ગુજરાતમાં UPની જેમ જ્ઞાતિવાદનો ઉભરો, 150થી વધુ વિધાનસભા બેઠકો પર પ્રભુત્વ ધરાવતી કોળી-ઠાકોર-પાટીદાર સહિત 4 જ્ઞાતિઓએ બાંયો ચડાવી

સમાજના નામે, સમાજ માટે અને સમાજ દ્વારા જ્ઞાતિના નામે ખેલાતું રાજકારણ ગુજરાત માટે કોઈ નવી વાત નથી. રાજકારણમાંથી જ્ઞાતિવાદ દૂર કરવાની વાતો તો સૌ કોઈ કરે છે પરંતુ ચૂંટણી આવતા જ નેતાઓ જ્ઞાતિનું શરણું લે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી વહેલી આવી રહી હોવાની ચર્ચાઓ વચ્ચે ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જ્ઞાતિવાદનો ઉભરો આવ્યો છે.

હાલ વિવિધ સમાજો અને સંગઠનો જ્ઞાતિ સંમેલનો, બેઠકો યોજવા લાગ્યા છે. તેમજ વર્ષોથી પડતર માગણીઓ સાથે મેદાને પડ્યા છે. જેમાં પાટીદારો, ક્ષત્રિયો, આદિવાસીઓ, કોળી-ઠાકોર સહિતની જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. ચૂંટણીની જાહેરાત પહેલા જ જ્ઞાતિવાદી નેતાઓનાં પ્યાદાં પણ ગોઠવાઈ જાય એટલે માહોલ જામી ગયો છે.

આજે વાત એવી 4 જ્ઞાતિની જેઓ ગુજરાતમાં 64 ટકા વસતિ ધરાવે છે અને તેમનું 150થી વધુ બેઠકો પર પ્રભુત્વ છે. ત્યારે GujUpdates કોળી-ઠાકોર, પાટીદારો, આદિવાસીઓ, ક્ષત્રિયોનું વિધાનસભા ચૂંટણીમાં કેટલી સીટો પર પ્રભુત્વ, વસતિ, માંગો, અને આગેવાનો અંગે આ સ્પેશિયલ રિપોર્ટમાં જણાવી રહ્યું છે.આગામી સમય રાજકીય પક્ષો આ 4 જ્ઞાતિમાંથી મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરે તો નવાઈ નહીં.