મોંઘવારી પર અંકુશ માટે સ્ટીલ બાદ હવે ખાંડ પર નિકાસ પ્રતિબંધ, સુગર સ્ટોક્સમાં ઘટાડો

  • ખાંડ પર નિકાસ મર્યાદા લાગુ થશે, પાર્વતી સિવાય તમામ 34 સુગર સ્ટોક્સમાં 5-10 ટકાનો કડાકો

સ્થાનિક સ્તરે વધતા ભાવોને અંકુશમાં લાવવા તેમજ સપ્લાય પડકારોને દૂર કરવાના હેતુ સાથે કેન્દ્ર સરકાર સ્ટીલ બાદ હવે ખાંડની નિકાસ પર નિયંત્રણો મૂકી શકે છે. સરકાર ખાંડની નિકાસ 1 કરોડ ટન (10 મિલિયન ટન) સુધી મર્યાદિત કરી શકે છે. જો કે, માર્કેટિંગ વર્ષ 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં સુગર મીલોને 9 મિલિયન ટન (90 લાખ ટન) નિકાસ ઓર્ડર મેળવી લીધા છે. જેમાંથી 7.5 મિલિયન ટન ખાંડ નિકાસ પણ થઈ ચૂકી છે. ભારત વિશ્વમાં બ્રાઝિલ બાદ ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર છે. ખાંડ પર નિકાસ પ્રતિબંધો ટૂંક સમયમાં જારી થશે.

ખાંડ પર નિકાસ મર્યાદાના અહેવાલોના પગલે બીએસઈ ખાતે લિસ્ટેડ 35 સુગર સ્ટોક્સમાંથી પાર્વતી સ્વિટનર્સ સિવાય તમામ 34માં 5થી 10 ટકાનો કડાકો નોંધાયો હતો. મગધ સુગર એનર્જી સૌથી વધુ 9 ટકા તૂટ્યો હતો. દાલમિયા સુગર્સનો શેર 8 ટકા ઘટ્યો હતો. પાર્વતી સ્વીટનર્સ નજીવો 0.68 ટકા સુધરી 11.77 પર બંધ રહ્યો હતો.

2020-21માં દેશમાંથી 70 લાખ ટન ખાંડની નિકાસ થઈ હતી. ખાંડની સૌથી વધુ નિકાસ ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, યુએઈ, મલેશિયા અને આફ્રિકન દેશોમાં થાય છે. ઇથેનોલને પ્રાધાન્ય આપવા માટે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

માગને પહોંચી વળવા 60 લાખ ટન ખાંડની જરૂર

આગામી માર્કેટિંગ વર્ષ 2022-23ના પ્રથમ બે માસમાં સ્થાનિક માગને પહોંચી વળવા માટે સપ્ટેમ્બર, 2022 સુધી 60 લાખ ટન ખાંડની જરૂર પડશે. તદુપરાંત દેશની પ્રથમ પ્રાથમિકતા સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરવાની છે. મોંઘવારી પર કાબૂ મેળવવા માટે નિકાસ પર પ્રતિબંધ જરૂરી છે. નિકાસ પ્રતિબંધ ચાલુ માર્કેટિંગ વર્ષના અંત સુધીમાં લાગૂ થશે. જેથી અગાઉથી મળેલા નિકાસ ઓર્ડરને સરળતાથી પૂર્ણ કરી શકાય.

ભ્રષ્ટ વેપારીઓ દ્વારા ઘઉંની નિકાસ અટકાવવા પ્રયાસ

ભ્રષ્ટ વેપારીઓ દ્વારા થતી ઘઉંની નિકાસ અટકાવવા વાણિજ્ય મંત્રાલયે ઘઉંની નિકાસના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે નવી શરતો લાગૂ કરી છે. 13 મે પહેલાં જારી કરવામાં આવેલા એલઓસી ધરાવતા નિકાસકારો જ ઘઉંની નિકાસ કરી શકશે. ભારતીય અને વિદેશી બેન્ક વચ્ચે મેસેજ એક્સચેન્જ ડેટ 13 મે, 2022 રહેશે.