જિયો પોલિટિકલ ક્રાઇસિસના પગલે સોનામાં ઝડપી તેજી, વૈશ્વિક 1900 ડોલર પહોંચ્યું, ચાંદી 24 ડોલર ક્રોસ

  • ક્રૂડ ઓઇલમાં લોંગટર્મ ફંડામેન્ટલ તેજી તરફી, બ્રેન્ટ ક્રૂડ ઝડપી 100 ડોલરની સપાટી કુદાવે તેવો અંદાજ

યુક્રેન અને રશિયા વચ્ચેની ક્રાઇસીસના કારણે કોમોડિટી માર્કેટમાં આક્રમક તેજી જોવા મળી છે. સૌથી વધુ તેજી ક્રૂડ, સોના પર રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી 1900 ડોલરની સપાટી કુદાવી ચૂક્યું છે. જો યુધ્ધ થાય તો સોનું 2000 ડોલર સુધી પહોંચી શકે છે.

વૈશ્વિક બજાર સાથે સ્થાનિકમાં રૂ.52000ની સપાટી કુદાવ્યા બાદ ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત બનતા તેજી અટકી છે. સોનાની સાથે ચાંદી પણ 24 ડોલરની સપાટી કુદાવી છે. ક્રૂડ 96 ડોલર થઇ સપ્તાહના અંતે ઘટી 94 ડોલર અંદર રહ્યું હતું. એનાલિસ્ટોના મતે ક્રૂડ ઝડપી 100 ડોલર કુદાવે તેવા સંકેતો છે.

મસાલા પાકોની સિઝન નજીક છતાં જીરું, ધાણામાં ઝડપી તેજી

એગ્રિ કોમોડિટીમાં મસાલા પાકોની નવી આવકો શરૂ થવાની તૈયારીમાં છે. નવા પાકનો અંદાજ સારો છે છતાં ભાવ રેકોર્ડ સપાટી પર પહોંચ્યા છે. જીરૂ, ધાણા તથા હળદરમાં આક્રમક તેજી જોવા મળી છે. આ ઉપરાંત ખાદ્યતેલો તથા એરંડા અને કપાસ-રૂમાં પણ ભાવ નવી ઊંચી સપાટી પર પહોંચ્યા છે. ક્રૂડની તેજીની પણ સીધી અસર એગ્રિ કોમોડિટી પર પડી છે. વર્ષાન્ત સુધી એગ્રિકોમોડિટીમાં તેજી જળવાઇ રહેશે તેવું એનાલિસ્ટોનું કહેવું છે.

મેટલ્સમાં ટીન-નિકલ એવરગ્રીન

1 કોરોના કેસ ઘટતા તેજી જળવાશે: ટીનમાં સતત નવા ઉંચા ભાવ છે. નિકલમાં બેતરફી વધઘટ વચ્ચે તેજી ચાલુ છે. ઝિંક, કોપર અને એલ્યુમિનિયમમાં બેતરફી અનિયમિત વધઘટ છે.
2 લીડ અને કોપરમાં ઉછાળા ટકતા નથી: ન્યુ એજ મેટલ્સ એટલે કે બેટરી મટીરીયલ, એનર્જી ટ્રાન્ઝિસનમાં ઉપયોગી મેટલ્સ તરીકે ટીન, નિકલ, લીથિયમ, ગ્રીન એલ્યુમિનિયમ, ઇન્ડિયમ વગેરે લાઇમલાઇટમાં છે. લીડ અને કોપરમાં ઉછાળા ટકતા નથી.
3 ચીનની ડિમાન્ડ રિયલ એસ્ટેટ પર નિર્ભરઃ ચીનમાં રિઅલ એસ્ટેટ સેકટરમાં દબાણ અને ફુગાવો નીચો હોઇ ચીનની નાણાંનીતિ સ્યિમ્યુલસ તરફી રહેશે. સેકન્ડ કવાર્ટરમાં વધઘટની માત્રા વધશે.