી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાયું હતું.

‘યુવરાજસિંહની ધરપકડ પર કટાક્ષ કર્યો‘
યુવાનેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડને લઈને મીડિયાએ કરેલા સવાલના જવાબમાં જિતુ વાઘાણીએ કટાક્ષમાં કહ્યું હતું કે, કોણ યુવરાજસિંહ? કાયદો બધા નાગરિક માટે લાગુ પડે છે, કોઈ પણ ખોટું કરે તેને પકડીને સજા આપવા રાજ્ય સરકાર તૈયાર છે. પરંતુ મને ઇચ્છા થાય કે પેપર ફૂટી ગયું અને ફોડી નાખું એવી રીતે સરકાર ન ચાલે. પહેલા તો બાવડું પકડીને નોકરી અપાવી દેવાની પદ્ધતિ હતી. સગા-વ્હાલાના આજે પણ રજિસ્ટરમાં નામ નીકળશે.

‘અગાઉ પણ જિતુ વાઘાણીની જીભ લપસી હતી‘
13 ફેબ્રુઆરી 2021ના રોજ ભાવનગરમાં સભામાં સંબોધન વખતે જીતુ વાઘાણીએ સી.આર. પાટીલની જગ્યાએ આર.સી.ફળદુને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા હતા. આ સમયે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. તેવામાં જીભ લપસવાની મોસમે પણ જોર પકડ્યું હતું. કાર્યક્રમમાં શરૂઆત જિતુ વાઘાણીથી થઈ હતી. પાટીલની ઉપસ્થિતિમાં જ જિતુ વાઘાણીએ આર.સી. ફળદુને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કહેતા સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા હતા. જેમાં ખુદ સી.આર. પાટીલના ચહેરાનો ભાવ પણ બદલાઇ ગયો હતો.