2018માં ટ્રિબ્યુનલે ABG સામે 13,975 કરોડ વસૂલવા આદેશ આપ્યા ત્યારે જો કાર્યવાહી થઈ હોત તો આજે 22842 કરોડનું કૌભાંડ ન થાત

 • દેશના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડમાં 4 વરસ સુધી ચુપકીદી કેમ?
 • ટ્રિબ્યુનલના રિકવરી સર્ટિફિકેટની પણ અવગણા કરી
 • વિદેશ ભાગી ગયેલા રિશી અગ્રવાલ વિરુદ્ધ CBIની લુકઆઉટ જારી
 • 2018માં ટ્રિબ્યુનલે કંપનીની મિલકતો વેચીને પણ રિકવરી કરવા આદેશ આપ્યો હતો

દેશની 28 ટોચની બેન્કો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડીનો સીબીઆઇએ કેસ દાખલ કર્યા બાદ આ કૌભાંડ ચર્ચાસ્પદ બન્યું છે. આ મામલો વર્ષ 2018માં ડેટ રિકવરી ટ્રિબ્યુનલ અમદાવાદ સમક્ષ આવ્યો હતો તે સમયે ટ્રિબ્યુનલે કંપની વિરુદ્ધ દાખલ થયેલી કુલ ત્રણ અલગ અલગ રિકવરીની માગણી કરતી ફરિયાદો બાદ ત્રણ અલગ અલગ ચુકાદા આપી બેન્કોને કંપની પાસેથી કરોડો રૂપિયા વસુલવાનો હુકમ કર્યો હતો અને જો રીકવરી ન થાય તો કંપનીની સ્થાવર અને જંગમ મિલકતો વેચીને પણ રૂપિયા વસૂલવાનો હુકમ કર્યો હોત.

જોકે કોઈક કારણોસર બેન્કો દ્વારા આ કાર્યવાહી થઈ શકી નહિ, જેના પરિણામે આ મામલો આગળ વધતા અંતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ડીજીએમ બાલાજી સામંથા દ્વારા 25 ઓગસ્ટ 2020ના રોજ સીબીઆઈને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ ઈન્વેસ્ટીગેશનને અંતે સીબીઆઈએ તાજેતરમાં એબીજી શીપયાર્ડ અને તેની સાથે સંકળાયેલા લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. મંગળવારે સીબીઆઇએ કંપનીના પૂર્વ ચેરમેન અને એમડી રિશિ અગ્રવાલ સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. અગ્રવાલ વિદેશ ભાગી ગયા છે.

ડેટ રીકવરી ટ્રીબ્યુનલમાં 8 ઓગસ્ટ, 2018ના રોજ દેના બેંક દ્વારા રિશિ અગ્રવાલ, એ.બી.જી. ઈન્ટરનેશનલ પ્રા.લિ. અને અન્યો સામે રીકવરી કરવાની દાદ માંગી હતી. જેમાં ટ્રીબ્યુનલે તા 27 ડીસેમ્બર, 2018ના રોજ ચુકાદો આપી રૂ. 350,12,34,761,91 કરોડ વ્યાજ સાથે રીકવર કરવા હુકમ કર્યો હતો. જો તેમ ન થાય તો બેન્ક તેમની સ્થાવર અને જંગમ મિલ્કત વેચી લેણાની રકમ મેળવી શકે તેવો નિર્દેશ કર્યો હતો તેમજ સંપૂર્ણ રીકવરી ન થાય ત્યાં સુધી 12.70 ટકા વાર્ષિક વ્યાજ વસુલવા કહ્યું હતું. આ મામલે રીકવરી સર્ટીફીકેટ પણ ઈશ્યુ કરવામાં આવ્યુ હતું.

28 ઓકટોબર, 2017માં આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા રિશી અગ્રવાલ અને એબીજી ઈન્ટરનેશનલ પ્રા.લિ. સામે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલમાં કેસ કરવામાં આવ્યો હતો. જેનો ટ્રિબ્યુનલે તા 3 ઓકટોબર 2018ના રોજ ચુકાદો આપ્યો હતો. જેમાં રૂ. 4503.94 કરોડ અને 174.7 કરોડ બંને જવાબદારો પાસેથી ચુકાદો આપ્યાના બે મહિનામાં રિકવર કરવાનો હુકમ કર્યો હતો. જો તેઓ ચુકવણી કરવામાં કસુર કરે તો તેમની સ્થાવર અને જંગમ મિલ્કતો વેચાણ કરી તેમાંથી રિકવરી કરવાનો હુકમ કર્યો હતો. જયારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ડેટ રીકવરી ટ્રિબ્યુનલમાં 12 એપ્રિલ, 2018માં કેસ કર્યો હતો. જેનો ચુકાદો 3 ઓકટોબર, 2018ના રોજ આવ્યો હતો. જેમાં ટ્રિબ્યુનલે રિશી અગ્રવાલ પાસેથી રૂ. 2510,91,98,483.88 કરોડ બેંકોને ચુકવવાનો હુકમ કર્યો હતો.

