કોલસાના ભાવ આગામી વર્ષે 55 ટકા વધવાની ભીતિ: ઈકરા

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સપ્લાયમાં ખામી સર્જાતા આયાતી કોલસાના ભાવ આગામી નાણાકીય વર્ષમાં 45થી 55 ટકા વધવાની શક્યતા છે. કોલસાની આયાત ઘટતાં સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થવાની ભીતિ છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં થર્મલ અને કોકિંગ કોલસામાં 17 ટકા અને 10 ટકા હિસ્સા સાથે રશિયા કોલસાનો સૌથી મોટો સપ્લાયર છે.

યુદ્ધના કારણે સપ્લાય પર અસર થતાં આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં આયાતી કોલસાનો ભાવ 45થી 55 ટકા વધવાનો સંકેત ઈકરાએ આપ્યો છે. છેલ્લા થોડા સમયથી કોલસાના ભાવ રેકોર્ડ સ્તરે વધી રહ્યા છે. જેથી આયાત ખર્ચ વધવાની શક્યતા છે. કેટલીક રશિયન બેન્કો પર SWIFT પ્રતિબંધો લાદવામાં આવ્યા છે અને કાઉન્ટરપાર્ટી ધિરાણના જોખમોની ચિંતાઓ સાથે, ખરીદદારો રશિયન કોલસાના સપ્લાયર્સ સાથે વેપાર કરી શકતા નથી.

પરિણામે કોલસાના વેપાર પ્રવાહમાં પડકારો વધી રહ્યા છે. નોન-રશિયન સપ્લાયર્સ રશિયન સપ્લાયમાં અછતની ભરપાઈ કરવા માટે અસક્ષમ છે. જેથી ભાવો વધી રહ્યા છે. માઈનર્સ પાસે ઉત્પાદન વધારવા માટે મર્યાદિત ક્ષમતા છે. ગતવર્ષે 30 ટકા સામે આ વર્ષે ફેબ્રુારીમાં સૌથી વધુ 270 ટકાની ટોચે ભાવ બોલાયા હતા. માર્ચ 2022માં સ્થાનિક ઈ-ઓક્શન પ્રીમિયમમાં 300 ટકાનો વધારો થયો છે. નોન-રેગ્યુલેટેડ સેક્ટરમાં સ્ટીલ, સિમેન્ટ અને એલ્યુમિનિયમ ઉત્પાદકોના ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની ભીતિ છે.

કોલસાની માગ 1 અબજ ટનથી વધી

ચાલુ નાણાકીય વર્ષમાં કોલસાની માગ 1 અબજ ટનથી વધી હતી. આર્થિક ગતિવિધિઓમાં રિકવરીના કારણે તેમાં ગત નાણાકીય વર્ષ સામે 12થી 13 ટકા મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. સ્થાનિક સ્તરે કોલસાની માગ આગામી નાણાકીય વર્ષમાં 5થી6 ટકા વધવાનો આશાવાદ છે. જો કે, કોલસાની આયાતો ચાલુ નાણાકીય વર્ષમાં 14 ટકા ઘટવાની દહેશત છે.