અમદાવાદમાં મોદીએ બે દિવસમાં તો જામો પાડી દીધો, સરપંચ કાર્યક્રમમાં ‘ડાયરા’ ની રમઝટ તો ખેલ મહાકુંભમાં ‘ડીજે’ના તાલ!

ગુજઅપડેટ્સ વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવ્યા છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ ગુજરાત આવીને રોડ શોની વણઝાર કરી દીધી. બીજીતરફ સરપંચથી સાંસદ સુધીના જનપ્રતિનિધિઓના કાર્યક્રમ, ખેલ મહાકુંભના ઉદઘાટન સહિતના કાર્યક્રમોમાં મોદીની હાજરી માત્રથી માત્ર ભાજપ જ નહીં આખા ગુજરાતમાં એક પ્રકારનું જોમ આવી ગયું છે. રાજ્યના છેવાડાના ગામડેથી માંડીને મોટા શહેરો સાથે મોદીએ અમદાવાદમાં જ અલગ અલગ રીતે સંપર્ક કર્યો હતો. સૌથી મજાની વાત એ બની કે સરપંચ સંમેલનમાં આવેલી જનતા માટે ડાયરાની રમઝટ હતી તો, ખેલ મહાકુંભમાં ડીજેનો તાલ જોવા મળ્યો. એટલું જ નહીં, સરપંચ સંમેલનમાં મોદીએ પોતીકુંપણું બતાવી ટિપિકલ ગુજરાતી ભાષામાં વર્ષો બાદ લોકો સાથે કનેક્ટિવિટી સાધી, તો ખેલ મહાકુંભમાં પ્રસંગોચિત હિન્દીમાં પ્રવચન કર્યું હતું.

મોદી સાથે સ્ટેજ પર ‘નરહરિ અમીન’ની ઉપસ્થિતિ ચર્ચા નો વિષય:-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાતના કાર્યક્રમો દરમિયાન બે પ્રસંગે સ્ટેજ પર નરહરિ અમીનની સૂચક હાજરી જોવા મળી. આ ઉપસ્થિતિ ભાજપના નેતાઓ, કાર્યકરો અને સમર્થકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં, સામાન્ય રીતે અમદાવાદના કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે મોટાભાગે ગુજરાત સરકારના અમદાવાદના મંત્રીઓ હોય છે. પણ આ વખતે બંને કાર્યક્રમમાં મુખ્યમંત્રી, પક્ષપ્રમુખ, જે-તે કાર્યક્રમના વિભાગના મંત્રી અને અમદાવાદના સાંસદો ને મેયર સ્ટેજ પર જોવા મળ્યા હતા. તેમાં પણ, નરહરિ અમીન સૌનું આકર્ષણ તો ઠીક ચર્ચાનો વિષય જરૂર બન્યા હતા. એવું કહેવાય છે કે, નરેન્દ્ર મોદી અને નરહરિ અમીન બહુ જૂના મિત્રો પણ છે.

ચૂંટણી જંગ માટે પાટીલની ટીમ એગ્રેસિવ તો ટીમ પટેલની છબિ માસૂમ:-

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, જેમાં ભાજપ સંગઠન અને સરકારની કામગીરી સૌથી નિર્ણાયક રહેવાની છે. અત્યારે રાજ્યનું સંગઠન પ્રદેશ પ્રમુખ પાટીલની ટીમ આક્રમકતાથી ભરપૂર જણાઈ રહી છે. તો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની ભૂમિકા માસૂમ જેવી જણાઈ રહી છે. 2022ના અંતે યોજાનારી ચૂંટણી પહેલા સત્તા પરિવર્તન થયું તેમાં ભાઉસાહેબની ભૂમિકા કેન્દ્રમાં રહી છે. જો કે ભૂપેન્દ્ર પટેલ સરકાર આક્રમક બની શકી નથી તે પણ એટલી જ સાચી વાત છે. સરકારના નવા મંત્રીઓ ખુદ પોતાના રાજકીય ભવિષ્ય અંગે અનિશ્ચિંત છે અને જે રીતે મંત્રીમંડળની રચનામાં ‘નો રિપીટ’ની થિયરી અપનાવાઈ તે જોતા વિધાનસભાની ચૂંટણીમાં કોણ સલામત હશે તે પણ પ્રશ્ન છે.

વિપુલ મિત્રા કા ક્યા હોગા?:-

આગામી મે મહિનામાં રાજયના હાલના ચીફ સેક્રેટરી પંકજ કુમાર અને રાજીવ ગુપ્તા નિવૃત થાય છે. આમ જોઈએ તો આ બંને સિનિયર મોસ્ટ અધિકારી પછીનો ક્રમ વિપુલ મિત્રાનો આવે છે. પરંતુ રાજય સરકાર તેમને માત્ર બે મહિના માટે સીએસ બનાવવાના મૂડમાં હોય તેમ લાગતું નથી, કારણ કે મિત્રા પણ જુલાઇમાં રિયાયર્ડ થઈ રહ્યા છે. તેવા સંજોગોમાં હવે રાજય સરકાર માટે નવા ચીફ સેક્રટરી તરીકે રાજકુમારને મુકવાનો તખ્તો ગોઠવાઇ રહ્યો હોય તેમ લાગે છે. આવું થાય તો વિપુલ મિત્રાને ગુજરાત બહાર કે પછી અગાઉના અનુભવોને આધારે એસ કે નંદાની જેમ GSFC કે GNFC કે અન્ય નિગમમાં ચેરમેન બનાવીને સચિવાલય બહાર કરી શકાય છે.

MSME કમિશનરેટમાં ઉપરના બચી ગયા, નીચેના ધોવાઇ ગયા:-

કોલસા કૌભાંડને લઇને રાજય સરકારે નીચેના સ્તરે કલાર્ક અને ઇન્સ્પેકટર લેવલે આવેલા અધિકારીઓમાં મોટેપાયે પરિવર્તન કર્યા છે. જો કે હજુ ઉપલા સ્તરના અધિકારીઓને સરકારે એમના એમ રાખ્યા છે. જેને પગલે MSME કમિશનરેટમાં તો એવી ચર્ચા છે કે રંજીતકુમાર બચી ગયા. જો કે નીચેના અધિકારીઓ બળાપો કાઢી રહ્યા છે કે કોલસાની આગ કયાંક લાગી અને તણખા બીજે ઉડી રહ્યા છે.

IPSની ટ્રાન્સફર હવે નક્કી, ભલભલા બદલાઈ જશે:-

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમના રમગમત વિભાગના પોર્ટફોલિયોને લઇને ખેલ મહાકુંભને સફળ બનાવવાની કવાયતમાં વ્યસ્ત હતા. જો કે, હવે આ બીગ ઇવેન્ટ પીએમના હસ્તે ખુલ્લી મુકાવીને તેમણે મોદીને ઇમ્પ્રેસ તો કર્યા છે. તેની સાથે હવે તેઓ હવે IPS તથા અન્ય અધિકારીઓની બદલી કરશે તેવી ગૃહ વિભાગમાં ચર્ચા ચાલી રહી છે. તો કેટલીક એવી વાત પણ છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ સ્થાનિક ગૃહ વિભાગના વિવિઘ મુદે મંત્રી હર્ષ સંઘવી ચર્ચા કરીને નિર્ણય લેશે.