રખડતાં ઢોરના કાયદાના વિરોધમાં પાંચ લાખ માલધારી ગાંધીનગરમાં ભેગા થશે, કહ્યું-ગાય નહીં પહેલાં આખલા પકડો

ગુજરાત વિધાનસભામાં શહેરોમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક-2022 સરકારે બહુમતીના જોરે પસાર કરાવી લીધું છે. હવે આ કાયદો અમલમાં આવતાં શહેરોમાં વસતા માલધારી-રબારી અને પશુપાલકોને ગાય-ભેંસ રાખવા લાઇસન્સ લેવું પડશે! નહિ તો દંડ થશે, FIR પણ થશે, જેને પગલે માલધારી સમાજે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે.

માલધારીઓની માગ છે કે સરકાર નવો કાયદો લાવે એ પહેલાં પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યનાં 2303 ગામમાં એકપણ ગૌચર જમીન નથી, જ્યારે 9029 ગામમાં લઘુતમ કરતાં પણ ઓછું ગૌચર છે. આ અંગે GujUpdates એ રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતના માલધારીઓ તથા મેયર સાથે વાત કરી હતી.

પાંચ લાખ જેટલા માલધારીઓ ગાંધીનગર ખાતે ભેગા થશે

આ અંગે અમદાવાદના કોર્પોરેટર અને માલધારી સમાજના આગેવાન કાળુભાઈ ભરવાડે ગુજઅપડેટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા રસ્તે રખડતાં ઢોર મુદ્દે આજે કાયદો લાવવામાં આવ્યો છે, એ મામલે માલધારી સમાજના આગેવાનો અને સાધુ-સંતો સાથે અમે ચર્ચા કરીશું અને તેમની આગેવાની અને સૂચના મુજબ પાંચ લાખ જેટલા માલધારીઓ ગાંધીનગર ખાતે ભેગા થશે. તાપી રિવર લિંક માટે જે રીતે આદિવાસીઓએ ભેગા થઈને વિરોધ કર્યો હતો એમ આ કાળા કાયદા સામે વિરોધ કરવા માટે માલધારીઓ ભેગા થશે.

રાજકોટ: ‘ગાય નહીં, પહેલા આખલા પકડો’

રાજકોટના માલધારી આગેવાન રણજિત મુંધવાએ જણાવ્યું હતું કે હાલ રાજકોટમાં ગાયને લઇ જે લોકોમાં રોષ છે, પરંતુ જે લોકોને ઇજા પહોંચી અને એક વ્યક્તિનું મુત્યુ થયું છે એ દુઃખદ ઘટના છે. એ ઢીંક મારનાર ગાય નહીં, પરંતુ આખલા હતા. રૈયાધારમાં બે આખલા સામસામે ઝઘડ્યા એમાં નિર્દોષનો જીવ ગયો એ ખેદજનક છે, એ માલધારી સમાજ દુઃખ વ્યક્ત કરે છે, પરંતુ આ સમસ્યાનો હલ જ કાઢવો હોય તો માલધારી સમાજની જૂની માગણી છે કે માલધારી વસાહત આપી દેવી જોઇએ અને અમે માલધારી સમાજ પણ સ્માર્ટસિટી રાજકોટને બનાવવા પૂરો પ્રયાસ કરીશું, સાથે જ શહેરની અંદર ગાય નહીં, પહેલા આખલાને પકડો. એમા આખલા પકડવા માલધારી સમાજ સહયોગ કરશે. ભૂતકાળમાં પણ સહયોગ કર્યો હતો. ઢોર પકડ પાર્ટીની મેલી મુરાદને કારણે આખલા રખડે છે, કારણ કે દૂઝણી ગાય પકડવામાં જ કર્મચારીને રસ છે. અમે પણ આખલા પકડવામાં સહયોગ કરીશું, સાથે સાથે માલધારી સમાજ ગરીબ હોઈ દંડ ન વધારવા અમારી અપીલ છે.

પશુપાલકનું ઢોર પકડાઇ તો દંડની રકમ પણ વધારીશું: રાજકોટના મેયર

મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે મનપા દ્વારા અગાઉ પણ રોજ સરેરાશ 25થી 30 ઢોર પકડવામાં આવતાં હતાં, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી રોજના 50થી વધુ ઢોર પકડવામાં આવે છે. પકડવામાં આવતાં ઢોર માટે શહેરમાં અલગ અલગ જગ્યાએ એનિમલ હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે. ઢોર ડબ્બાની વ્યવસ્થા સાથે પાંજરાપોળ માટે બજેટમાં 1 કરોડ 60 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 1 કરોડ 70 લાખ ઢોર ડબ્બા માટે બજેટમાં જોગવાઈ છે તેમજ જે પશુપાલકનું ઢોર પકડાઇ છે તેને 1 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવે છે. રોજનો મોટા પશુ માટે નિભાવ ખર્ચ 700 રૂપિયા અને નાના પશુ માટે 500 રૂપિયા રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં જે પશુપાલકનું ઢોર પકડાઇ એમાં દંડની રકમ પણ વધારવાના છીએ.

