સાબરમતી આશ્રમથી દિલ્હી સુધીની ગાંધી સંદેશ યાત્રાનો આરંભ કરાવશે, ગુજરાતના દરેક જિલ્લામાંથી પસાર થશે યાત્રા

  • સેવાદળના કાર્યકરોની આગેવાનીમાં આ યાત્રા રાજસ્થાન-હરિયાણા થઈ દિલ્હી પહોંચશેઃ મોઢવાડિયા
  • ગાંધીજીના સત્ય-અહિંસાના સંદેશાને ફેલાવતી યાત્રા રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિએ સંપન્ન થશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 6 એપ્રિલના રોજ ગુજરાત આવી રહ્યા છે. ઐતિહાસિક દાંડી માર્ચના અંતિમ દિવસ એટલે કે 6 એપ્રિલના રોજ રાહુલ ગાંધી સાબરમતી આશ્રમ ખાતેથી જ ‘ગાંધી સંદેશ યાત્રા’ની શરુઆત કરાવશે. આ યાત્રા નવી દિલ્હી સ્થિત સ્વ. રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ ખાતે સંપન્ન થશે. કોંગ્રેસના સેવાદળના કાર્યકરોની આગેવાનીમાં નિકળનારી આ યાત્રા ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન, હરિયાણામાંથી પસાર થશે અને મહાત્મા ગાંધીજીના શાંતિ સંદેશાને ઉજાગર કરશે.

સ્વતંત્રતા સંગ્રામની ઐતિહાસિક યાત્રાની ક્ષણો ઉજાગર થશે

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ દિવ્ય ભાસ્કર સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ગાંધી સંદેશ યાત્રાની વિગતો જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ઐતિહાસિક દાંડી યાત્રા ભારતના સ્વતંત્રતા સંગ્રામની ઐતિહાસિક યાત્રા હતી જે 6 એપ્રિલ 1930ના રોજ સંપન્ન થઈ હતી. આ દિવસને મનાવવા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે અને 6 એપ્રિલે જ અમદાવાદના સાબરમતી આશ્રમથી દિલ્હી સુધીની ગાંધી સંદેશ યાત્રાનો આરંભ કરાવશે.

ગાંધી સંદેશ યાત્રાનો રાહુલ આરંભ કરાવશે, સેવાદળના કાર્યકરો જોડાશે

સાબરમતી આશ્રમ ખાતેથી ગાંધી સંદેશ યાત્રાનો રાહુલ ગાંધી આરંભ કરાવશે. ત્યારબાદ સેવાદળના કાર્યકરો આગેવાની લેશે. ગુજરાતના દરેક જિલ્લામાંથી પસાર થતી વેળાએ સ્થાનિક આગેવાનો તેમાં જોડાશે. ગાંધીજીના અહિંસા અને સત્યના સંદેશાને ઉજાગર કરવાના પ્રયાસરુપે આ યાત્રા યોજાઈ રહ્યાનું મોઢવાડિયાએ ઉમેર્યું હતું. ગુજરાતમાંથી આ યાત્રા રાજસ્થાન પહોંચશે અને ત્યાંથી હરિયાણા થઈ દિલ્હી વીરભૂમિ ખાતે સંપન્ન થશે.

શાંતિના સંદેશાને ફેલાવવા માટે ગાંધી સંદેશ યાત્રા નામ રાખ્યું

આ યાત્રા યોજવા માટે ત્રણેક નામો આવ્યા હોવાનું જણાવતા મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે, ગાંધી સંદેશ યાત્રા જ સર્વોચિત નામ હોવાનું જણાયું હતું. આમેય આ યાત્રાનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ ગાંધીજીના શાંતિના સંદેશાને ફેલાવવાનો જ છે. આ માટે ગાંધી સંદેશ યાત્રા નામ રાખવામાં આવ્યું છે. મીઠા સત્યાગ્રહ આપણી આઝાદીની લડતની પરિવર્તનની ક્ષણ હતી અને તે ક્ષણને ફરી જીવંત કરવા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે.