રાજકોટમાં હિટવેવમાં 51 હજારથી વધુ ઉમેદવારની પરીક્ષા પૂરી થતા વતન તરફ દોટ, બસપોર્ટમાં પગ મૂકવાની જગ્યા નહીં

  • અમદાવાદ અને ભાવનગરના ઉમેદવારો પરીક્ષા પૂરી કરી રાજકોટથી નીકળ્યા
  • 180 કેન્દ્ર પર 51,720 ઉમેદવારની પરીક્ષા યોજાઇ

રાજ્યભરમાં આજે યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો. હાલ બહારગામથી રાજકોટમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે હિટવેવમાં રાજકોટ બસપોર્ટ વિદ્યાર્થીઓથી ઉભરાયું હતું. અને એક સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો બસપોર્ટ પહોંચતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે LRD પરીક્ષા દરમિયાન પણ પરીક્ષા પૂર્ણ થયે એસટી બસપોર્ટ ખાતે વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી.

બસપોર્ટ પર ઉમેદવારોની ભીડ જોવા મળી હતી.

180 કેન્દ્ર પર 51,720 ઉમેદવારની પરીક્ષા યોજાઇ

રાજકોટમાં જિલ્લામાં આજે રાજકોટ શહેર, પડધરી, ગોંડલ સહિત 180 કેન્દ્ર પર 51,720 ઉમેદવારની પરીક્ષા યોજાઇ હતી. પરીક્ષા કેન્દ્રો પર છેલ્લી ઘડી સુધી પરીક્ષાર્થીઓ તૈયાર કરતા નજરે પડ્યા હતા. તેમજ ગેરરીતિની ઘટના ન બને તે માટે દરેક કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બિન સચિવાલયના ક્લાર્કની ભરતી માટે વર્ષ 2018માં ફોર્મ ભરનાર ઉમેદવારોની વર્ષ 2019માં પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ તેમાં પેપર ફૂટતા તે પરીક્ષા રદ કરવામાં આવી હતી, ચાર વર્ષથી પરીક્ષાની રાહ જોઇને બેઠેલા પરીક્ષાર્થીઓએ આજે પરીક્ષા આપી હતી.

મોટી સંખ્યામાં ઉમેદવારો બસપોર્ટ પહોંચતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા
આ પૂર્વે LRD પરીક્ષા દરમિયાન પણ વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી.

હજારો પરીક્ષાર્થી સામે માત્ર 30 બસ

આજે એસટી વિભાગે હજારો પરીક્ષાર્થી સામે માત્ર 30 બસ ફાળવી છે. આથી ઘણા વિદ્યાર્થીઓએ નાછૂટકે ખાનગી બસમાં ટિકિટ બુક કરાવવી પડી હતી. એવું ચર્ચાઈ રહ્યું છે કે ભરતી પરીક્ષામાં ચોરી થતી અટકાવવા સત્તાધીશોએ તઘલખી નિર્ણય કર્યો હતો. પરીક્ષાર્થીઓને તેના શહેરમાં નહીં પરંતુ અન્ય શહેરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. પેપરના તમામ બોક્સ પર એક ક્યુઆર કોડ રાખવામાં આવ્યો હતો. જેમાં દરેક સ્ટેજ પર તેને સ્કેન કરવામાં આવ્યું હતું. પરંતુ બારકોડને સ્કેન કરતા પેપર ક્યાં સ્થળે, ક્યાં સમયે અને ક્યાં અધિકારીને સોંપાયું તેની માહિતી રાજ્યકક્ષાના અધિકારી સુધી પહોંચશે.