તમારું બાળક ચિંતા કરે છે ? કેવી રીતે ખબર પડે છે કે બાળક ચિંતિત છે કે નહીં, આવો જાણીએ

ચિંતા શબ્દ તો નાનો છે પરંતુ તે ખતરનાક સાબિત થઇ શકે છે. ચિંતાને કારણે ઘણીવાર લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. મોટી ઉંમરના લોકોને તો ચિંતા થવી સ્વાભાવિક વાત છે પરંતુ શું તમને ખબર છે કે, બાળકોને પણ ચિંતા થાય છે ?

આપણે ઘણીવાર બાળકોને એકબીજા સાથે વાત કરતા સાંભળીએ છીએ કે, હું કંઈક વિચારી રહ્યો હતો અથવા તો કોઈ વાતને લઈને દુઃખી છું અથવા તો કોઈ વાતને લઈને ચિંતા થઇ રહી છે. આ વાત સાંભળીને આપણે હસીએ છીએ અને સાથે અવગણીએ પણ છીએ.

પરંતુ આપણે એક માતા-પિતા તરીકે આ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણકે વૃદ્ધોમાં થતી ચિંતા હવે બાળકોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાની નિષ્ણાતોની ટાસ્ક ફોર્સ દ્વારા 8-18 વર્ષના બાળકોના લથડતા માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમની સ્થિતિ તપાસી હતી, જેથી બાળકો તેમની ઉંમર પ્રમાણે વર્તન કરે અને તેમનું બાળપણ સમાપ્ત ન થાય.

ચિંતામાં વીતી રહ્યું છે બાળપણ

બાળ મનોવૈજ્ઞાનિક અને મેયો ક્લિનિકના પીડિયાટ્રિક એગ્ઝાયટી ડિસઓર્ડર ક્લિનિકના ડાયરેક્ટર સ્ટિફિન પીએચ વ્હાઇટસાઇડ અનુસાર, બાળકોમાં ચિંતા એ બાળપણની સૌથી સામાન્ય માનસિક વિકૃતિ તરીકે ઉભરી આવી છે. આ માટે આપણે વહેલી તકે તપાસ કરવાની જરૂર છે. મોટાભાગના બાળકોને માનસિક સ્વાસ્થ્ય સંભાળની જરૂર હોય છે, જે તેમને અત્યારે મળી રહી નથી. કોરોનાને કારણે આ તકલીફમાં વધારો થયો છે.

બાળકોમાં લક્ષણ ના હોવા છતાં પણ તપાસ કરાવવી જોઈએ

અમેરિકાની ટાસ્કફોર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બાળકોમાં લક્ષણ જોવા મળે કે ના મળે દરેક બાળકોની મેન્ટલ હેલ્થની તપાસ જરૂર કરાવવી જોઈએ. ટાસ્કફોર્સના સભ્ય માર્થા કુબીકના જણાવ્યા અનુસાર, બાળકોનું જીવન અસ્ત-વ્યસ્ત થાય તે પહેલા માતા-પિતા તરીકે આપણે તેમનાં જીવનમાં દખલ કરવી જોઈએ.

ચિંતા કારણે બાળકો નશો પણ કરે છે.

ચાઈલ્ડ માઈન્ડ ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ અનુસાર, બાળકો જો બાળપણથી જ ચિંતા કરવા લાગે છે તો સમય જતા તે ડિપ્રેશનનો ભોગ બની શકે છે. એટલું જ નહીં પરંતુ તેને નશાની આદત પણ થઇ શકે છે.

હવે વાત કરવામાં આવે છ ભારતના બાળકો વિષે

સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન 2021ના રિપોર્ટ અનુસાર, ભારતમાં દર 7 પૈકી 1 બાળક ડિપ્રેશનનો શિકાર હોય છે. તો ઇન્ડિયન જર્નલ ઓફ સાઈકેટ્રી 2019ના રિપોર્ટ અનુસાર, દેશમાં મહામારી પહેલા લગભગ 5 કરોડ બાળકોમાં કોઈને કોઈ માનસિક બીમારી રહી હતી. જે પૈકી 90% બાળકો અથવા તેના માતા-પિતાએ સારવારને લઈને વિચાર્યું નહોતું.