જો કે કોઈક કારણોસર ટ્રીબ્યુનલના ચુકાદાના બે વર્ષ સુધી આ મામલે રીકવરી થઈ શકી નહતી અંતે 2020માં સીબીઆઈમાં ફરિયાદ કરાયા બાદ કુલ 28 બેંક સાથે રૂ. 22084 કરોડની છેતરપીંડી કરવાની દેશની સૌથી મોટી ગણાતી છેતરપિંડીમાં એબીજી શીપયાર્ડ લિ. અને તેની સબંધિત કંપનીના સંચાલકો તત્કાલીન સીએમડી રિશિ કમલેશ અગ્રવાલની સાથે સાથે તત્કાલિન એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર અશ્વિનીકુમાર, સુશીલકુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય કંપની એબીજી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડની સાથે સંકળાયેલા લોકોની વિરુદ્ધ સીબીઆઈ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

SBIએ નવેમ્બરમાં 2019માં ફરિયાદ કરી, 2022માં FIR નોંધાઈ

 • 28 બેન્કોના આ કૉન્સોર્ટિયમનું નેતૃત્વ ICICI બેન્ક કરી રહી હતી. પણ ફરિયાદ SBIએ નોંધાવી. SBIએ 2019ની 8 નવેમ્બરે પહેલીવાર CBIને આ છેતરપિંડીની ફરિયાદ કરી હતી.
 • 12 માર્ચ 2020ના રોજ CBIએ કેટલાક મુદ્દે સ્પષ્ટતા માગી. એ પછી 2020ની 25મી ઓગસ્ટે SBIએ ફરી ફરિયાદ કરી.
 • દોઢ વર્ષ સુધી સીબીઆઇ આ કેસની તપાસ કરતી હતી અંતે 2022ની 7મી ફેબ્રુઆરીએ FIR નોંધવામાં આવી હતી.

ABGને રાજ્ય સરકારે 15 વર્ષ પહેલા અડધા ભાવે જમીન આપી હતી

 • 15 વર્ષ પહેલા એટલે કે 2007માં કૉમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ (કેગ)નો રિપોર્ટ આવ્યો હતો. જેમાં એબીજી શીપયાર્ડને ઓક્ટોબર 2007માં 1.21 લાખ સ્ક્વેર મીટરની જમીન અડધા ભાવે અપાઈ હોવાનું જણાવાયું હતું.
 • રિપોર્ટમાં જણાવાયું હતું કે આ જમીનનો ભાવ 1400 રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટર હતો પણ એબીજી શીપયાર્ડને તે 700 રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટરના ભાવે અપાઈ હતી. તેનાથી રાજ્ય સરકારને 8.46 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

બે વર્ષમાં ક્રેડિટ લિમિટ 100 કરોડથી 1558 સુધી પહોચી હતી

 • સૂત્રોમાથી મળતી માહિતી અનુસાર એબીજી શિપયાર્ડ લિ ની 14 ફેબ્રુઆરી 2006 ના રોજ બેન્ક ક્રેડીટ લિ. 100 કરોડની હતી જેની સામે કંપનીએ એસબીઆઈ બેંકમાંથી 80 કરોડની લોન લીધી હતી અને તબકકાવાર તેની ક્રેડિટ લીમીટ વધીને વર્ષ 2008 સુધીમાં તે રૂ. 1558 કરોડ સુધી પહોચી ગઈ હતી. આ પ્રમાણે કંપનીએ અલગ અલગ કુલ 28 બેંકો પાસેથી લોનની રકમ મેળવી હતી

વૈશ્વિક મંદીનું કહીને CDRની માગણી કરી

 • 28 માર્ચ, 2014માં કંપનીએ બેંક સાથે એગ્રીમેન્ટ કર્યો હતો. ત્યારબાદ વૈશ્વિક મંદીના કારણે શીપીંગ ઈન્ડસ્ટ્રીઝમાં ભારે નુકશાન થયુ હોવાના કારણે માંગમાં ઘટાડો થયો છે જેના કારણે આર્થિક સ્થિતિ કથળી હોવાનુ કહીને એબીજી કંપનીએ બેંક સાથે બીજો એગ્રીમેન્ટ કર્યો હતો ત્યારબાદ કોર્પોરેટ ડેટ રીકન્સ્ટ્રકટીંગ મિકેનીઝમની માગણી કરી હતી. 2014માં બેંકે રીકન્સટ્રકટીંગ કરી આપ્યુ હતુ.

કંપની એન.પી.એ. જાહેર કરાઈ હતી

 • 31 માર્ચ , 2016ની સ્થિતિએ રિશી અગ્રવાલની રૂ, 2,66087 ની સ્થાવર અને જંગમ મિલકત હતી તેમાં જ્વેલરી વિગેરે સામેલ છે. તેની સામે રૂ. 1935 કરોડની લોન લેવામાં આવી હતી. બેંકો પાસેથી લીધેલી લોન એગ્રીમેન્ટ પ્રમાણે ચુકવવામાં કરાર કર્યા બાદ રકમ ભરવા સક્ષમ નહોવાનુ જાહેર કરતા કંપનીને એન.પી.એ. જાહેર કરવામાં આવી હતી

અને સરકારની સ્પષ્ટતા…

 • અત્યારે જે આરોપ થયા થે તેનો જવાબ સરકારે દ્વારા કેગના રિપોર્ટમાં જ અપાયો હતો. 2010માં દાવો કરાયો હતો કે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને એબીજી શીપયાર્ડ વચ્ચે એક કરાર થયો હતો. આ કરાર હેઠળ મેરીટાઇમ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની તૈયારી હતી. આ માટે એક એમઓયુ પણ કરાયા હતા અને તેથી ઓછા દરે જમીન આપવાનો નિર્ણય લેવાયો હતો.