નિષ્ણાતોનો મત:વિક્રમ સંવત 2078માં સોનું રૂ.60000, ચાંદી રૂ.80000 થઇ શકે

  • મહામારી બાદ સોના-ચાંદીમાં ડિમાન્ડ 40 ટકા વધી

  • ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ, સિલ્વર ETF શરૂ થવા પર નજર

 

વિક્રમ સંવત 2077નું વર્ષ સોના-ચાંદીમાં રોકાણકારો માટે ભલે નિરાશા જનક સાબીત થયું હોય પરંતુ સલામત અને આગામી દાયકામાં સૌથી વધુ રિટર્ન આપનારૂ સાબીત થશે તેવું એનાલિસ્ટોનું કહેવું છે. 2078માં સોનું વધી રૂ.60000 અને ચાંદી ફરી રૂ.80000ની સપાટી કુદાવે તેવા સંકેતો મળી રહ્યાં છે. જોકે, સોના-ચાંદીની મૂવમેન્ટ ફેડરલ રિઝર્વના નિવેદનો પર નિર્ભર રહે છે. ફેડરલ રિઝર્વ આગામી વર્ષોમાં વ્યાજદરમાં વધારો કરવા સાથે બોન્ડ ટેપરિંગ કરે છે કે કેમ તેના પર આધાર રહેલો છે. રોકાણકારો શેર બાદ સલામત રિટર્નમાં સોના-ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યાં છે.

 

કોરોના મહામારી બાદ ચાલુ વર્ષે ગોલ્ડ કોઇન તેમજ જ્વેલરીના વેચાણમાં તહેવાર શુકનવંતા સાબીત થયા છે. ગોલ્ડ જ્વેલરીનું વેચાણ તહેવારો દરમિયાન સરેરાશ 40-50 ટકા વધ્યું છે. ભારતમાં સોનાની માગ ઝડપભેર વધી રહી છે. જ્વેલરીની સાથે-સાથે પેપર ગોલ્ડનો હિસ્સો વધી રહ્યો છે. ગોલ્ડ સ્પોટ એક્સચેન્જને મંજૂરી મળવાના કારણે ટ્રેડિંગ વધી જશે. એટલું જ નહિં સિલ્વર ઇટીએફ પણ નવા વર્ષે શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યાં છે જેના કારણે સોના-ચાંદીમાં રોકાણકારોનો ઉત્સાહ વધી જશે. સોના-ચાંદી ઉપરાંત રોકાણકારો ક્રૂડ તથા નેચરલ ગેસમાં સૌથી વધુ કમાણી કરી છે. અમેરિકામાં વાવાઝોડાના કારણે ક્રૂડના ઉત્પાદન પર અસર અને ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં ધારણા મુજબનો વધારો કરવામાં ન આવતા તેજી જળવાઇ રહી છે. આગામી ક્વાર્ટરમાં ક્રૂડ 100 ડોલરની સપાટી કુદાવે તેવા સંકેતો છે.

વૈશ્વિક સોનું 1630 ડોલર સુધી ઘટી શકે ?

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1775 ડોલરની રેન્જમાં છેલ્લા કેટલાક સમયથી અથડાઇ રહ્યું છે જે નવી સિઝનમાં ઘટીને 1630 ડોલર સુધી પહોંચી શકે છે જ્યારે ઉપરમાં ફરી 1970-2000 ડોલરનું અનુમાન છે. જ્યારે ચાંદીની રેન્જ 20 ડોલરથી 27 ડોલર સુધીની જોવા મળી રહી છે સોના-ચાંદીની તુલનાએ ક્રૂડ તથા નેચરલ ગેસમાં રોકાણકારોને સારા રિટર્નનો આશાવાદ છે.