જો બાળકો ચિંતા કરી રહ્યા હોય તો માતા-પિતાએ શું કરવું જોઈએ ?

ફોર્ટિસ હોસ્પિટલના મેન્ટલ હેલ્થ અને બિહેવીયલ સાયન્સના ડાયરેક્ટર ડો.સમીર પરીખે કહ્યું હતું કે, જો બાળકોમાં ચિંતાના લક્ષણ હોય તો તેને હળવાશમાં ના લો. માતા-પિતાએ બાળકોની વાત સાંભળવી જોઈએ. જો બાળકો કંઈક કહેવા માંગે છે તો તેને નજર અંદાજ ના કરવું જોઈએ.

જો આ રીતે બાળકો વ્યવહારમાં કોઈ બદલાવ જોવા મળી રહ્યો છે તો તેને ગંભીરતાથી લો અને બાળકો સાથે વાતચીત કરો. બાળકોની ચિંતામાં વધારો થયો હોય તો માતા-પિતાએ બાળકોના ડોક્ટર અથવા તો કોઇ બીજા ડોક્ટરની અચૂક સલાહ લેવી જોઈએ. લગાતાર ચિંતા કરવાથી બાળકો અન્ય કોઈ બીમારીનો શિકાર બની શકે છે.

બાળકોમાં ચિંતાનું શું કારણ છે ?

ડોક્ટર પ્રિતેશ ગૌતમના જણાવ્યા અનુસાર, ઘણી એવી વાતો હોય છે તે સાંભળવામાં નાની લાગતી હોય છે પરંતુ બાળકોના કોમળ મનમાં ઊંડી અસર પડી જાય છે.

 • માતા-પિતા બાળકોને સમય નથી આપતા
 • ક્લાસમાં ઓછા માર્ક્સનો ડર લાગે છે
 • માતા-પિતાનો ઝઘડો અને અલગ થવાનો ડર
 • ઘરમાં નકારાત્મક માહોલ
 • બાળકોને વારંવાર ખીજાવવું અને મારવું

એક અભ્યાસમાં થયો ખુલાસો

દુનિયાભરમાં થયેલા એક અભ્યાસ અનુસાર, ડિપ્રેશનના શરૂઆતના લક્ષણ 17 વર્ષની ઉંમરે જોવા મળે છે. પરંતુ આજકાલ ડિપ્રેશનની ઓળખ નાની ઉંમરમાં જ સમજાઈ રહી છે. આ બાબતો વધુ ને વધુ તપાસના કારણે સમજી શકાય તેમ છે.

બાળકો માટે સારું કામ કરો

ફોર્ટિસ એસ્કોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર, દિલ્લીમાં સિનિયર ક્લિનકલ સાઈકોલોજીસ્ટ ડૉ. ભાવના બર્મી ચિંતા વિષે કહે છે કે, જો તમારો થોડો સમય પણ ક્રિએટિવ કામમાં લગાડવામાં આવે તો ઘણી હદ સુધી ચિંતા દૂર થઇ જાય છે.

આ પોઝિટિવ વાત પર વધુ ધ્યાન આપો અને નેગેટિવ વાતથી દૂર રહો

 • સવારે જલ્દી જગાડો
 • ધ્યાન કરાવો
 • ઘરનું જમવાનું જ જમાડો
 • જમવામાં જ્યુસ જરૂર આપો
 • ભણવા માટે વધુ પ્રેશર ના કરો
 • ડાન્સ અથવા મ્યુઝિક જેવી પ્રવૃત્તિ કરાવો