રાજકોટમાં યુવરાજસિંહના સમર્થનમાં ઉમેદવારો કાળા વસ્ત્રો પહેરીને કેન્દ્ર પર પહોંચ્યા, અમદાવાદમાં ઉમેદવારોએ કહ્યું, ‘પેપર લીક ન થાય તેવી આશા’

  • તમામ ઉમેદવારોના કોલલેટર અને ID પ્રૂફ તપાસીને જ કેન્દ્રમાં પ્રવેશ અપાયો
  • શંકાસ્પદ લાગતા ઉમેદવારોનું અલગથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

લોકરક્ષક દળની ભરતી માટે આજે રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાઈ રહી છે. અગાઉ શારીરિક કસોટી પાસ કરી હોય તે ઉમેદવારોની આજે લેખિત પરીક્ષા યોજાઈ રહી છે. આ માટે તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજવામાં આવી રહી છે. કોઈ ગેરીરીતિ ના થાય તે માટે પુરી તકેદારી પણ રાખવામાં આવી રહી છે. રાજ્યભરના ઉમેદવારો 7 મહાનગરોમાં 3 લાખ જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટમાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો યુવરાજસિંહના સમર્થનમાં કાળા વસ્ત્રો પહેરીને કેન્દ્રો પર પહોંચ્યા હતા.

પાર્કિંગથી લઈને ક્લાસ સુધી પોલીસનો બંદોબસ્ત

અમદાવાદમાં પરીક્ષા કેન્દ્રો પર PI, PSI સહિત પોલીસકર્મીઓનો કેન્દ્રના પાર્કિંગથી ક્લાસ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 12 વાગ્યાની પરીક્ષા છે, છતાં 9:30 વાગ્યાથી પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોને મહિલા અને પુરુષ એમ 2 અલગ અલગ લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા છે. લાઈનમાં ઉભા રહેલા ઉમેદવારોને સતત સૂચના આપવામાં આવી રહી છે.

અમદાવાદમાં પરીક્ષા કેન્દ્રની તસવીર

બુટ-મોજાં કઢાવીને ઉમેદવારોનું ચેકિંગ કરાયું

કેન્દ્રોની બહાર ઉમેદવારો પર પણ પોલીસ નજર રાખી રહી છે. કેન્દ્રમાં પ્રવેશતા ઉમેદવારોનું બહારથી ચેકીંગ કરવામાં આવે છે, બાદમાં પોતાની સાથે સાધન-સામગ્રી લાવ્યા હોય તે બાજુમાં મુકવામાં આવે છે. આ બાદ ફરીથી ઉમેદવારોના બુટ-મોજાં પણ કાઢાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ શંકાસ્પદ ઉમેદવાર લાગે તો તેનું અલગથી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રમાં પ્રવેશતા ઉમેદવારોની વીડિયોગ્રાફી કરાઈ

પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા ઉમેદવારોની વિડિઓ ગ્રાફી કરવામાં આવી રહી છે. ઉમેદવારોને કોલ લેટર અને એક ID પ્રુફ તપાસીને જ અંદર પ્રવેશ આપવામાં આવે છે. અંદર જે સામાન સાથે લાવ્યા હોય તે તમામ સમાન બહાર મુકાવી દેવામાં આવી રહ્યો છે. ઉમેદવાર સ્માર્ટ વૉચ પહેરીને આવ્યા હોય તો તે વૉચ પણ બહાર મુકાવી દેવામાં આવી છે.

પેપર ન ફૂટે તેવી ઉમેદવારોની અપેક્ષા

નવસારીના સ્નેહલ પટેલ નામના ઉમેદવારે જણાવ્યું હતું કે, મેં તૈયારી સારી જ કરી છે પરંતુ એક બાદ એક પેપર ફૂટી રહ્યા છે, તો આજનું પેપર ના ફૂટે તેવી સરકાર પાસે અપેક્ષા છે. લાંબા સમય બાદ આજે પરીક્ષા યોજાઈ રહી છે તો શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પુરી થાય તેવી આશા છે. જ્યારે સિદ્ધપુરથી આવેલા વધુ એક ઉમેદવારે જણાવ્યું હતું કે, અગાઉ મેં પરીક્ષા આપી હતી તેમાં મેરિટમાં મારુ નામ આવ્યું નહોતું. આજે ફરીથી પરીક્ષા આપી રહ્યો છું. તૈયારી પુરી કરી છે પરંતુ અમારા ભરતી બોર્ડના હસમુખ પટેલ સાહેબ પાસેથી એક જ આશા છે કે આજનું પેપર લીક નહીં થાય અને સારી રીતે આજની પરીક્ષા પુરી થશે.

સુરતમાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોની તસવીર

સુરતમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 203 કેન્દ્રો પર પરીક્ષા

સુરતમાં 203 કેન્દ્રો પર 69,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા ઉમટ્યાં છે. આ માટે તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજવામાં આવી રહી છે. કોઈ ગેરીરીતિ ના થાય તે માટે તકેદારી પણ રાખવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રો પર PI, PSI સહિત પોલીસકર્મીઓનો કેન્દ્રના પાર્કિંગથી ક્લાસ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટમાં ઉમેદવારો કાળો વસ્ત્રો પહેરી પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડનો વિરોધ આજે LRDની પરીક્ષાના ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે અલગ અલગ કેન્દ્રો ઉપર 36 હજારથી વધારે ઉમેદવારો લોકરક્ષક દળની પરીક્ષા આપવા પહોંચ્યા છે. પરંતુ મોટાભાગના ઉમેદવારો કાળા વસ્ત્રો પહેરી પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે. યુવરાજસિંહના સમર્થનમાં અને સરકારના વિરોધમાં ઉમેદવારોએ કાળા વસ્ત્રો પહેરી આજના દિવસને ‘બ્લેક ડે’ જાહેર કર્યો છે. તેમજ યુવરાજસિંહના ફોટો સાથે ‘હું યુવરાજસિંહને સપોર્ટ કરૂ છું, 10 એપ્રિલ બ્લેક ડે’ લખેલા મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

રાજકોટમાં કેટલા ઉમેદવારો કાળા વસ્ત્રો પહેરીને પહોંચ્યા

132 કેન્દ્રો પર પરીક્ષા 36,981 ઉમેદવારો પરીક્ષા આપશે

પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટમાં 132 કેન્દ્ર પર 36,981 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવનાર છે. પરંતુ મોટાભાગના ઉમેદવારો યુવરાજસિંહના સમર્થનમાં કાળા વસ્ત્રો પહેરી પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે. કેટલાક ઉમેદવારો સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી વાંચનમાં મશગૂલ જોવા મળ્ય હતા. પરીક્ષા શરૂ થાય એ પહેલા ઉમેદવારોએ પુસ્તકો ખોલી તૈયારી કરતા જોવા મળી રહ્યા છે.

વડોદરામાં પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો

વડોદરામાં 9 વાગ્યાથી ઉમેદવારો કેન્દ્રો પર પહોંચ્યા

વડોદરાની વિવિધ શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારથી જ લોકરક્ષકની પરીક્ષાના ઉમેદવારો પહોંચ્યા હતા. તેમજ ઘણા ઉમેદવારો અંતિમ ઘડીએ પણ તૈયારી કરતા નજરે પડ્યા હતા. ઉમેદવારો 12 વાગ્યે શરૂ થતી પરીક્ષા માટે 9 વાગ્યાથી જ પરીક્ષા કેન્દ્રો પર આવી પહોંચી ગયા હતા. તો કેટલાક ઉમેદવારો છેલ્લી ઘણીએ જનરલ નોલેજનો પુસ્તકો વાંચતા જોવા મળ્યા હતા.