અમદાવાદ: નવા કાયદા પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા જરૂરી

અમદાવાદ માલધારી સમાજના આગેવાન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય નાગજીભાઈ દેસાઈએ ગુજઅપડેટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં રખડતાં ઢોર પકડવામાં આવે છે. એની સામે વાંધો નથી, પરંતુ સરકાર દ્વારા આ કાયદો લાવવામાં આવે છે તો પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે.

તાજેતરમાં જ 25થી વધુ ગામડાં કોર્પોરેશનની હદમાં ભેળવવામાં આવ્યાં છે. હવે આ બધાં ગામડાં કોર્પોરેશનની હદમાં પડતાં ત્યાંથી પણ ઢોર પકડવામાં આવે છે. લાંભા, ગેરતપુર, પીપળજ, કમોડ, ચિલોડા સહિતના વિસ્તારો છે, જે ગામડાં છે. હવે આ વિસ્તારોમાં તેમણે પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર રાતોરાત કાયદો બનાવી દે છે, પરંતુ પહેલા માલધારી સમાજ સાથે વાતચીત કરવી જોઈએ અને પશુઓને રાખવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે.

માલધારી સમાજના આગેવાનો-સંતો સાથે ચર્ચા કરીશું: કાળુભાઈ ભરવાડ

લાંભા વોર્ડના અપક્ષ કોર્પોરેટર અને માલધારી સમાજના આગેવાન એવા કાળુભાઈ ભરવાડે ગુજઅપડેટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા રસ્તે રખડતાં ઢોર મુદ્દે આજે કાયદો લાવવામાં આવ્યો છે, એ મામલે માલધારી સમાજના આગેવાનો અને સાધુ-સંતો સાથે અમે ચર્ચા કરીશું અને તેમની આગેવાની અને સૂચના મુજબ પાંચ લાખ જેટલા માલધારીઓ ગાંધીનગર ખાતે ભેગા થશે. તાપી રિવર લિંક માટે જે રીતે આદિવાસીઓએ ભેગા થઈને વિરોધ કર્યો હતો એમ આ કાળા કાયદા સામે વિરોધ કરવા માટે માલધારીઓ ભેગા થશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં મોટાં શહેરો અને અન્ય નગરપાલિકાઓમાં આ કાયદો લાગુ પડે છે, ત્યારે સરકારે અમને ઢોર રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એનિમલ હોસ્ટેલ બનાવી આપે એવી અમારી માગ છે.

શહેરથી બહાર પાંચ કિલોમીટર દૂર જમીન આપે અને ત્યાં અમે અમારાં ઢોર રાખી અમારો પશુપાલનનો વ્યવસાય કરી શકીએ. જેમ સરકાર ઉદ્યોગપતિઓને અને બિઝનેસમેનને જમીન આપે છે એમ અમને પણ આપે અને એમાં અમે અમારાં ઢોર રાખીને અમારો વ્યવસાય કરી શકીએ.

શહેરમાં 17600થી વધુ પશુઓને RFID ટેગ લગાવી દીધા

અમદાવાદ શહેરમાં કુલ અંદાજે 67 હજાર જેટલાં પશુ છે, જેમાં કોર્પોરેશનના ચોપડે 56 હજાર જેટલાં પશુઓ નોંધાયેલાં છે. 31 માર્ચ 2022 સુધીમાં કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા શહેરમાં 17600થી વધુ પશુઓને RFID ટેગ લગાવી દીધા છે. હવે કાયદો પસાર થતાં દરેક પશુમાલિકોએ પોતાનાં ઢોર માટે લાઇસન્સ લઈને ફરજિયાત RFID ટેગ લગાવવાનું રહેશે.

સુરતઃ 100 દિવસમાં ઢોરોને પકડવાનો ટાર્ગેટ

સુરતમાં મહાનગરપાલિકાને 100 દિવસમાં ઢોરોને પકડવાની કામગીરીનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. એ માટે કર્મચારીઓ 5 પાળીમાં કામ કરી રહ્યા છે. બે ટીમ સવારે, 2 ટીમ સાંજે અને 1 ટીમ રાતે ઢોર પકડવાની કામગીરીમાં લાગે છે. ઘણા પશુઓના માલિકો દ્વારા વધુ દંડ ભરવો ન પડે એ માટે ઢોરના કાન પર લગાવેલા ટેગને કાઢી નાખવામાં આવતા હતા.

જોકે હવે કોર્પોરેશને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં એક રેડિયો ફ્રિકવન્સી ચિપ પશુઓની ચામડી નીચે ઇન્સર્ટ કરી દેવામાં આવે છે. જે ઢોરોમાં કાયમી સ્વરૂપે ફિટ થઈ જાય છે, સાથે જ રખડતાં ઢોર પર અંકુશ લાવવા માટે દંડની જોગવાઈમાં ધરખમ વધારો કરાયો છે. ઢોર બીજી વખત પકડાય તો પહેલાંના દંડ કરતાં બમણા દંડ વસૂલવામાં આવે છે. જેટલી વખત 18 પકડાઈ એટલો ગણો દંડ ફટકારવાનો શરૂ કરાયો છે.

દબાણ ખાતાના અધિકારી ડૉ. રાજેશ પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક રખડતાં ઢોરોની સમસ્યામાંથી લોકોને રાહત આપવા માટેની કામગીરી થઇ રહી છે. 100 દિવસ અંતર્ગત કામગીરી કરવામાં આવી છે એ નોંધનીય રહી છે. આગામી દિવસોમાં એસઆરપીની મદદથી તેમજ રેડિયો ફ્રિકવન્સી ચિપની મદદથી ઢોરોનું રજિસ્ટ્રેશન ખૂબ જ સરળ અને ચોક્કસ બનશે. રાજ્ય સરકાર દ્વારા જે નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે એ તમામનો યોગ્ય રીતે સુરત શહેરમાં અમલ થાય એના માટેની અમે કામગીરી કરી રહ્યા છે. જરૂર પડે ત્યાં વધારાના કર્મચારીઓને પણ કામે લગાડીને રખડતાં ઢોરને પાંજરે પૂરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

ઢોરને કારણે પિતા ગુમાવનાર કીર્તન સવાણી.

વડોદરાઃ રસ્તા વચ્ચે ગાય આવી જતાં અકસ્માત નડ્યો ને પિતા ગુમાવ્યા

વડોદરામાં રખડતા ઢોરની અડફેટે આવતાં કોઇને પોતાના સ્વજન ગુમાવવા પડ્યા છે તો કોઇને ઇજાઓ થઇ છે. ત્યારે શહેરના સમા વિસ્તારમાં રહેતા એક યુવાનના પિતાનું અવસાન થતાં સહારો ગુમાવવાનો વારો આવ્યો છે. યુવકે કહ્યું હતું કે રખડી રહેલા ઢોરથી એક પરિવારે તેનો સભ્ય ગુમાવવો પડે છે, તેની વેદના કોઇ સમજી નથી શકતું.

સમા વિસ્તારમાં રહેતા અને મકાનોમાં ટાઇલ્સ ફિટિંગનું કામ કરી જીવનનિર્વાહ ચલાવતા કીર્તનભાઇ સવાણીએ ગુજઅપડેટ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગત સપ્ટેમ્બર મહિનામાં મારા પિતા હિંમતભાઇ સવાણી ટૂ-વ્હીલર પર નીકળ્યા હતા. તેમને રસ્તા વચ્ચે ગાય આવી જતાં અકસ્માત નડ્યો હતો. મારા પિતાને પાંસળીઓ, મણકા અને માથામાં ઇજાઓ થઇ હતી, જેથી તેમને બ્રેન હેમરેજ થયું હતું. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

‘મારા ખભે હાથ મૂકનાર ન રહ્યું’

કીર્તનભાઇએ જણાવ્યું હતું કે ઢોર અથડાતાં એક પરિવારે તેનો સભ્ય ગુમાવવો પડે છે, તેની વેદના કોઇ સમજી નથી શકતું. સરકાર આ વેદના સમજે અને પગલાં ભરે તો સારું, પણ સરકાર કોઇ પગલાં નથી ભરતી. જો સરકાર રખડતાં ઢોર સામે કામગીરી નથી કરી શકતી તો પછી પીડિતોને વળતર આપે. દિવાળી જેવો તહેવાર ઘરમાં આવે અને પરિવારના સભ્યની યાદ આવે. આ પ્રસંગ કાઢવો અઘરો બને છે. મારે તો મારા પિતાનો હાથ મારા માથા પરથી જતો રહ્યો. મારા પિતા નિવૃત્ત હતા તોપણ થોડુંઘણું કામ કરી લેતા હતા. અત્યારે એવી સ્થિતિ છે કે ખભે હાથ મૂકનાર કોઇ રહ્યું નથી. રખડતાં ઢોરને તમે પકડી ન શકતા હોવ તો આવા પશુપાલકોને તમે બીજે જગ્યા આપો.