સ્માર્ટફોન બનાવતી શાઓમીના અનેક સ્થળો પર EDએ દરોડા પાડ્યા; રૂપિયા 5551 કરોડની રકમ જપ્ત કરી

સ્માર્ટફોન બનાવતી ચીનની અગ્રણી કંપની શાઓમી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)એ વ્યાપક પ્રમાણમાં દરોડા પાડ્યા છે. કંપનીની બેંગ્લુરુ સ્થિત ઓફિસથી EDએ રૂપિયા 5,551 કરોડની રકમ જપ્ત કરી છે. કંપની સામે આરોપ છે કે તેણે ગેરકાયદેસર રીતે કમાણી કરીને તે ભારતની બહાર મોકલી હતી. કંપનીએ આ આર્થિક ઉચાપત ફેબ્રુઆરી મહિનામાં કરી હતી. હવે ED આ અંગે કાર્યવાહી કરી રહી છે.

EDનું કહેવું છે કે ટેક કંપની રોયલ્ટીના નામે આ પ્રકારે મોટી રકમની ફેરાફેરી ચીનમાં રહેલી તેની મુખ્ય કંપનીના ઈશારે કરી રહી હતી. તેણે અમેરિકામાં રહેલી શાઓમી ગ્રુપ કંપનીને પણ મોકલી છે.

FEMA એક્ટથી લાગશે દંડ

EDના જણાવ્યા પ્રમાણે શાઓમીએ જે ત્રણ કંપનીને નાણાં મોકલ્યા છે, તેમા શાઓમી ઈન્ડિયા સાથે કોઈ જ પ્રકારના કારોબારી સંબંધ નથી. એજન્સીએ જણાવ્યું કે શાઓમી ગ્રુપ આ ફ્રોડને છૂપાવવા માટે અનેક પ્રકારની વાર્તાઓ ઉપજાવી રહી છે અને સતત ગેરમાર્ગે દોરી રહી છે.કંપનીએ રોયલ્ટીના નામે પોતાની કમાણીની રકમને ભારત બહાર મોકલવું તે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની કલમ 4નું ઉલ્લંઘન છે. કંપનીએ ભારતની બહાર નાણાં મોકલવા અંગે બેન્ક સમક્ષ પણ ખોટી માહિતી રજૂ કરી હતી. કેટલાક મહિના અગાઉ FEMAના નિયમોનું ઉલ્લંઘન અંગે શાઓમીના ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ મનુ જૈનને ED સમક્ષ હાજર થવું પડ્યું હતું.

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ દરોડા પાડી ચુક્યું છે

FEMA એક્ટમાં જે પેનલ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લાગતા દંડને 3 ગણો હોય છે. શાઓમી ઉપરાંત અન્ય ચાઈનિઝ મોબાઈલ કંપનીઓના અનેક કારોબારી સ્થળો પર આવક વેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સરકારે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખી શાઓમી સ્માર્ટફોનની કેટલીક એપ્લિકેશન ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

શાઓમી છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળાથી ઈન્ડિયન સ્માર્ટફોન માર્કેટમાં અગ્રેસર ભૂમિકામાં છે. ભારતમાં સ્માર્ટફોન શિપમેન્ટની અછત વચ્ચે 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીનું 22 ટકા માર્કેટ શેર સાથે આગળ રહી છે.